Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

સરકારી મહેમાન

ઇંગ્લેન્ડ જતું જહાજ ડૂબી જતાં જીવરાજ મહેતા લાઇફબોટમાં કલાકો સુધી દરિયામાં રહ્યાં હતા

સાદગી, સંવેદના અને સંઘર્ષનો સમન્વય એટલે પ્રથમ CM ડો. જીવરાજ મહેતા: ટાટાજૂથ, મહાત્મા ગાંધી અને સયાજીરાવ ગાયકવાડના અંગત તબીબ રહ્યાં હતા: સૌથી વધુ 1238 દિવસ સુધી શાસન કરનારા તેઓ રાજ્યના પાંચમા મુખ્યમંત્રી

ગુજરાતના ગરીબ અને સંવેદનશીલ મુખ્યમંત્રી કોણ હતા તો તે સવાલનો જવાબ એકમાત્ર ડો. જીવરાજ મહેતા આવે છે. ગુજરાત અત્યારે જ્યારે 17મા મુખ્યમંત્રી બનાવવા થનગની રહ્યું છે ત્યારે ગુજરાતના આ પહેલા મુખ્યમંત્રીની સાદગી ઉડીને આંગે વળગે તેવી હતી. અમરેલીના આર્થિક રીતે નબળાં પરિવારમાં જન્મેલા જીવરાજ મહેતાનું બાળપણ તેમજ તેમનો અભ્યાસક્રમ સંઘર્ષમય રહ્યો હતો. ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિ મેળવી, ફી માફી પણ મેળવી અને પોતે ટ્યુશનો કરીને આવક ઉભી કરવા હતા. 1930માં તેમણે મેટ્રીકની પરીક્ષામાં સફળતા મેળવી હતી અને ત્યારબાદ તેમણે મેડિકલનો અભ્યાસ કર્યો હતો.

જીવરાજ મહેતાનો જન્મ 29મી ઓગષ્ટ 1887માં થયો હતો. તેમણે મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં લાયસન્સ- મેડિસીન અને સર્જરી કે જેને એમબીબીએસ ઇક્વિલન્ટ કહેવાય છે તે અભ્યાસ કર્યો હતો. તેમણે 1914માં લંડનમાંથી એફઆરસીએસ કર્યું હતું. વ્યવસાયે તેઓ ડોક્ટર હતા. 1925 થી 1942માં તેમણે સ્થાપેલી શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કોલેજના તેઓ ડીન હતા. 1948માં ભારત સ્વતંત્ર બન્યા બાદ વડોદરા રાજ્યના દિવાન થયા હતા.

જીવરાજ મહેતા જ્યારે લંડનથી ભારત પાછા આવ્યા ત્યારે થોડાં સમય માટે તેઓ ગાંધીજીના અંગત ડોક્ટર રહ્યાં હતા. સ્વતંત્રતાની ચળવળમાં તેમને પહેલેથી રસ હતો અને બે વખત તેઓએ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને જેલમાં ગયા હતા. 1960માં તેઓ મુંબઇ રાજ્યમાં નાણાં, ઉદ્યોગ, નશાબંધી અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન બન્યા હતા. રાષ્ટ્રીય કોંગ્રેસની પહેલા પસંદ જીવરાજ મહેતા હોવાથી 1960માં તેમને ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બનાવ્યા હતા. 1964 થી 1966 સુધી તેઓ ઇંગ્લેન્ડમાં ભારતના હાઇકમિશનર તરીકે પણ રહી ચૂક્યાં છે.

ભારતમાં મેડિકલ ક્ષેત્રમાં સંશોધન માટે પાયાનું કામ તેમણે કર્યું છે. મુંબઇ, પૂના, ઔરંગાબાદ, અમદાવાદ અને નાગપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સ્થાપવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. એ ઉપરાંત દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સની સ્થાપનામાં તેમનો સક્રિય હિસ્સો છે. તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. ભારત સરકારે 2015માં મેડિકલ ક્ષેત્રે સર્વોચ્ચ એવોર્ડની જીવરાજ મહેતાના નામથી શરૂઆત કરી છે.

છ વર્ષના લંડન નિવાસ દરમ્યાન તેઓ ગાંધીજી, ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોર, લાલા લજપતહાય, ગોપાલકૃષ્ણ ગોખલે, મહંમદઅલી ઝીણા, સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યા હતા. ભારત પાછા આવીને જીવરાજ મહેતાએ મુંબઇમાં મેડિકલની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના તેઓ અંગત તબીબ તરીકે રહી ચૂક્યા છે.

 

જીવરાજ મહેતા પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં જાણીતા ઉદ્યોગજૂથ ટાટાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટાના પરિવારના અંગત તબીબી સલાહકાર પણ રહ્યાં છે.  1916માં રતન તાતાને સારવાર માટે ઇંગ્લેંડ જવાનું હતું. રતન તાતા સાથે લેડી તાતા, બીજા ત્રણ-ચાર સદસ્યો અને ડો. જીવરાજ મહેતા ઇંગ્લેંડ જાય તેવું નક્કી થયું હતું. દરિયાઈ માર્ગે ઈંગ્લેંડ જવું સલામત ન હતું. પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતા સમુદ્રી મુસાફરીને જોખમી બનાવતી હતી. ઈંગ્લેંડ જતાં જહાજો પર દુશ્મન જહાજો આક્રમણ કરતા હતા પરંતુ બીજો રસ્તો ન હતો.

અરબી સમુદ્ર વટાવી તાતાનું બ્રિટીશ જહાજ આગળ વધતું હતું ત્યાં મધદરિયે ટોરપીડોથી હુમલો થયો. જહાજને ભારે નુકસાન થયું. ક્ષતિગ્રસ્ત જહાજમાં પાણી ભરાતાં બચાવ કાર્યો શરૂ થયાં. લાઈફબોટો ઉતારી પ્રવાસીઓને જહાજ છોડવા વ્યવસ્થા થવા લાગી. રતન તાતા તથા તેમના ગ્રુપ સાથે ડો. જીવરાજ મહેતા એક આખરી લાઈફબોટમાં બેઠા અને જોતજોતામાં જહાજ ડૂબી ગયું. ઝોલાં ખાતી લાઈફબોટમાં બઘાં કલાકો સુધી ભટકતાં રહ્યાં. મધદરિયે ઘૂઘવતાં તોફાની મોજાંઓ અને સૂસવતા પવન વચ્ચે ઝઝૂમવામાં કેવું મક્કમ મનોબળ જોઈએ! તાતા દંપતિ સાથે ડો. જીવરાજ મહેતા પણ ધીરજ અને હિંમતથી સંજોગોનો સામનો કરતા રહ્યા. ત્રીસેક કલાકની આકરી કસોટી પછી સૌ માલ્ટા પહોંચ્યા અને ત્યાંથી બીજા જહાજમાં ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા.

જીવરાજ મહેતા 1946 થી 1948 સુધી મુંબઇ ધારાસભાના સભ્ય રહ્યાં હતા. 1949 થી 1950 દરમ્યાન તેમણે મુંબઇ રાજ્ય પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી. 1952 થી 1960 સુધી તેઓ મુંબઇ સરકારમાં નાણામંત્રી રહ્યાં હતા. 1960માં પહેલી મે ના રોજ ગુજરાત એ મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારપછી જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

 તેમણે ગુજરાતના પ્રશ્નોનો ઊંડો અભ્યાસ કરી એક પછી એક હલ કર્યા હતા. નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. તેમણે 1960માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની રચના કરી હતી. એ ઉપરાંત વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના પણ તેમણે કરી હતી. જીવરાજ મહેતાએ અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. તેમણે ગુજરાતમાં ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની રચના કરી હતી. ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી તેઓ બીજીવાર પણ મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે નિષ્ઠા અને પ્રામાણિકતાથી ગુજરાત અને દેશની સેવા કરી છે. સાદગીભર્યા અને કુશળ મુખ્યમંત્રી તરીકે તેઓ દેશભરમાં લોકપ્રિય થયા હતા. પૂર્ણ દીર્ઘ આયુષ્ય ભોગવી તેઓ 91 વર્ષે 1978માં અવસાન પામ્યા હતા. અમદાવાદ ખાતે તેમનું કાયમી સંભારણું બની રહે તે માટે જીવરાજ મહેતા હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જીવરાજ મહેતાએ 1238 દિવસ સુધી ગુજરાતમાં શાસન કર્યું હતું.

નરેન્દ્ર મોદી (4610), હિતેન્દ્ર દેસાઇ (2062), માધવસિંહ સોલંકી (2049), અમરસિંહ ચૌધરી (1618), ચીમનભાઇ પટેલ (1652), કેશુભાઇ પટેલ (1533), બાબુભાઇ પટેલ (1253) પછી જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી છે કે જેમણે સૌથી વધુ દિવસ સુધી શાસન કર્યું છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(7:57 am IST)