Gujarati News

Gujarati News

News of Monday, 16th October 2017

સરકારી મહેમાન

રાજસ્થાન ફરવા જાવ છો - સંભાળજો, પોલીસ લૂંટારૂં બની છે: 5 થી 10 હજાર પડાવી રહી છે

સરકાર ‘નાયક’ બની: પાંચ વર્ષમાં કરવાની જાહેરાતો માત્ર એક મહિનામાં પૂરી : એક કન્યા માટે કોંગ્રેસમાં વરરાજાની ફોજ ઉભી છે પરંતુ જાનૈયા મળતા નથી : સરકારે એટલી બદલીઓ કરી કે 2017ની ટેલિફોન ડિરેક્ટરી બદલાઇ ચૂકી છે

પધારો મ્હારે દેશ... આ આપણા પાડોશી રાજસ્થાનનું ટુરિસ્ટને આકર્ષવાનું સૂત્ર છે. રાજવી સ્ટેટમાં ગુજરાતી પ્રવાસીઓ મોટાપ્રમાણમાં જતા હોય છે પરંતુ આ વખતે દિવાળીમાં ગુજરાતી પ્રવાસીઓને લૂંટવાનો પરવાનો રાજસ્થાન પોલીસે મેળવ્યો છે. GJ નંબરપ્લેટની 10 પૈકી ચાર ગાડીઓના ટુરિસ્ટ ઉદેપુરમાં પોલીસના હાથે લૂંટાઇ રહ્યાં છે. પોલીસની મોડસ ઓપરેન્ડી પણ અજીબ છે. પાવતીની જગ્યાએ તેની હથેળીમાં 10,000 અને 5000 રૂપિયા લખીને બતાવે છે અને પછી આનાકાની થાય એટલે ગાડી જપ્ત કરવાની ધમકી આપે છે, છેવટે 3000 હજારમાં તોડપાણી થાય છે. રાજવી પરિવારોથી શોભી ઉઠતા રાજસ્થાનમાં તહેવારોના સમયમાં ગુજરાતી પ્રવાસીઓને લૂંટવાનો આ મસ્ત કારસો છે. તમે ઉદયપુર પોલીસ વોટ્સઅપમાં મેસેજ કરો કે હેલ્પલાઇન પર મદદ માંગો ત્યારે જવાબની કોઇ અપેક્ષા રાખશો નહીં. એક મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજેના શાસનમાં ગુજરાતી મહેમાનોની આગતા-સ્વાગતા ખૂબ સારી રીતે થઇ રહી છે...

કલ કરે સો આજ, આજ કરે સો અભી...

કાલે જે કરવાનું છે તે આજે કરો અને આજે કરવાનું છે તે અત્યારે કરો તો તમારો બેડો પાર થઇ શકે છે. રાજકીય નેતાઓ જો આ વાક્યને સમજી શકે તો તેમનો પણ બેડો પાર થઇ જાય છે. એક વખત ચૂંટાયા પછી સાડા ચાર વર્ષે દર્શન આપતા પ્રજાના પ્રતિનિધિ ચોક્કસ ઘરભેગા થઇ જાય છે પરંતુ જો તેમણે પાંચ વર્ષ સુધી મતદારો સાથે સબંધ બનાવી રાખ્યો હોય તો તેમને વિજયી થવા માટે કોઇ વિશ્ન આડે આવતા નથી. ગુજરાતની જનતા સ્માર્ટફોન વાપરીને સ્માર્ટ બની રહી છે. લોભામણી લાલચો તેમને ગમતી નથી. ખોટા વાયદાથી તેઓ ખફા હોય છે. ગુજરાત સરકારે ચૂંટણીની આચાર સંહિતા પહેલાં એટલી બધી જાહેરાતો કરી દીધી છે કે જે સરકાર પ્રત્યેક મહિને પણ કરી શકતી હોય છે. જે પહેલાં કરવાનું હતું તે અત્યારે કરવાનો કોઇ મતલબ નથી. જનતા બઘું સમજે છે પણ નેતા સમજતા નથી. મતદારો સમજે છે પરંતુ પ્રતિનિધિ સમજતા નથી...

કોંગ્રેસના વરરાજા તૈયાર છે પણ જાનૈયા નથી...

કોંગ્રેસમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારો તૈયાર છે પરંતુ તેમને જાનૈયા મળતા નથી. ભાજપ માટે આ મુશ્કેલી નથી, કારણ કે ભાજપમાં જાનૈયા તરીકે વહીવટી તંત્રના રખેવાળો જાનમાં જોડાતા હોય છે. કોંગ્રેસના નસીબમાં આ કૌવત આવ્યું નથી. કોંગ્રેસે ગુજરાતમાં 35 વર્ષ સુધી શાસન કર્યું છે પણ વહીવટી તંત્રનો અસરકારક ઉપયોગ ચૂંટણીમાં ક્યારેય કર્યો હોય તેવું સાંભળવામાં આવતું નથી. બીજી તરફ ગુજરાતમાં વિધાનસભાની ત્રણ અને લોકસભાની એક ચૂંટણીમાં ભાજપની સરકાર પાસે સંગઠન પાંખનો તાલમેલ ઓછો હતો પણ વહીવટી તાલમેલ વધુ હતો તેથી ભાજપને વિજયમાં વધારે તકલીફ પડી ન હતી. કોંગ્રેસ 182 બેઠકોમાં ઉમેદવારો ઉભા રાખવા તૈયાર છે. ઉમેદવારોની સંખ્યા 1000ને પાર છે પરંતુ ઉમેદવારની જાનમાં જોડાવા માટે જાનૈયા (કાર્યકરો) ની અછત છે.

ઓફિસરની ટ્રાન્સફર થાય છે પરંતુ ફાઇલની નહીં...

ભાજપની સરકારે વહીવટી તંત્રમાં એટલી બઘી બદલીઓ કરી છે કે 2017માં સરકારના જીએડી વિભાગે બહાર પાડેલી ટેલીફોન ડિરેક્ટરીમાં નામ પણ બદલાઇ ચૂક્યાં છે. ચૂંટણી આવતા સુધીમાં સરકારે ઓછામાં ઓછા 2000 કર્મયોગીની બદલીઓ કરી છે. સરકારના 35 ટકા અધિકારીઓ તેમજ કર્મચારીઓ બદલાઇ ચૂક્યાં છે. આટલો મોટો ફેરફાર છતાં ટેલિફોન ડિરેક્ટરી લેવા માટે પડાપડી થાય છે. બદલીની રામાયણ એવી છે કે એક વખત કોઇ ઓફિસરની બદલી થાય તે પછી તેને તે વિભાગમાં સેટ થતાં ઓછામાં ઓછા 30 દિવસની જરૂર પડે છે. એ જ્યારે વિભાગની કાર્યવાહી સમજે તે પહેલાં તેમની બીજા વિભાગમાં બદલી થઇ ચૂકી હોય છે, પછી આપણે કેવી રીતે કહીએ કે વહીવટી તંત્રએ ગુજરાતનો વિકાસ કર્યો છે. અધિકારી અને કર્મચારી બદલાય છે, પરંતુ ફાઇલોની ટ્રાન્સફર થઇ શકતી નથી.

યુદ્ધમાં અર્જુનના સારથી શસ્ત્ર ઉઠાવશે નહીં...

ગુજરાતમાં 16 વર્ષમાં પહેલીવાર એવું છે કે નરેન્દ્ર મોદી સીધી રીતે વિધાનસભાની ચૂંટણીમાં સંકળાયેલા નથી પરંતુ તેમના નામે મતો લેવાની પ્રથા ચાલુ રહી છે. મોદી કેન્ડિડેટ પણ નથી અને મુખ્યમંત્રી પણ થવાના નથી ત્યારે ભાજપને વધારે મહેનત કરવી પડે તેમ છે. કારણ કે અત્યાર સુધી ભાજપને મળેલા મતોનો શ્રેય એકમાત્ર નરેન્દ્ર મોદીને જાય છે. તેમની ચૂંટણી સ્ટેટેજીને વિરોધીઓ પણ સલામ કરે છે. મોદીની કોપી કરનારા નેતાઓ આ દેશમાં વધતા જાય છે પરંતુ કોપી કરનારા સત્તામાં આવી શકતા નથી. 2017ની ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવો હોય તો મોદીની આવશ્યકતા છે. આ ચૂંટણી પણ મોદીના નામે લખવામાં આવી છે. ભાજપના તારણહાર બનીને તેઓ ગુજરાતના ચૂંટણી દંગલમાં જોડાવાના છે. શસ્ત્ર જાતે ઉપાડવાના નથી પણ શસ્ત્ર કેવી રીતે ઉઠાવવું તેની સમજ ગુજરાતના લોકોને આપી રહ્યાં છે. હાલ તો આ દંગલમાં અર્જુનના રોલમાં વિજય રૂપાણી છે અને મોદી તેમના સારથી છે.

રાજ્યમાં બહેન વિના ભાઇની જીત અધુરી છે...

ગુજરાતમાં પાટીદાર આંદોલનના સમયમાં આનંદીબહેન પટેલ વિના ભાજપની જીત અધુરી છે. પાટીદારોના મતો મેળવવા માટે બહેનની સક્રિય રાજકારણમાં જરૂર છે પરંતુ બહેને સાફ શબ્દોમાં કહી દીધું છે કે હું ઘાટલોડીયાની ચૂંટણી લડવાની નથી. તેમણે કહ્યું છે કે- મારા જેવા વરિષ્ઠ નેતાને બદલે યુવા નેતાને ટીકીટ આપી આગળ કરવાની જરૂર છે. ભાજપના એમપી સુબ્રમણ્યમ સ્વામીએ તો કહી દીધું છે કે- ગુજરાતમાં મુખ્યમંત્રીનો લોકપ્રિય ચેહરો એ આનંદીબહેન પટેલ છે. આ વિધાનની પ્રદેશ એકમમાં ચોટદાર અસર થઇ છે. સરકાર સાથે સમાધાન થયા પછી હાર્દિક પટેલ અને યુવા પાટીદારોએ મન મક્કમ બનાવ્યું હોય તેમ લાગે છે, કારણ કે હાર્દિક હૈ કી માનતા નહીં... હવે જો આનંદીબહેન પટેલને નારાજ કરવામાં આવે તો ગુજરાતના પાટીદારો નારાજ થઇ જાય તેમ છે. તેથી જ હાઇકમાન્ડના આદેશ પ્રમાણે ગુજરાત સરકાર કોઇપણ કાર્યક્રમ કે ઉત્સવ ઉજવે તેમાં આનંદીબહેનને માનભેર સ્થાન આપવું પડે છે. આશ્ચર્યજનક રીતે હવે ભાજપની સિદ્ધિગાથામાં કેશુભાઇ પટેલના 1995ના શાસનને પણ વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે.

પછી હેપ્પીનેસ ક્યાંથી જીડીપી બની શકે...

આપણે ત્યાં વેપારી અને ગ્રાહક વચ્ચે લેણ-દેણનો હિસાબ બરાબર હોય છે તેમ પોલિટીકલ પાર્ટી કે જેઓ સરકારને હેન્ડલ કરે છે તેમાં પણ હિસાબ બરાબર હોવો જોઇએ. સરકાર દરવર્ષે બજેટ બનાવે છે તેમાં જમા-ઉધાર સરખાં હોવા જોઇએ- જો ઉધાર વધારે હોય તો સરકાર ચલાવવામાં તકલીફ પડે છે. આજે ભારતનું પ્રત્યેક પરિવાર તેના બે છેડા ભેગા કરવા મથી રહ્યું છે. બેન્કો હવાલદાર બની છે. લોન બાકી હોય તો મેસેજના મારા ચલાવીને પઠાણી ઉઘરાણી કરે છે પરંતુ વિજય માલ્યા જેવા માલેતુજારોનો વાળ પણ વાંકો કરી શકતી નથી. બેન્કો સમતોલપણું ખોઇ રહી છે. આપણે તો બેન્કોમાં મિનિમમ બેલેન્સ પણ રાખી શકતા નથી. કેન્દ્ર અને રાજ્યના સબંધોમાં પણ આવું જ છે. રાજ્ય પાસેથી જેટલું કેન્દ્ર લેતી હોય છે તેટલું રાજ્યને વિકાસ માટે પાછું આપવું પડે છે. પરંતુ અહીં તો 75 વર્સિસ 25 ટકા છે. 100 ટકા લઇને 25 ટકા પાછું આપે છે. આ છે આપણી નબળાઇ, પછી ક્યાંથી હેપ્પીનેસને આપણે જીડીપી બનાવી શકીએ...

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:50 am IST)