Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

સરકારી મહેમાન

હાર્દિક પટેલ કોંગ્રેસમાં લોકસભાનો કેન્ડિડેટ હશેઃ પાર્ટી MLAsને પણ ઇલેકશન લડાવવા મક્કમ

સોશ્યલ મિડીયામાં આજે પણ ફેસબુક નંબર વન છે, બીજાક્રમે વોટ્સએપ આવે છેઃ ઇઝરાયલના PM પછી હવે કેનેડાના પ્રાઇમ : મિનિસ્ટર પણ ગુજરાતની ખબર લેશેઃ યુવાનોને બિટકોઇનનું ઘેલું લાગ્યું છે- સાવધાન! આ શોર્ટકટમાં મોટું ભયસ્થાન છે

લોકસભાની ૨૦૧૯માં આવનારી ચૂંટણીમાં વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોને મેદાનમાં ઉતારવાનું બન્ને પાર્ટીઓએ નક્કી કર્યું છે જેમાં સૌથી વધુ ઉમેદવારો કોંગ્રેસ ઉભા રાખશે. આ વખતે ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અને સુપ્રિમો હાર્દિક પટેલને કોંગ્રેસ લોકસભામાં અજમાવશે. હાર્દિક એ ૨૦૧૯ની લોકસભામાં સૌથી યુવાન કેન્ડિડેટ હોઇ શકે છે. જો તે જીતે તો લોકસભામાં તેના જેટલી નાની ઉંમરનો કોઇ સંસદસભ્ય નહીં હોય. ગુજરાતમાંથી કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીતેલા ઉમેદવારો જેવાં કે વિરજી ઠુમ્મર, પરેશ ધાનાની, વિક્રમ માડમ અને કુંવરજી બાવળીયાને ટીકીટ આપે તેવી સંભાવના છે. આ ઉપરાંત પાર્ટી સોમાભાઇ ગાંડાભાઇ પટેલ, જગદીશ ઠાકોર, ઇન્દ્રનિલ રાજયગુરૂ, તુષાર ચૌધરી, મધુસુદન મિસ્ત્રી અને ધીરૂ ગજેરા જેવા નેતાઓને પણ આજમાવી શકે છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ મધ્ય ગુજરાતમાંથી લોકસભામાં દાવેદારી કરી શકે છે. બીજી તરફ ધારાસભ્યો જો લોકસભા જીતી જાય તો પાર્ટી ૨૦૧૭માં ચૂંટણી હારી ગયેલા ઉમેદવારો જેવાં કે શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ઘાર્થ પટેલને વિધાનસભાના બાય ઇલેકશનમાં ટીકીટ આપી શકે છે. ભાજપમાં પણ કેટલાક પસંદગીના ધારાસભ્યોને લોકસભાની ટીકીટ મળી શકે છે. ધારાસભ્ય ચૂંટણી લડે તો તેમને કોઇ નુકશાન નથી, કારણ કે જો લોકસભા જીતી જાય તો MLA પદેથી રાજીનામું આપી શકે છે, જો તે હારી જાય તો પ્ન્ખ્ તરીકે તો તે ચાલુ રહી શકે છે.

 

હેલ્થકેરમાં મફત જમીન અને ઇન્સેન્ટીવ આપો...

ભારતમાં હેલ્થકેર સેકટરમાં ખૂબજ નબળી સ્થિતિ છે. પ્રતિ એર હજારની વસતીએ માત્ર ૦.૬૫ ડોકટર છે. એટલે કે ૧૦૦૦ની વસતીએ એકપણ ડોકટર ઉપલબ્ધ નથી. એવી જ રીતે હોસ્પિટલમાં નર્સની સંખ્યા પ્રતિ હજારે ૧.૩ અને હોસ્પિટલમાં બેડની સંખ્યા ૧.૩ છે.  દેશમાં એક હજારની વસતીએ ડોકટરનું પ્રમાણ ૨.૫ હોવું જોઇએ. ૧૦૦૦ની વસતીએ પાંચ નર્સ હોવી જોઇએ અને હોસ્પિટલમાં બેડની સંખ્યા ૩.૫ હોવી જોઇએ. ભારતની કેન્દ્ર સરકાર જો આમ કરશે તો તેના માટે અંદાજે ૨૪૫ બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવું પડે તેમ છે. દેશમાં ગામડાની સંખ્યા છ લાખ છે જેમાં માત્ર ૨૩૧૦૯ સિંગલ ફિઝિશ્યન સર્વિસ આપી શકે તેવા કિલનિક છે. પ્રત્યેકમાં સરેરાશ ચાર થી છ બેડની વ્યવસ્થા છે. ભારતમાં નોન કોન્યુનિકેબલ ડિસીઝિસ- NCD- ની સુનામી છે. વર્લ્ડ ઇકોનોમિ ફોરમના રિપોર્ટ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં બેતૃતિયાંસ લોકોના મોત માટે NCD જવાબદાર હશે અને તેના માટે ભારતે પાંચ ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરવો પડશે. ભારતે આ કારણોસર પબ્લિક અને પ્રાઇવેટ હેલ્થકેરમાં મોટા પગલાં લેવા પડશે તેવું આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. પ્રાઇવેટ સેકટરનું હોસ્પિટલના બેડનું કોન્ટ્રીબ્યુશન ૫૧ ટકા છે અને તેઓ ૪૫ મિલિયન લોકોને એડમિટ કરી શકે છે. આ સેકટર ૨૦૨૨ સુધીમાં  ૭૫ લાખ સીધી રોજગારીનું સર્જન કરી શકે છે.

મંથલી એકિટવ યુઝર્સમાં ફેસબુક ટોચક્રમે છે...

વિશ્વના નકશામાં આજે પણ ફેસબુક એક એવું સોશ્યલ માધ્મય છે કે જેના સૌથી વધુ ચાહકો છે. મંથલી એકિટવ યુઝર્સના આંકડા જોઇએ તો ફેસબુક ૨૦૭૨ મિલિયન સાથે સમગ્ર સોશ્યલ મિડીયામા ટોપ પર છે. ફેસબુકે તેની લોકપ્રિયતા જાળવી રાખી છે એની પાછળનું મુખ્ય કારણ સતત અપડેશન થતી તેની સિસ્ટમ છે. બીજાક્રમે ૧૩૦૦ મિલિયન યુઝર્સ સાથે વોટ્સઅપ આવે છે. આ પણ એક પોપ્યુલર માધ્યમ બનતું જાય છે. આ એપ્લીકેશનની ખાસિયત એ છે કે તેમાં ઓડિયો અને વિડીયો કોલ આસાનીથી થાય છે અને તે પણ કવોલિટી સાથે હોય છે. ફેસબુકની સાથે આવતું મેસેન્જર એ ત્રીજું સોશ્યલ માધ્યમ છે કે જેના ૯૮૦ મિલિયન મંથલી યુઝર્સ છે. આ સાથે વી-ચેટનું સ્થાન ૯૮૦ મિલિયન સાથે ત્રીજું અને ઇસ્ટાગ્રામનું ૮૦૦ મિલિયન સાથે ચોથું સ્થાન આવે છે. કયુઝોનના યુઝર્સ ૫૬૮ મિલિયન છે. વાઇબોના ૩૬૧ મિલિયન અને ટ્વિટરના ૩૬૦ મિલિયન યુઝર્સ છે. પ્રિન્ટરેસ્ટના ૨૦૦ મિલિયન અને સ્નેપચેટના ૧૭૮ મિલિનય મંથલી એકિટવ યુઝર્સ છે.

તમે મહિલા છો?  મહિને ૨૦,૦૦૦ કમાવવા છે?!!...

ભારતમાં મહિલાઓને સશકત બનાવવા માટે કેન્દની મોદી સરકારે એક યોજના બનાવી છે. આ યોજનામાં મહિલાઓ પ્રતિ માસ ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ રૂપિયા કમાઇ શકે છે. મહિલા રોજગારીની સમસ્યાના સમાધાન માટે સરકારે એક યોજના શરૂ કરી છે જેનો લાભ દેશના તમામ રાજયોને મળવાનો છે. કેન્દ્ર સરકારની યોજનાની શરૂઆત ગુજરાતમાંપણ થઇ છે, પરંતુ મહિલાઓને ઓછી જાણકારી હોવાથી તેનો ઉપયોગ કરી શકતી નથી. હવે સરકારે આવા સેન્ટરો આપવા માટેના નિયમો પણ હળવા કર્યા છે. દેશભરમાં ૧.૬ લાખ નવા સીએસસી ખોલવામાં આવ્યા છે. આ સેન્ટરમાં ક્રમશ વધારો થતો ગયો છે. કોમન સર્વિસ સેન્ટર ઉપર માત્ર બે થી અઢી લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય છે. આ રોકાણની મદદથી મહિલા ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ રૂપિયા કમાઇ શકે છે. સરકારે આ સર્વિસ સેન્ટરની પ્રોડકટ વધારવાનો વિકલ્પ પણ વધાર્યો છે. એક સીએચસીમાં સરકારી, પ્રાઇવેટ અને સોશ્યલ સેકટર જેવી ટેલીકોમ, એગ્રીકલ્ચર, હેલ્થ, એજયુકેશન, એન્ટટેઇનમેન્ટ, એફએમજીસી પ્રોડકટ્સ, બેન્કીંગ અને ફાયનાન્સિયલ સર્વિસના તમામ પ્રમાણપત્રો, આવેદનપત્ર અને યુટિલીટી બિલના પેમેન્ટ કરી શકાય છે. સરકારની યોજના છે કે આવનારા દિવસોમાં નવા સીએચસીમાં ૩૦૦થી વધુ સર્વિસિઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બિટકોઇનનું માર્કેટ કેપ ૧૦૧ અબજ ડોલર છે...

વિશ્વની સાથે ભારતના યુવાનોને બિટકોઇનનું ઘેલું લાગ્યું છે. આ બિટકોઇન બીજા અર્થમાં કહીએ તો તે જુગાર છે. તે કોઇને પણ માલામાલ અથવા તો કોઇને પણ કંગાળ બનાવી શકે છે. આ કરન્સીના માર્કેટ કેપ એ ગયા ઓગષ્ટના અંતે ૧૦૧ અબજ ડોલરને સ્પર્શ કર્યો હતો. ભારતમાં કેન્દ્ર સરકાર તેમજ ભારતીય રીઝર્વ બેન્કની ચેતવણી છતાં યુવાનોમાં ક્રેઝ વધતો જાય છે. બેંગલુરૂ, મુંબઇ, પુણે અને દિલ્હી જેવા શહેરોમાં તો હવે રેસ્ટોરન્ટ પણ બિટકોઇનથી નાણાની લેવડદેવડ જ કરી રહ્યાં છે. વિદેશોમાં તો બિટકોઇન માર્કેટને આધારિત એકસચેન્ડ ટ્રેડેડ ફંડ પણ એકિટવ થયા છે. આજે બિટકોઇન એ દુનિયાની સૌથી મોંઘી કરન્સી છે. ભારત સરકારે બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ કરવા સામે અનેક ચેતવણી આપી છે છતાં યુવાનો બિટકોઇનમાં રોકાણ કરતા જ રહ્યાં છે. કાયદાકીય માન્યતા કે સુરક્ષા વિનાની આ કરન્સીથી ખુદ મોદી સરકાર પરેશાન છે છતાં શોર્ટટમ મની કમાવવાની લાલચ બેરોજગાર યુવાનો ચૂકતા નથી. જાણીને નવાઇ લાગશે કે બિટકોઇન જેવી વિશ્વમાં ૧૩૪૪ જેટલી કરન્સી છે જેના ભાવમાં ચઢઉતર થયા કરે છે. કોઇન માર્કેટ કેપનો કુલ આંકડો ૬૦૩ બિલિયન ડોલરને ટચ કરી ગયો છે.

ભારતમાં ૭૦ ટકા લોકોનો મોદી પર ભરોસો છે...

વિશ્વના મહત્વના દેશોમાં સરકાર ઉપર ભરોસો કેવો છે તેવો એક સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં ચાઇનાનો નંબર પહેલો આવ્યો છે. ચાઇનામાં ૮૪ ટકા લોકોને તેની સરકાર પર ભરોસો છે. આનંદની બાબત એવી છે કે ચાઇના પછી ઇન્ડિયાનો વારો આવે છે. ભારતમાં ૭૦ ટકા લોકોને નરેન્દ્ર મોદીની સરકાર પર વિશ્વાસ છે. દેશમાં નોટબંધી, જીએસટી, બેરોજગારી અને મોંઘવારી જેવી સમસ્યાઓ છતાં લોકોને મોદી પર ભરોસો છે. સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે કેનેડા દેશ કે જયાં લોકોને તેની સરકાર પર ૪૬ ટકા ટ્રસ્ટ છે. એડલમેન ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલા વિશ્વના ટોચના ૧૨ દેશો પૈકી તુર્કીની ૫૧ ટકા જનતાને તેની સરકાર પર ભરોસો છે. સાઉથ કોરિયા પણ ૪૫ ટકા સાથે પાંચમાક્રમે આવે છે. ટ્રસ્ટ ઇન ગવર્નમેન્ટ ૨૦૧૮ના રિપોર્ટ પ્રમાણે રશિયાની સરકાર પર તેની ૪૪ ટકા જનતાનો ભરોસો છે. રશિયામાં જે કોઇ પરિવર્તન થાય છે તેમાં અડધા કરતાં ઓછા લોકો સરકારથી ખફા છે. ભારતમાં ૩૦ ટકા લોકો સરકારના કામથી નારાજ છે એટલે કે તેમને સરકારના નિર્ણયો પર ભરોસો નથી. જર્મનીમાં આ પ્રમાણ ૪૩ ટકા, જાપાનમાં ૩૭ ટકા, યુકેમાં ૩૬ ટકા, સ્પેનમાં ૩૪ ટકા, ફ્રાન્સમાં માત્ર ૩૩ ટકા લોકોને તેમની સરકાર પર વિશ્વાસ છે. વિકસિત પ્રદેશ અમેરિકામાં ૨૦૧૮ના આંકડા આઘાતજનક છે. હાલ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન છે. અમેરિકાની સરકારમાં તેની જનતાને માત્ર ૩૩ ટકા વિશ્વાસ છે, એટલે કે ટ્રમ્પ જે નિર્ણયો લેતા હોય છે તે ૬૭ ટકા જનતાને માન્ય નથી.

લ્યો હવે, કેનેડાના PM ગુજરાત આવી રહ્યાં છે...

કેનેડાના યંગ પ્રાઇમ મિનિસ્ટર જસ્ટીન ટ્રુડો ૧૭ થી ૨૩મી ફેબ્રુઆરી દરમ્યાન ભારતના પ્રવાસે છે ત્યારે તેઓ ગુજરાતની પણ મુલાકાત લેવાના છે. ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતાનયાહૂના પ્રવાસ પછી આ બીજો પ્રવાસ છે કે જેમાં વીવીઆઇપી મહેમાન ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટરની સાથે ગુજરાત આવવાના છે. મોદીએ અમદાવાદને ઇકોનોમી હબ બનાવવાનું નક્કી કર્યું હોય તેમ એક પછી એક વિદેશના મહાનુભાવો ભારતની સાથે ગુજરાતની મુલાકાત લઇ રહ્યાં છે. જસ્ટીન ટ્રુડોએ જ જાહેરાત કરી છે કે તેઓ ભારતની સાત દિવસની મુલાકાતે આવશે. ભારત અને કેનેડા વચ્ચેના સબંધો જગજાહેર છે. ગુજરાતમાં વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થાય છે ત્યારે છેલ્લી ત્રણ ઇવેન્ટથી કેનેડા પાર્ટનર કન્ટ્રી બને છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના ૨૦૧૫માં કાર્યભાર સંભાળ્યાના બે વર્ષમાં કેનેડાના ૧૧ જેટલા કેબિનેટ મંત્રીઓ ભારતની મુલાકાત લઈ ચૂકયા છે. વર્ષ ૨૦૧૬માં ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષિય વેપારનો વિકાસે ઝડપ પકડી હતી. જે ૨.૧ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં કેનેડાનું રોકાણ ૧૫ બિલિયન ડોલર જેટલું પહોંચી ગયું છે સાથે જ કેનેડાની ૧૦૦૦ જેટલી કંપનીઓ હાલ ભારતમાં કાર્યરત છે. ભારતની મુલાકાત દરમિયાન જસ્ટીન ટ્રુડો યુવાનો સાથે પણ વાતચીત કરશે તેમજ ભારતમાં આવેલા જોવાલાયક સ્થળો જેવા કે આગ્રાનો તાજમહેલ, અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ, જામા મસ્જિદ તેમજ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે.

સરકારી મહેમાન

-: આલેખન :-

ગૌતમ  પુરોહીત

gpurohit09@gmail.com

(12:49 pm IST)