Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સરકારી મહેમાન

રાજકોટ પશ્ચિમ બેઠકે બે મુખ્યમંત્રી આપ્યા છે, વજુભાઇ સાત વખત વિજેતા બન્યા છે!

કેબિનેટ મંત્રી નિતીન પટેલની મહેસાણા બેઠક ભાજપનો ગઢ છતાં મુશ્કેલીમાં: બન્ને પાર્ટીના હવાતિયાં: ગુજરાતની 60 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક: ધ ગ્રેટ ગેમ્બલર—કોંગ્રેસનો રાજકીય જુગાર ફળશે તો ચમત્કાર, નહીં તો નામોશી

રાજકોટ પશ્ચિમની બેઠક એ ભાજપનો ગઢ છે. 1985થી આ બેઠક પર ભાજપનો કબજો છે. રાજકોટ પશ્ચિમની આ બેઠકમાં એવો રેકોર્ડ છે કે વજુભાઇ વાળા સતત સાત ટર્મથી જીત્યા છે અને પાર્ટી માટે બે વખત રાજીનામું પણ આપી ચૂક્યાં છે. રાજકોટ બેઠકનો એવો પણ ઇતિહાસ છે કે 1975માં ભાજપ ન હતું પરંતુ તેના સ્થાને જનસંઘ હતો. 1975ની ચૂંટણીમાં જનસંઘના ઉમેદવાર અરવિંદ મણિયારને ટીકીટ મળી હતી અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા. 1985 પછી પાર્ટીએ આ બેઠક વજુભાઇ વાળાને આપી દીધી છે. 1967ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના એમ.પી. જાડેજા આ બેઠક પરથી વિજયી થયા હતા. 1972માં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય થયો હતો. અરવિંદ મણિયાર પછી આ બેઠક પરથી 1980માં કોંગ્રેસના મણીભાઇ રાનપરા વિજયી થયા હતા, જ્યારે 1985થી આ બેઠક ભાજપ પાસે છે અને તેમાં વજુભાઇ વાળાનો દબદબો રહ્યો છે. આ બેઠકના બે બાય ઇલેક્શનમાં મુખ્યમંત્રીઓ વિજયી બન્યા છે. 2002ની પેટાચૂંટણીમાં પહેલાં નરેન્દ્ર મોદી અને છેલ્લી પેટા ચૂંટણીમાં વિજય રૂપાણી આ બેઠક પરથી 23740 મતની સરસાઇ સાથે જીત્યા છે.

આપણા નાણામંત્રીને પાટીદારો નડી રહ્યાં છે...

ઉત્તર ગુજરાતની મહત્વની અને પાટીદાર અનામત આંદોલનમાં પંકાયેલી મહેસાણા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યંત રસાકસી છે. ભાજપની સરકારના નાણામંત્રી નિતીન પટેલ સામે કોંગ્રેસે સિનિયર નેતા અને પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. 2012માં મહેસાણાની બેઠક પરથી નિતીન પટેલ વિજેતા બન્યા હતા. તેમને કુલ 90131 મતો મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના નટવર પટેલને 65929 મતો મળ્યા હતા. આ બેઠક પર 75.56 ટકા મતદાન થયું હતું નિતીન પટેલ 24205 મતોની સરસાઇથી વિજેતા બન્યા હતા. આ બેઠકનો ઇતિહાસ જોઇએ તો 1962માં કોંગ્રેસના શાંતિબેન પટેલ વિજયી બન્યા હતા. 1967માં સ્વતંત્ર પાર્ટીના કે.જે..યાજ્ઞિક આ બેઠક પર ચૂંટણી જીત્યા હતા. 1975 અને 1980માં કોંગ્રેસના ભાવસિંહ ઝાલા, 1981ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મણિલાલ પટેલ ચૂંટણીમાં વિજયી બન્યા હતા, જ્યારે 1990, 1995 અને 1998માં ભાજપના ખોડાભાઇ પટેલને વિજય મળ્યો હતો. 2002 અને 2007માં અનિલ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. નિતીન પટેલની પરંપરાગત બેઠક કડી હતી પરંતુ ડિલિમિટેશનના કારણે કડી અનામત બેઠક બની જતાં પાર્ટીએ તેમને મહેસાણાની બેઠક આપી હતી.

કોંગ્રેસમાં સેનાપતિની ટીમ છે પણ લશ્કર નથી...

રાજ્યમાં કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે પરંતુ તેમના ઉમેદવારોને જીતાડવામાં વ્યસ્ત રહેતાં આગેવાનોને ભાજપમાં જોડવાનું શરૂ થયું છે. પહેલાં શંકરસિંહ વાઘેલાએ જિલ્લા અને તાલુકા પંચાયતો તોડી છે અને હવે બાકીનું કામ અમિત શાહ કરી રહ્યાં છે. ભાજપના ઉમેદવારો જ્યાં મજબૂત છે ત્યાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થકોને ભાજપમાં લાલચ આપીને પ્રવેશ અપાવાઇ રહ્યો છે. આ સ્થિતિ ચાલુ રહી તો કોંગ્રેસના બાર વાગી જાય તેમ છે. ભાજપ પાસે આવી 30થી વધુ બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતી શકે તેમ છે ત્યાં ઉમેદવારના સમર્થકોને ભાજપમાં જોડવામાં આવી રહ્યાં છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં ભાજપે આ યુક્તિ અજમાવી છે અને તેમાં પાર્ટી સફળ બની રહી છે. ભાજપના એક નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસના સમર્થકોને ભાજપમાં ભેળવવાથી કોંગ્રેસ મુક્ત ગુજરાત તો બનશે પરંતુ ભાજપ- કોંગ્રેસ યુક્ત બની રહ્યો છે. કોંગ્રેસના એક આગેવાન કહે છે કે જેને ભાજપમાં જવું હોય તે જઇ શકે છે, પરંતુ આ પ્રવેશ માત્ર ચૂંટણી પૂરતો છે. ચૂંટણી પૂર્ણ થયા પછી ભાજપમાં ગયેલા કોંગ્રેસના આગેવાનોની હાલત નરહરિ અમીન અને મહેન્દ્રસિંહ વાઘેલા જેવી થશે.

કોંગ્રેસ ત્રણ યુવાનોના સહારે, સૌથી મોટો જુગાર છે...

રાજકીય મહત્વકાંક્ષા નથી તેવું કહીને ગુજરાતમાં મોટા બનેલા ત્રણ યુવા નેતાઓ હાલ તો કોંગ્રેસને સમર્થન આપી રહ્યાં છે પરંતુ તેઓ મતદારોને કોંગ્રેસ પ્રત્યે આકર્ષિ શકે તેવી સંભાવના ધૂંધળી દેખાય છે. પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલ, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પૈકી બે યુવા નેતાઓ ચૂંટણીના સીધા મેદાનમાં છે જ્યારે હાર્દિક પટેલ ચૂંટણી લડ્યો નથી. અલ્પેશ રાધનપુરમાં કોંગ્રેસની ટીકીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે. જયારે જીજ્ઞેશ વડગામથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે. જીજ્ઞેશને કોંગ્રેસનું પુરતું સમર્થન છે. ઉંમર ઓછી ઉંમર હોવાને કારણે હાર્દિક પટેલ ચૂંટણી લડતો નથી પરંતુ તેણે કોંગ્રેસને સમર્થન આપવાનો સંકેત પહેલેથી જ આપી દીધો હતો. આ ખેલમાં હવે સત્તાધારી ભાજપની ચાલ શરૂ થઇ ગઇ છે અને કોંગ્રેસના મનસૂબા પર પાણી ફરી વળે તેવી યુક્તિઓ અજમાવવામાં આવી છે. બીજી તરફ આ ત્રણેય યુવાનો સાથે નજીકનો ઘરોબો રાખવાને કારણે કોંગ્રેસના સેંકડો કાર્યકરોમાં અસંતોષ છે અને તેઓ પાટીદાર ઉમેદવારો માટે કામ કરવા તૈયાર નથી. કોંગ્રેસ માટે ગ્રાઉન્ડ લેવલે કામ કરનાર કાર્યકરોનો ઉત્સાહ તુટી રહ્યો છે અને તેઓ નિષ્ક્રિય થઇ ગયા છે.

મોદી ગુજરાતમાં આવતા ભાજપને રાહત થઇ છે...

ગુજરાતમાં પ્રદેશ ભાજપની ચિંતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દૂર કરી છે. મોદીએ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં જે સમય ફાળવ્યો છે તેનાથી ઉમેદવારોને રાહત થઇ છે, કારણ કે આ વખતે મોદીના પ્રચાર વિના ભાજપનો વિજય શક્ય ન હતો. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જેટલા ઇલેક્શન થયા છે તેમાં ઉમેદવારોને કોઇ ચિંતા ન હતી, કારણ કે મોદી તેમની પડખે ઉભા રહ્યા હતા. કોઇપણ વ્યક્તિ ચૂંટણી જીતી શકતો હતો. આજે એવું નથી. મોદીના સાથ વિના ચૂંટણી જીતવી હાલના ભાજપ માટે કઠીન કામ છે. પાર્ટીના એક સિનિયર વ્યક્તિ કહે છે કે મોદી જો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા ન આવ્યા હોત તો ભાજપે ગુજરાત ચોક્કસ ગુમાવી દીધું હોત પરંતુ તેમની જ્યાં પણ સભાઓ થઇ છે ત્યાં ઉમેદવારોની સ્થિતિ મજબૂત બની છે. આ મોદી ટોનિક છે. મોદી મેઝિક છે. મોદી મેઝિક જ ઉમેદવારોને બચાવી શકે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ મોદીના આગમનથી જ ડર અનુભવે છે.

આદિવાસીઓની ખુદ્દારીનો ઇતિહાસ છે...

ગુજરાત એ 33 જિલ્લાનું બનેલું રાજ્ય છે. આમ તો 30 જિલ્લામાં આદિવાસી વસતી વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ 14 જિલ્લા એવા છે કે જે સામાજીક તેમજ રાજકીય રીતે આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવે છે તેથી સ્વાભાવિક છે કે આ જિલ્લાઓમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીની નજર હોય. 1995 સુધી આદિવાસી એ કોંગ્રેસની અસલ વોટબેન્ક ગણાતી હતી પરંતુ નરેન્દ્ર મોદીએ 2007 પછી આદિવાસી વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કરીને આ જિલ્લાઓને ભાજપમય બનાવી દીધા છે, હવે કોંગ્રેસ તે જિલ્લા પાછા મેળવવા માટે હવાતિયાં મારી રહી છે. ગુજરાતમાં 90 લાખની વસતીમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતી 60 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. 27 બેઠકો તો આદિવાસી ઉમેદવારો માટે અનામત છે એટલે કે તેમાં બીજો કોઇ ઉમેદવાર આવી શકે તેમ નથી. બાકીની 30 બેઠકોમાં આદિવાસી મતદારોને ધ્યાને લઇને ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. આ પ્લાનિંગ જેનું મજબૂત હોય તે પાર્ટીને આ 60 બેઠકો પર વિજય મળવો આસાન બની જાય છે. ભારતના ઇતિહાસમાં મૂળ નિવાસી આદિવાસીઓનો જૂજ ઉલ્લેખ જોવા મળે છે પણ ઇતિહાસના જાણકારો જરૂર કહેશે કે આ શૂરવીર પ્રજાએ મહારાજા રાણા પ્રતાપને કપરા સમયે મદદ કરી હતી. આખા ભારત વર્ષમાં આદિવાસી રાજાઓ હોવા છતાં આપણે ક્યાંય એમના મહેલ જોયા નથી કારણ કે તેઓ પ્રજાનું શોષણ કરતા ન હતા. ડાંગના રાજાઓને આજે પણ શાલીયાણું મળે છે, કેમકે તેમણે અંગ્રેજો સામે લડત આપીને ગુલામી સ્વિકારી ન હતી. મહેલો વગરના ભીલ રાજાઓ અંગ્રેજો સામે લડતા હતા. આ બાબત બતાવે છે કે આદિવાસીઓ કેટલા ખુદ્દાર છે. એકલવ્યનો દાખલો પણ છે કે જે જુલ્મ સામે પોતાની ખાનદાની ભૂલ્યો ન હતો.

ચૂંટણી પર અમેરિકા સહિતના દેશોની નજર છે...

ગુજરાતની ચૂંટણી પર સમગ્ર ભારતની જ નહીં પણ વિશ્વની નજર છે. ખાસ કરીને અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પણ ગુજરાતની ચૂંટણીને એક અલગ અંદાજથી જુએ છે, કારણ કે જો આ ચૂંટણીમાં ભાજપની જીત થશે તો 2019માં નરેન્દ્ર મોદીનો વિજય આસાન બની શકે છે. અમેરિકાને ભારતમાં એક સ્થિર સરકાર જોઇએ છે, કે જેની સાથે સબંધો વધારે મજબૂત બનાવી શકે. ગુજરાતની 182 બેઠકો આખા વિશ્વના દેશોને પરેશાન કરી રહી છે. પાટીદાર અનામત આંદોલનના પડઘા માત્ર ભારતના અન્ય રાજ્યોમાં જ નહીં વિદેશોમાં પણ પડ્યા છે. આંદોલનના કન્વિનર હાર્દિક પટેલે અમેરિકામાં પણ સંપર્કો બનાવ્યા છે. તેમના ફેસબુક લાઇવ વખતે અમેરિકાથી પટેલ યુવાનો તેની સાથે જોડાઇ રહ્યાં છે. કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક પ્રતિનિધિઓ ગુજરાતની ચૂંટણી પર નજર રાખીને બેઠાં છે અને વ્હાઇટ હાઉસને ફિડબેક આપી રહ્યાં છે. અમેરિકા જ નહીં, જાપાન સરકાર પણ આ ચૂંટણીને ધ્યાનથી જોઇ રહી છે. એ સિવાય રશિયા, ચાઇના, પાકિસ્તાન અને યુકેની સરકાર પણ નરેન્દ્ર મોદીના કરિશ્માને જોઇ રહી છે. ગુજરાતમાં જો ભાજપને 150 પ્લસ બેઠકો આવશે તો નરેન્દ્ર મોદીનું વિશ્વના દેશોમાં માનપાન વધી શકે છે. આ દેશોને એવી તસલ્લી થશે કે 2019માં ફરી પાંચ વર્ષ માટે ભાજપની સરકાર આવશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. એથી ઉલટું જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો વિશ્વના દેશોમાં સમીકરણો બદલાઇ શકે છે. ગુજરાતના ભાજપ વિરોધી પરિણામોની સૌથી પહેલી અસર 2018માં આવતી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પર પડી શકે છે. મોદી માટે 2019ના વર્ષનું સામાન્ય ઇલેક્શન વધારે મુશ્કેલીભર્યું બની શકે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(9:00 am IST)