Gujarati News

Gujarati News

News of Thursday, 25th January 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

-સમગ્ર મનુષ્ય જાતિ જાણે વિક્ષિપ્ત થઇ ગઇ છે, કારણ કે કોઇ દિલ ખોલીને હસતું જ નથી અને તમે લોકોએ એટલુું દર્દ, એટલા સંતાપ, એટલા આંસુ દબાવી દીધા છે-એ બધાજ ભેગા થયાં છે. એમણે તમને ઢાંકી દીધાં છે અને તમારા સૌંદર્ય, તમારો મહિમા, તમારા આનંદનો નાશ કરી નાખ્યો છે. આ બંને આવરણોને તોડી નાખવાના છે. અને ત્યારે જ સાક્ષીભાવનું આખું આકાશ ખુલી જશે.

-ધર્મને હું જીવન જીવવાની કળા કહું છું. ધર્મ કોઇ પુજા-પાઠ નથી. ધર્મને કોઇ મંદિર-મસ્જિદ સાથે પણ લેવાદેવા નથી. ધર્મ તો છે જીવનની કળા. જીવનને એ રીતે જીવી  શકાય છે, એવા કલાત્મક અને પ્રસાદપૂર્ણ ઢંગથી કે તમારા જીવનમાં હજાર પાંખડીઓવાળા કમળ ખીલે, સમાધિનો સ્વાદ ઉતરે અને તમારા જીવનમાં પણ કોયલ જેવા મીંઠા ગીત ઉઠે.

-હું મારૃં સ્વપ્ન તમને સોંપીને જાઉં છું...! સંસારને એટલો પ્રેમ કરો કે સંસારમાં પરમાત્માને પામી શકો. કયાંય બીજે પરમાત્મા નથી. પોતાને સ્વીકારો, સ્વયંનો અસ્વીકાર ના કરો. તમે જેવા છો ભલા છો. તેના હસ્તાક્ષર તમારી ઉપર છે. તમે એનું નિર્માણ છો. એટલા માટે જીવનનો પરમ સ્વીકાર, એ મારો સંદેશ છે.

માણસ પોતાની તર્કજાળ બિછાવીને નાનકડો બગીચો કરી લે છે. તે તર્કજાળની પાસે જ પરમાત્માનું વિરાટ જંગલ વિસ્તારેલું પડયું છે તે જંગલમાં જવાની હિંમતનું નામ જ આસ્તિકતા છે હું તમારી હિંમતને આહ્વાન આપું છું. તમારા સાહસ માટે આ પડકાર છે.

-મૃત્યુની કસોટીના પથ્થર પર જે બચ્યું તે જ સાર્થક. આ મારી સાર્થકતાની પરિભાષા છે. જેને તમે મૃત્યુ પછી પણ સાથે લઇ જઇ શકો, તે જ સાર્થક, આમ-પદ, ધન, યશ, નામ, મિત્ર, પ્રિયજન-મૃત્યુની સાથે નહીં આવે, તેથી નિરર્થક. તે સમયે ફકત ધ્યાનની અનુભુતી જ સાથે રહેશે. તેથી ધ્યાનનો અનુભવ એક માત્ર સાર્થક અનુભવ છે.

-ભગવો રંગ ધારણ કરનાર સંન્યાસી બની જતો નથી. ભગવદ્ ભકિતનો ભગવો ધારણ કરે તે સાચો સંન્યાસી, ભગવો રંગ ધ્યાનનું પ્રતિક છે. સન્યાસી ભગવો રંગ પહેરે તેજ સન્યાસી બની શકે છે અને જે નથી પહેરાતો તે નથી બની શકતો એવો કોઇ નિયમ નથી, ઘણા સાધો સફેદ રંગ, પીળો રંગ પણ પસંદ કરે છે સન્યાસીને વસ્ત્રોનું બંધન હોઇ જ ન શકે.

-માસણને બદલવામાં મોટામાં મોટી કઠણાઇ શું છે ? માણસ કેમ આટલી પાશવતા, હિંસા અને ધૃણાથી ભરેલો છે ? મારી માન્યતા પ્રમાણે આપણે માણસને પ્રેમ કરવાની કળા ન શિખવાડી, પ્રેમની હવા ન આપી અને પ્રેમનો સ્વાદ ન ચખાડયો એટલે. જે વ્યકિતને પ્રેમનો સ્વાદ ચાખવાનો મળે તેના જીવનમાંથી ધૃણા આપોઆપ વિસર્જિત થઇ જાય. કારણ કે આ ઉર્જા કાંતો પ્રેમ બને છે, કાંતો ધૃણા, જો પ્રેમ ન બને તો ધૃણા બને. ઉર્જા તો એક જ છે જે, કાં તો નિર્માણ કરે છે, કાં તો ધ્વંસ કરે છે નિર્માણ ન બને તો નિર્ધ્વસ બને.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:16 am IST)