Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સરકારી મહેમાન

CS બન્યા નહીં પણ સમકક્ષ ‘વટ’ ભોગવ્યો તે હસમુખ અઢિયા નવેમ્બરમાં ફરજ નિવૃત્ત થશે

ગુજરાતના CM વિજય રૂપાણી શાસક અને વિપક્ષ એમ બન્નેબાજુ ઘેરાયેલા છે: રિએપોઇન્ટમેન્ટ કે કોન્ટ્રાક્ટની જગ્યાએ Ex ઓફિસરને ટ્રેઇનિંગમાં મૂકી જુઓ : મોદી યુવાન નથી પણ તેમની સોચ યુવાન છે તેથી વિશ્વમાં લોકપ્રિય બન્યા

ભારત સરકારમાં પહેલાં રેવન્યુ અને પછી ફાયનાન્સ સેક્રેટરીના પદ પર રહેલા હસમુખ અઢિયા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ઓફિસર છે. તેમના સમયમાં જ નોટબંધી અને જીએસટીનો અમલ થયો છે. તેઓ જો ગુજરાતમાં હોત તો ચીફ સેક્રેટરી બની શક્યા હોત પરંતુ તેમણે દિલ્હી પોસ્ટીંગ પસંદ કર્યું છે જે ચીફ સેક્રેટરીની સમકક્ષ કહી શકાય છે. ગુજરાત કેડરના આઠ સિનિયર આઇએએસ ઓફિસરો 2018માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે જેમાં સેન્ટ્રલ ડેપ્યુટેશનના બે અધિકારી રીટા તેવટીયા (જુલાઇ) અને હસમુખ અઢિયા (નવેમ્બર)નો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ફરજ બજાવતા અને હોમ ડિપાર્ટમેન્ટની જવાબદારી છે તેવા એમ.એસ.ડાંગુર (જુલાઇ) પણ ફરજનિવૃત્ત થાય છે. એ ઉપરાંત કે.ડી.ચંદનાની અને એચ.આર.સુથાર- ફેબ્રુઆરીમાં આર,જી,ભાલેરા- જૂનમાં એસ.બી.રાવલ અને કે.બી.ઉપાધ્યાય- મેમાં વયનિવૃત્ત થાય છે. આ આઠ ઓફિસરોમાં બે અધિકારી એવા છે કે જેમને નિવૃત્તિ પછી પણ પોસ્ટીંગ મળી શકે છે.

રૂપાણી નબળા, મજબૂર બની રહ્યાં છે...

ગુજરાત સરકારમાં બઘું સારૂં ચાલી રહ્યું હોય તેમ માનવાને કારણ નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે એક પછી એક આફત આવતી રહે છે. વિધાનસભામાં કોંગ્રેસ મજબૂત બનતાં મુખ્યમંત્રી મજબૂર બન્યાં છે. મોદી માને છે કે ચૂંટણીમાં સંપૂર્ણ બહુમત કરતાં વધુ બેઠકો હોય તો સરકાર ધાર્યા નિશાન પાર પાડી શકે છે. વિજય રૂપાણીનો આ ટેન્યોર ફિક્સમાં મૂકાયેલો છે. પાર્ટીના એક પછી એક ધારાસભ્યો પદ મેળવવા ઉંચાનીચા થઇ રહ્યાં છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ તેમને ઘેરવાનો પ્લાન બનાવી રહી છે. 80 સુધી પહોંચેલો વિપક્ષ બજેટ સત્રમાં સરકારના નબળાં પાસાને ધ્યાને લઇ હથિયાર સજાવી રહ્યો છે ત્યારે શાસક પક્ષ પહેલીવાર એકજૂથ જોવા મળતો નથી. ધારાસભ્યોમાં વ્યાપેલો અસંતોષ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોને ઓન ફ્લોર ધ્રુજાવી શકે છે, કારણ કે 80 સામે 99 છે, માત્ર 19 સભ્યો જ વધારે છે. જો મંત્રીઓને બાદ કરવામાં આવે તો બન્નેની સભ્યસંખ્યા સરખી થાય છે. રૂપાણીએ શાસક પક્ષના સભ્યોને તો મેનેજ કરવા પડશે પરંતુ વિપક્ષ કોંગ્રેસને પણ સાચવવી પડશે. ભાજપ માટે આવી સ્થિતિ પહેલીવાર આવી છે.

સમય બડા મહાન હૈ, વ્યક્તિ મહાન નથી...

“વો ભી ક્યા દિન થે, હમે દિલમેં બિઠાયા થા કભી”-- વિધાનસભાની ચૂંટણી પછી ભાજપના કેટલાક સિનિયર સભ્યો આવું ગીત લલકારી રહ્યાં છે. અમદાવાદના ભરત બારોટ કે જેમનો કેશુભાઇના સમયમાં જમાનો હતો. શિક્ષણ મંત્રી તરીકેની જવાબદારી હતી ત્યારે ભાજપના કાર્યકરો તેમનો પડછાયો બનીને રહેતા હતા. જયનારાયણ વ્યાસ કે જેઓ ભાજપના તમામ નેતાઓમાં સૌથી વધુ ભણેલા છે તેમને ચૂંટણીમાં હરાવવાનું કામ ભાજપના જ લોકોએ કર્યું છે. તેમનો સિતારો બુલંદ હતો. એવી જ રીતે ઇન્દ્રવિજયસિંહ જાડેજાનો પણ સરકારમાં પડ્યો બોલ ઝીલાતો હતો. શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે બિલ્ડરો તેમની આગળ પાછળ ફરતા હતા. ભાજપના પૂર્વ નેતાઓ અને મંત્રીઓ પરમાનંદ ખટ્ટર, ઉમેશ રાજ્યગુરૂ, જીતેન્દ્ર સુખડિયા, મહેન્દ્ર ત્રિવેદી, બિમલ શાહ, મુળુ બેરા, રમણ વોરા, નરોત્તમ પટેલ, મંગુભાઇ પટેલ, આર.એમ.પટેલ આજે ખોવાઇ ગયા છે. બીજી તરફ આયાતી નેતાઓમાં નરહરિ અમીન ખૂણામાં બેઠાં છે. ભરત પંડ્યા અને અમિત ઠાકર જેવા નેતા સરકારમાં નહીં સંગઠનમાં ચપ્પલ ઘસી રહ્યાં છે. આ તમામ નેતાઓ એક સમયે કી-પોસ્ટ પર હતા.

નિવૃત્ત ઓફિસરોને ટ્રેઇનિંગ વિંગમાં સામેલ કરો...

નિવૃત્ત થયેલા ઓફિસરને રિ-એપોઇન્ટ કરતી ગુજરાત સરકાર એવું માને છે કે અનુભવી કર્મચારીઓ વહીવટી કામમાં ઝડપ લાવી શકે છે. સરકારને તેના અનુભવનો નિચોડ મળે છે. કાયદા કાનૂનનું પણ તેને જ્ઞાન હોય છે. જો કે સરકારની આ સોચ ભૂલભરેલી છે, કેમ કે એક યુવાન જેટલું ઝડપથી કામ કરે છે તે નિવૃત્ત થયેલો ઓફિસર કરી શકતો નથી. જો તેને વિભાગની કામગીરી ફાવતી ન હોય તો તેને શિખવા માટે એક મહિનો બસ છે. સરકારના વિવિધ વિભાગો તેમજ અર્ધસરકારી સંસ્થાઓમાં અંદાજે 3000 જેટલા કર્મચારીઓ વયનિવૃત્તિ પછી પણ નોકરીમાં ચાલુ છે જેના કારણે ગુજરાતના નવયુવાનો સરકારી નોકરીથી બાકાત રહી ગયા છે. 58 વર્ષે ગુજરાત સરકારમાં નિવૃત્ત થયેલા અધિકારી તેમજ કર્મચારીને રિએમ્પ્લોય કરવામાં આવે છે તેથી તે અધિકારી કે કર્મચારી એક યુવાનની નોકરીને છીનવી રહ્યો છે. નોકરીના પૂર્ણ સમયના વર્ષો પૂર્ણ કર્યા પછી સરકારમાં નોકરી મેળવવાની લાલચ બેકારીના આંકમાં વધારો કરાવે છે.સરકારમાં સમયાંતરે ટ્રેઇનિંગ આપવાની જોગવાઇ હોવાથી નવયુવાનોને શિખતા વાર નહીં લાગે. અને જો સરકારને રિએપોઇન્ટ કરવા હોય કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી લેવા હોય તો આવા નિવૃત્ત ઓફિસરોને ટ્રેઇનિંગ વિંગમાં ભરતી કરવા જોઇએ.

રૂપિયા કાગળ બને તે પહેલાં ચેતી જાવ...

તમારા નાણાંનો રખેવાળ કોણ છે?  આ પ્રશ્નનો જવાબ હવે આપણી પાસે નથી. બેન્કો ખતરામાં છે. તમારા રૂપિયા તમે ઉપાડી શકતા નથી. ઉપાડો છો તો અનેક જાતની સર્વિસના નાણાં ભરવાના હોય છે. તમારા રૂપિયા ઉપર સરકારના આઇટી ડિપાર્ટમેન્ટ સહિતની એજન્સીઓની નજર છે તેમ તમારા રૂપિયા માલેતુજારોની પણ નજરમાં છે. રાજનેતાઓ, બેન્કના ઓફિસરો અને મોટા ઉદ્યોગજૂથોના સંયુક્ત સાહસથી તમારા નાણાં અનસેફ જગ્યાએ રોકવામાં આવે છે. તમારે બેન્ક લોન લેવી હોય તો કાંડા કાપીને આપવા પડે છે. કાર લોનમાં અસંખ્ય દસ્તાવેજ બેન્ક કબ્જે લેતી હોય છે. પર્સનલ લોનમાં તો તમારી મિલકતો ગિરવે મૂકવાની બેન્કો ફરજ પાડે છે, પરંતુ વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા અબજોપતિઓ તમારી જીવનનની મૂડી સાથે ખિલવાડ કરે છે. એક બાજુ મોદી સાહેબે રોકડ રકમ નહીં રાખવાની વિનંતી સાથે ઇન્ડિયાને ડિજીટલમાં ફેરવવાનો પ્રયાસ કર્યો છે તેથી તમે બઘી રોકડ રકમ ઘરમાં પણ મૂકી રાખી શકતા નથી. આશ્ચર્ય એ બાબતનું છે કે નિરવ મોદી અને તેના સપોર્ટરોનું આ બેન્ક કૌભાંડ ઓનલાઇન આચરવામાં આવ્યું છે. જ્યાં સુધી ઓનલાઇન વ્યવહારો સંપૂર્ણ સુરક્ષિતની ગેરંટી ન આપે ત્યાં સુધી આપણે તો રૂપિયા ઘરની તિજોરીમાં અતિ સેફ રાખવાનો સમય આવી ગયો છે. ખબરદાર ઇન્ડિયા...! બેન્કોનું એનપીએ 10 લાખ કરોડનો આંકડો વટાવી રહ્યું છે!!

જસ્ટીનને જોઇને- યે દિલ માંગે યુવા લિડર્સ...

યુવાન રાજનિતી કોનો ન ગમે?... ભારતની બ્યુરોક્રેસી જવાન થતી જાય છે તેમ વિશ્વના રાજનેતાઓમાં યુવાનોનું આકર્ષણ વધી રહ્યું છે. ભારતમાં મોદી યુવાન નથી પરંતુ તેમના વિચારો યુવાન હોવાથી મહિલાઓ અને યુવાનોમાં તેઓ લોકપ્રિય બન્યા છે. ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ શાસન સમયે લોકપ્રિય હતા. ભારતની જનતા રાહુલ કરતાં પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન તરીકે વધારે પસંદ કરે છે, કારણ કે તેનો લૂક ઇન્દિરા ગાંધીની યાદ અપાવે છે. વિશ્વના અનેક દેશોમાં યુવા નેતાઓ છે તેમ કેનેડાને સૌથી યુવાન પ્રાઇમ મિનિસ્ટર મળ્યા છે. જસ્ટીન ટ્રુડોની હાલની ઉંમર 46 વર્ષની છે. કેનેડાના ઇતિહાસમાં તેઓ જોય ક્લાર્ક પછી બીજા સૌથી નાની ઉંમરના વડાપ્રધાન છે. તેમના પિતા પીયરે ટ્રુડો પણ વડાપ્રધાન રહી ચૂક્યાં છે. જસ્ટીન માટે એવું કહેવાય છે કે તેઓ હોલિવુડના હિરોથી ઓછા નથી. કેનેડાની મહિલાઓમાં તેમનું જબ્બર આકર્ષણ છે. કેનેડાના સેન્સેટીવ પ્રશ્નો સમજીને તેને ઉકેલવાનો પ્રયાસ તેમણે કર્યો છે તેથી લોકપ્રિય લિડર બન્યા છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(9:13 am IST)