Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

સરકારી મહેમાન

CMO અને બંગલે યજ્ઞ કે હવન થવું જોઇએ કે જેથી શાસનના પાંચ વર્ષ સુખરૂપ પસાર થાય

કોંગ્રેસના ટોપટેન ચહેરા- ભાજપને વિધાનસભામાં આંખે પાણી લાવી દેશે : બટુક મંત્રીઓ બે થયાં, કેબિનેટમાં 19 ભાઇઓ વચ્ચે એકની એક બહેન છે : સરકારે અને ગૃહે મોહનસિંહનું સન્માન કરવું જોઇએ, કુલ 10 ટર્મથી વિજેતા

વિતેલા 2017ના વર્ષમાં ભાજપ માટે ખરાબ ઘટના એ છે કે તેણે છેલ્લી છ ચૂંટણીઓમાં મેળવેલી બેઠકો સામે સૌથી ઓછી 99 બેઠકો મેળવી એ છે. ભાજપના પ્રદેશ નેતાઓ માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તો ન તોડી શક્યા પરંતુ નરેન્દ્ર મોદીને પહેલીવાર મળેલી 127 બેઠકોનો રેકોર્ડ પણ તોડી શક્યા નથી. વર્ષના અંતિમ દિવસોમાં થયેલી શપથવિધિ ભાજપ માટે 2018ની સાલ જોખમથી ભરેલી લઇને આવી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ખાતા ફાળવણીમાં નારાજગી, કોંગ્રેસમાંથી આવેલા પણ મંત્રી નહીં બનેલા સી.કે.રાઉલજીનું મૌન, વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદી અને યોગેશ પટેલની વિરોધી પ્રતિક્રિયા, કેબિનેટના સભ્યોમાં ખેંચતાણ સહિતના બનાવો વર્ષના અંતિમ દિવસોમાં બન્યા છે. ભાજપ માટે નવું વર્ષ આશાઓથી ભરેલું નહીં પણ શંકા-કુશંકાઓથી છલોછલ હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને સામા પ્રવાહે તરવાનું છે. જ્યોતિષીઓના મતે રૂપાણી માટે ઉત્તરાયણ પછીનો સમય કપરો બની રહે તે સંભવ છે. તેમના માટે પાર્ટી અને સરકારમાં આંતરિક ખેંચતાણ વધી શકે છે તેથી રૂપાણીએ તેમની ઓફિસમાં અને સત્તાવાર બંગલે યજ્ઞ કે હવન કરાવવા જોઇએ તેવી જ્યોતિષની સલાહ છે.

ગૃહમાં સિનિયરો અને જૂનિયરો વચ્ચે જંગ થશે...

14મી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના સ્થાને ફ્રન્ટ હરોળ બદલાઇ ચૂકી છે. પહેલી પાટલી પર હવે કોંગ્રેસના યુવા નેતાઓ બેઠા હશે જે સ્થાન પહેલાં સિનિયર નેતાઓ લેતાં હતા. પ્રદેશ કોંગ્રેસના ચાર નેતાઓ- શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી ચૂંટણી હારી જતાં વિધાનસભાને આ સિનિયરોની અછત મહેસૂસ કરવી પડશે પરંતુ સામે પરેશ ધનાની, જવાહર ચાવડા, લલીત વસોયા, વિક્રમ માડમ, સી.જે. ચાવડા, બળદેવજી ઠાકોર, અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓ મળ્યા છે. સામી પાટલીએ વિજય રૂપાણી, સૌરભ પટેલ, નિતીન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા દિગ્ગજ નેતાઓ બેઠાં હશે. જો કે કોંગ્રેસના યુવા સભ્યોને મોહનસિંહ રાઠવા જેવા સિનિયર મોસ્ટ સભ્ય ગાઇડ કરી શકે છે. કોંગ્રેસ વધુ આક્રમક છે. આ વખતે ભાજપ પાસે સ્પીકરના ઉમેદવારની પણ મુશ્કેલી છે ત્યારે પરેશ ધાનાનીની લિડરશીપ સાથે યુવા કોંગ્રેસની ટીમ તૈયાર થઇ ગઇ છે.

સરકારમાં હવે એક નહીં બે નાના મંત્રી થયા...

પહેલાં ગુજરાત સરકારમાં નિતીન પટેલ નાયબ મુખ્યમંત્રીની સાથે નાણામંત્રી હતા ત્યારે તેઓ નાનામંત્રી તરીકે પણ ઓળખાતા હતા. હવે પાર્ટીએ ફરીથી તેમને નાણાંમંત્રી બનાવ્યા છે. તેમની હાઇટ ઓછી હોવાથી તેમને નાના મંત્રી તરીકેનું બિરૂદ મળેલું છે. હવે રૂપાણીની કેબિનેટમાં બીજા નાના મંત્રી આવ્યા છે. હા, કૌશિક પટેલ પણ હાઇટમાં નાના હોવાથી તેમને પણ નાના મંત્રી કહેવામાં આવે છે. આ કેબિનેટમાં જૂનિયર હોમ મિનિસ્ટર તરીકે નિયુક્ત થયેલા પ્રદિપસિંહ જાડેજા એવા મંત્રી છે કે તેમની ઉંચાઇને કોઇ મંત્રી પહોંચી શકે તેંમ નથી, કારણ કે તેઓ સૌથી ઉંચા મંત્રી છે. કેબિનેટમાં 19 ભાઇઓ વચ્ચે એક બહેન છે. આ તમામે એક બહેનને સંભાળવાના છે. ભાવનગરના વિભાવરી દવે મહિલા અને બાળકલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે. ગુજરાતની 47 ટકા મહિલાઓની અપેક્ષાઓ તેઓ કેવી રીતે સંતોષી શકે છે તે તેમની કાર્યપદ્ધતિમાં જોવા મળશે.

મોહનસિંહ રાઠવાનું સન્માન થવું જોઇએ...

કોંગ્રેસના સિનિયર નેતા મોહનસિંહ રાઠવા સતત 10મી ટર્મથી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યાં છે. સેન્ટ્રલ ગુજરાતની છોટા ઉદેપુર બેઠક પરથી તેઓ 2017માં 10મી વાર ચૂંટાઇ આવ્યા છે જે 182 ધારાસભ્યોમાં એક રેકોર્ડ છે. તેમની આ બેઠક આદિવાસી વિસ્તારમાં આવે છે અને તેઓ પોતે આદિવાસી છે. મોહનસિંહ તેમના વતન બાર ગામમાં સરપંચ પદે પહેલીવાર ચૂંટાઇ આવ્યા હતા અને તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ગોધરા કાંડ પછી આવેલી વિધાનસભાની 2002ની ચૂંટણીમાં એખ વખત જ તેઓ ચૂંટણી હારી ગયા હતા. કોઇપણ રાજકીય નેતા માટે આટલો મોટો સમયગાળો ખૂબ મોટો કહી શકાય તેમ છે તેથી તેમનું વિધાનસભામાં સન્માન થવું જોઇએ. કોંગ્રેસની સરકારમાં તેઓ કેબિનેટ મંત્રીનું સ્થાન પણ મેળવી ચૂક્યાં છે. તેઓ કહે છે કે બસ, હવે બહું થયું કોંગ્રેસ પાર્ટીએ મને ખૂબ આપ્યું છે. 2022માં હું વિધાનસભાની ચૂંટણી લડવાનો નથી.

વધુ એક ઓફિસર દિલ્હી પોસ્ટીંગ માગે છે...

ગુજરાતના બે સનદી અધિકારીઓનું દિલ્હી જવાનું તય છે ત્યારે વધુ એક ઓફિસર બી.બી. સ્વેન પણ દિલ્હી જવાની રાહમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સફળતા પૂર્વક નિભાવ્યા પછી ગુજરાતના ચીફ ઇલેક્ટ્રોરલ ઓફિસર- સીઇઓ- સ્વેન તરફથી એક પ્રપોઝલ મૂકવામાં આવી છે. તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી કરી છે કે તેમનું પોસ્ટીંગ દિલ્હીમાં કરવામાં આવે. સચિવાલયમાં ચાલતી ચર્ચાઓ મુજબ તેમનું પોસ્ટીંગ દિલ્હીમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે એમ્પેનલ્ડ થયા પછી રાજ્યના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટી ડેપ્યુટેશન પર નવી દિલ્હી જઇ રહ્યાં છે.

IAS એસોસિયેશનની ટ્રસ્ટ તરીકે નોંધણી...

લ્યો હવે ગુજરાત આઇએએસ એસોસિયેશન રજીસ્ટર્ડ સંસ્થા બની ચૂકી છે. આ સંસ્થાને કાનૂની દરજ્જો મળી ગયો છે. એસોસિયેશનના હાલના પ્રમુખ અરવિંદ અગ્રવાલ અને હરીત શુક્લાએ આ સંસ્થાને ટ્રસ્ટ અને સોસાયટીનો દરજ્જો આપવાનું કામ પૂર્ણ કર્યું છે. હવે આ એસોસિયેશન તેના સભ્યો પાસેથી ફી ઉઘરાવી શકશે.ડોનેશન મેળવી શકશે. સભ્યો અને તેમના પરિવારની વેલ્ફેર પ્રવૃત્તિ પણ કરી શકશે. આ સંસ્થાનું નામ આઇએએસ એસોસિયેશન વેલ્ફેર ટ્રસ્ટ-સોસાયટી રાખવામાં આવ્યું છે. આ સંસ્થાને કાનૂની દરજ્જો મળતાં હવે તેને વધારે પાવર મળશે. આ ટ્રસ્ટની હવે સત્તાવાર ચૂંટણી પણ થઇ શકશે.

કોંગ્રેસને રાજ્યસભાની બે બેઠકોનો ફાયદો...

ગુજરાતની ચૂંટણીમાં ભાજપે 33 પૈકી 14 જિલ્લા ગુમાવી દીધા છે. ખાસ કરીને રાજ્યના શહેરી વિસ્તારમાં ભાજપના ઉમેદવારો હારી ગયા છે. કોંગ્રસને 123માંથી 71 બેઠકો મળી છે તેનો સીધો હિસાબ કરીએ તો લોકસભામાં કોંગ્રેસની હાલ 10થી વધુ બેઠકો પર જીત જોવા મળે છે, જે સરવાળે મોદીને નુકશાન કરાવી શકે છે. આમ પણ ગુજરાતમાં કોંગ્રેસની 80 બેઠકોથી રાજ્યસભાની બે બેઠકોનો પાર્ટી પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીને ફાયદો થયો છે. આવતા વર્ષે નિવૃત્ત થતાં ભાજપના ચાર સભ્યો- અરૂણ જેટલી, પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને શંકર વેગડ પૈકી બે સભ્યોએ બેઠક છોડવી પડશે, કારણ કે સંખ્યાબળના આધારે કોંગ્રેસને બે બેઠકોનો સીધો ફાયદો છે. ભાજપને જો ગુજરાતની લોકસભાની બેઠકો બચાવવી હોય તો રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના વધારે કામો કરવા પડશે. ખાસ કરીને ગ્રાય યુવાનોની બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપવું પડશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:54 am IST)