Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2016

ધાર્મિક તથા ધર્માદા ટ્રસ્‍ટો પોતાના ફંડનું રોકાણ ક્‍યાં કરી શકે?

આવકવેરા કાયદાની કલમ ૧૧ (પ) હેઠળ ટ્રસ્‍ટો પોતાના ફંડનું રોકાણ ડીપોઝિટ કરી શકે...

રાજકોટ : તા.૧-૬-ર૦૧પથી કો-ઓપ. બેન્‍કો તથા રાષ્‍ટ્રીયકૃત બેન્‍કોમાં પડેલ ફિકસ ડિપોઝીટો ઉપર ફરજીયાત વ્‍યાજના ૧૦ ટકા લેખે ટીડીએસ કાપવાનો કાયદો તમામ ધાર્મિક ટ્રસ્‍ટો, એસોસીએશન તથા હાઉસીંગ તથા ક્રેડીટ કો-ઓપ. સોસાયટીઓને ર૦૧૪-૧પના બજેટ મુજબ શરૂઆત થયેલ છે. અત્‍યાર સુધી કો-ઓપ. બેન્‍કો, આવા તમામ રોકાણકારોને પોતાની બેન્‍કના શેરહોલ્‍ડર બનવી, તેઓ બેન્‍કના એક માલિક સ્‍વરૂપે સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટ મુજબ ટીડીએસ કાપતા નહોતા. તે બેન્‍કના શેરહોલ્‍ડર હોય તો પણ ટીડીએસ લાગુ પડવાનો કાયદો બજેટમાં પ્રસ્‍તુત કરવાથી ફિકસ ડિપોઝીટોના વ્‍યાજ ઉપર ટીડીએસની મોટી રકમ સરકારમાં જમા થયેલ છે. તેની સામે રોકાણકારો ટીડીએસ પરત લેવા અનેક ફરજીયાત પાન નંબર લઇ ઇન્‍કમટેક્ષ રીટર્ન ભરશે તો જ રીફંડ મળશે.

ઘણી કો-ઓપ. બેન્‍કો ફોર્મ નં.૧પ-જી ટ્રસ્‍ટો તથા એસોસીએશન પાસેથી તેમનુ આવકવેરા કાયદા મુજબ એ.ઓ.પી. અથવા બી.ઓ.આઇ. ગણી ટીડીએસ કાપતા નથી પરંતુ આ કાયદો ત્‍યારે જ લાગુ પડે જયારે તેઓની તમામ આવક એટલે કે ગ્રોસ આવક ટેક્ષ ફ્રી આવક રૂ.ર,પ૦,૦૦૦થી ઓછી હોવી જોઇએ અથવા ઓછી થવી જોઇે. આમ આ ગ્રોસ આવકમાં કાંઇપણ ડીડકશન એટલે કે બાદ મળવાને પાત્ર પણ ગણાતુ નથી તે ખાસ ખ્‍યાલમાં રાખવુ જરૂરી છે, કારણ કે, જો ટીડીએસ ન કાપેલ હોય ત્‍યારે બેન્‍કોએ લખવુ પડે છે કે ફોર્મ નં.૧પ-જી આવેલ છે પરંતુ જો કુલ આવક રૂ.ર,પ૦,૦૦૦થી વધી ગઇ હોય તો દંડની જોગવાઇ છે. જે તમામ ડિપોઝીટ ધારકોએ ખાસ ખ્‍યાલમાં રાખવુ જરૂરી છે.

હવે આપણે જોઇએ કે ધાર્મિક એટલે કે (રીલીજીયસ) તથા ધર્માદા (ચેરીટેબલ) ટ્રસ્‍ટોએ પોતાના નાણા-ફંડનું રોકાણ કયાં કરવુ જોઇએ જે પબ્‍લીક ચેરીટેબલ ટ્રસ્‍ટ એકટ ૧૯પ૦ તથા આવકવેરા કાયદા ૧૯૬૧ હેઠળ સ્‍પષ્‍ટ જણાવવામાં આવેલ છે. જો આ કલમમાં જણાવવા સિવાય અન્‍ય જગ્‍યાએ રોકાણ કરવામાં આવે તો બંને કાયદા હેઠળ ગુનો બને છે.

આવકવેરા કાયદાની કલમ-૧૧ (પ) હેઠળ દરેક ટ્રસ્‍ટોએ પોતાના ફંડનું રોકાણ કે ડિપોઝીટ નીચે દર્શાવેલ જગ્‍યાએ જ કરવાનું રહેશે.

(૧) ગર્વમેન્‍ટ સેવિંગ્‍સ સર્ટીફીકેટ એકટ ૧૯પ૯માં દર્શાવેલ કોઇપણ પ્રકારના સેવિંગ્‍સ સર્ટીફિકેટ આપવા અન્‍ય સર્ટીફીકેટ જે સરકારે સ્‍મોલ સેવિંગ્‍સ સ્‍કીમ હેઠળ મંજુર કરેલા હોય.

(ર) પોસ્‍ટ ઓફિસ સેવિંગ્‍સ બેન્‍ક એકાઉન્‍ટ અથવા પોસ્‍ટ ઓફિસની કોઇપણ ડિપોઝીટ યોજનામાં રોકાણ કરી શકાય.

(૩) શિડયુલ બેન્‍કની અથવા કો-ઓપ. બેન્‍કની કોઇપણ શાખામાં, કોઇપણ પ્રકારની ડિપોઝીટ યોજનામાં જેવી કે શોર્ટ ટર્મ ડિપોઝીટ, લોન્‍ગ ટર્મ ડિપોઝીટ, ફિકસ ડિપોઝીટ, મંથલી ઇન્‍કમ ડિપોઝીટ વગેરે કો-ઓપ. બેન્‍ક કો-ઓપ. લેન્‍ડ મોર્ગેજ બેન્‍ક અથવા કો-ઓપ. લેન્‍ડ ડેવલોપમેન્‍ટનો સમાવેશ થાય છે.

(૪) યુનિટ ટ્રસ્‍ટ ઓફ ઇન્‍ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ યુટીઆઇ ચેરીટેબલ અને રીલીજીયસ ટ્રસ્‍ટ અને રજીસ્‍ટર્ડ સોસાયટી યોજના (ટ્રસ્‍ટો તથા સોસાયટી માટેની યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજના યુટીઆઇ ૭૦ ટકા રોકાણ સરકારી જામીનગીરીમાં જયારે ફકત ૩૦ ટકા નામાંકિત સારી કંપનીમાં રોકાણ કરે છે.) આ વ્‍યાજ સંપુર્ણ ટેક્ષ ફી છે તથા તેમાં કોઇપણ ટીડીએસ પણ કપાતો નથી.

(પ) કેન્‍દ્ર કે રાજય સરકાર નાણા એકત્ર કરવા માટે કોઇપણ પ્રકારની યોજના બહાર પાડે અને ટ્રસ્‍ટોને રોકાણ કરવા આમંત્રણ આપે તેવી યોજનાઓમાં રોકાણ કરી શકે છે.

(૬) પબ્‍લીક સેકટર કંપનીમાં કરેલુ રોકાણ હોય કે ડિપોઝીટ, પરંતુ જો આવી પબ્‍લીક સેકટર કંપની બંધ થઇ જાય તો આવી કંપનીના શેરોમાં રોકાણ કરેલ હોય કે ડિપોઝીટ હોય તો તેવા સંજોગોમાં ત્રણ વર્ષની અંદર શેરની રકમ પાછી ન આવે તો રોકાણ માન્‍ય ગણાશે નહિ અને ડિપોઝીટના સંબંધમાં પોતાની તારીખે તે રકમ ઉપાડી લેવી પડશે. નહિતર તે રકમને પણ માન્‍ય રોકાણ ગણવામાં આવશે નહી.

(૭) કેન્‍દ્રીય સરકાર કે રાજય સરકાર દ્વારા પ્રમોટ કરેલી કંપની કે કોર્પોરેશનના ડીબેન્‍ચરમાં રોકાણ કરેલ હશે તો તે માન્‍ય રોકાણ ગણાશે. જેવા કે હુડકોના બોન્‍ડ, રેલ્‍વે બોન્‍ડ વગેરે.

(૮) કોઇપણ નાણાકીય કંપની જે ભારતમાં ઉદ્યોગોના વિકાસ માટે લાંબાગાળાનું ફાયનાન્‍સ આપતી હોય તેવી કંપનીમાં મુકલ ડિપોઝીટ કે કરેલ રોકાણ (તેના બોન્‍ડમાં)

(૯) ભારતમાં સ્‍થપાયેલી કંપની જેનો મુખ્‍ય ઉદ્દેશ ભારતમાં બંધાતા રહેઠાણના મકાનો માટે લાંબાગાળા માટે લોન આપવાની હોય પછી તે મકાન બાંધવામાં વપરાય કે પછી મકાન ખરીદવામાં વપરાય તેવી પબ્‍લીક લીમીટેડ કંપનીમાં કરેલ રોકાણ. જેવી કે એચડીએફસી હાઉસીંગ ફાયનાન્‍સ લી., ડીએચએફએલ હાઉસીંગ લી.

(૧૦) શહેરના વિકાસ માટેના હેતુથી સ્‍થપાયેલી ભારતીય કંપનીના બોન્‍ડમાં કરેલ રોકાણ કે તેવી કંપનીમાં મુકેલ ડિપોઝીટની રકમ (શહેરી વિકાસ એટલે કે  આ કંપનીના ફંડનો ઉપયોગ પાણી, રોડ, ગટરલાઇન, સોલીડવેસ્‍ટ મેનેજમેન્‍ટ, બ્રીજ અથવા ફલાયઓવર બાંધકામમાં ફંડ વપરાવુ જોઇએ.)

(૧૧) કોઇપણ પ્રકારની સ્‍થાવર મિલ્‍કતની ખરીદીમાં ફંડનું રોકાણ કરી શકાય. સ્‍થાવર મિલકતમાં પ્‍લાન્‍ટ અને મશીનરીનો સમાવેશ થતો નથી.

(૧ર) ઇન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયામાં મુકેલી ડિપોઝીટ કે કરેલુ રોકાણ.

(૧૩) આ સિવાય જયારે પણ કોઇ નવા રોકાણ માટેની જાહેરાત કેન્‍દ્ર કે રાજય સરકાર દ્વારા કરવામાં આવે તેમાં રોકાણ.

જો ઉપર દર્શાવેલ સિવાય અન્‍ય કોઇ જગ્‍યાએ રોકાણ કરેલ હશે તો તેવા ટ્રસ્‍ટને કોઇપણ ખર્ચ મજરે બાદ મળશે નહી એટલે કુલ આવક પર આવકવેરો ભરવાનો થશે.

સામાન્‍ય રીતે દરેક ટ્રસ્‍ટો બેન્‍કમાં જ રોકાણ કરતા હોય છે, પરંતુ જો કોઇ ટ્રસ્‍ટે અન્‍ય જગ્‍યાએ ખાનગી પેઢીમાં રોકાણ કરેલ હોય તો તે અમાન્‍ય રોકાણ છે. આમ ખાનગી પેઢીમાં અથવા ટ્રસ્‍ટીઓને અંગત રીતે કે ટ્રસ્‍ટીઓની પેઢી-પ્રાઇવેટ લી.માં પણ અમાન્‍ય છે.(૫૧.૧૧)

આલેખન

નીતીન કામદાર

ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ, રાજકોટ.

મો.નં. ૯૮૨૫૨ ૧૭૮૪૮

ફોન નં. (૦૨૮૧) ૨૨૨૭૬૮૮

 

(3:37 pm IST)