Gujarati News

Gujarati News

News of Wednesday, 27th September 2017

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં 'રઢિયાળી રાત'ના પ્રાચીન લોકગીતો - રાસ - ગરબાની જમાવટ

રાજકોટ : સદર સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, જયાંથી ૧૯૦૧માં ઝવેરચંદ મેઘાણીએ શાળા-શિક્ષણનો આરંભ કર્યો હતો, ત્યાં 'રઢિયાળી રાત'નાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા ગુંજયાં. અહિ અભ્યાસ કરતા આર્થિક અને સામાજિક રીતે વંચિત સમાજનાં બાળકો આપણા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનાં પાવન પર્વનું સાત્વિક અને મૂળ સ્વરૂપને જાણી-માણી શકે તે હેતુથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું. રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ ઐતિહાસિક શાળામાં તે સમયનું નોંધણી-પત્રક જતનપૂર્વક જળવાયેલું છે.     

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, નિવૃત્ત્। જિલ્લા શિક્ષણ અધિકારી મુનાફભાઈ નાગાણી, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), શાળાના આચાર્યા પૂર્વીબેન ગાંધી, શિક્ષકો શાંતિભાઈ પેઢડીયા, રમેશભાઈ માંગરોલિયા, મનિષભાઈ ભલાળા, સવિતાબેન વઘાસીયા, અતુલાબેન કારિયા, હિનાબેન શાહ, સેજલબેન પરમાર, શ્રી લોહાણા સ્થાપિત સ્ત્રી અધ્યાપન મંદિરના પ્રાધ્યાપક મંજુલાબેન પરમાર, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલિયા, ભરતભાઈ કોટક (સાહિત્યધારા), વાલજીભાઈ પિત્રોડા ઉપસ્થિત રહ્યાં હતાં.   

ખ્યાતનામ લોકગાયક નીલેશ પંડ્યાએ ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત લોકસંસ્કૃતિનાં અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. હરેશ વ્યાસ (ઢોલ) અને શિક્ષક મનિષભાઈ ભલાળાએ બખુબી સાથ આપ્યો હતો. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, આવી રૂડી અંજવાળી રાત જેવાં સદાબહાર ગીતો રજૂ થયાં. ૨૦૦ જેટલાં વિઘાર્થીઓ સાથે કુસુમબેન મેઘાણી, આચાર્યા પૂર્વીબેન ગાંધી, શિક્ષકો અને વાલીઓ પણ મન મૂકીને ગરબે રમ્યાં હતાં. શાળામાં ઈન્ટર્શીપ માટે આવેલી શ્રી લોહાણા સ્થાપિત સ્ત્રી અધ્યાપન મંદિરની ૨૭ જેટલી વિધાર્થીનીઓ પણ જોડાઈ હતી.  

નીલેશભાઈ પંડ્યા અને હરેશભાઈ વ્યાસ ખાસ લાગણીથી પ્રેરાઈને આવ્યા હતા. ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલાથી ખાસ આ કાર્યક્ર્મમાં આવેલા કિરીટસિંહ રહેવર (મામા)એ વિઘાર્થીઓને ક્રીમ-બિસ્કીટ ભેટ આપ્યાં હતાં. છેલ્લા આઠ વર્ષથી, સમગ્ર ગુજરાત તેમજ ગુજરાતની બહાર, 'રઢિયાળી રાત'કાર્યક્રમોનું આયોજન પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી થાય છે જે ખાસ ઉલ્લેખનીય છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(11:16 am IST)
  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST

  • પંચમહાલના કાલોલમાં કેમીકલ છોડાતા પ્રદૂષણઃ વેજલપુરમાં બેરલમાંથી કેમીકલ ઢોળાતા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હોવાની ફરીયાદ access_time 5:48 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST