Gujarati News

Gujarati News

News of Monday, 2nd October 2017

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'નાં પ્રાચીન લોકગીતો રાસ-ગરબા ભરૂચની પ્રોગ્રેસીવ હાઇસ્કુલમાં ગુજ્યાં

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત 'રઢિયાળી રાત'નાં લોકજીવન અને લોકસંસ્કૃતિના અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો–રાસ–ગરબા ભરૂચ સ્થિત પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ ખાતે ગુંજયાં. નવી પેઢી આપણા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનાં પાવન પર્વનું સાત્વિક અને મૂળ સ્વરૂપને જાણી-માણી શકે તે હેતુથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ધી પ્રોગ્રેસીવ એજયુકેશન સોસાયટી દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું.

ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ પાસે આવેલ સરવા ગામનાં મૂળ વતની અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડે, લાગણીથી પ્રેરાઈને, મેઘાણી-ગીતોની રમઝટ બોલાવીને ઉપસ્થિત સહુને ડોલાવી દીધા. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેરી વળાવી સજ કરું, આવી રૂડી અંજવાળી રાત જેવાં સદાબહાર ગીતો રજૂ થયાં. શાળાના પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં ૧૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ગરબે રમ્યાં હતાં. શિક્ષિકા-બહેનો અને વાલીઓ પણ જોડાયાં હતાં.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી નૈષધભાઈ મકવાણા, ભોલાવ ગ્રામ પંચાયત સરપંચ પ્રિયંકાબેન પટેલ, ઉપસરપંચ યુવરાજસિંહ પરમાર, સભ્ય સંગીતાબેન વાળંદ, નર્મદા ચેનલના ડીરેકટર નરેશભાઈ ઠક્કર, ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્ય પ્રકાશભાઈ પટેલ, માધ્યમિક બોર્ડના સભ્ય અને જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહીડા, જિલ્લા શાળા વહીવટી સંદ્યના પ્રમુખ નીલેશભાઈ ચદ્દરવાલા, એડવોકેટ રાજુભાઈ મોદી, ઉદ્યોગપતિ ભરતભાઈ કારાણી (દુબઈ), શાળાના ટ્રસ્ટી ઝવેરભાઈ પટેલ, સંચાલક મિહિરસિંહ રાઠોડ, ઈન્ચાર્જ આચાર્ય મુકુંદભાઈ પટેલ, સુપરવાઈઝર ચેતનાબેન રાજ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી.

છેલ્લા પાંચ દાયકાઓથી દેશ-વિદેશમાં વસતાં સેંકડો ગુજરાતીઓનાં હૈયે મેઘાણી-ગીતોને જીવંત રાખનાર અને ૪૦ વર્ષથી શિક્ષણ-ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકગાયક અભેસિંહ રાઠોડે તથા ધી પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ પરિવારે આ કાર્યક્ર્મ માટે લાગણીથી જહેમત ઉઠાવી હતી. આઝાદી પૂર્વે ૧૯૪૩માં ભરૂચનાં લાલબજાર વિસ્તારમાં સ્થપાયેલી ઐતિહાસિક પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ ૨૦૦૦નાં ધરતીકંપમાં ગંભીર ક્ષતિ પામી હતી. અભેસિંહ રાઠોડે આ શાળાને ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલી આશ્રય સોસાયટીમાં પુનઃપ્રસ્થાપિત કરી હતી. છેલ્લા આઠ વર્ષથી, સમગ્ર ગુજરાત તેમજ ગુજરાતની બહાર, 'રઢિયાળી રાત' કાર્યક્રમોનું આયોજન પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી થાય છે જે ખાસ ઉલ્લેખનીય છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(4:20 pm IST)