Gujarati News

Gujarati News

News of Saturday, 22nd July 2017

ગઇકાલથી મુંબઇમાં એકધારો વરસાદ

૩ થી ૪ ઇંચ જેટલો વરસાદ પડી ગયોઃ ઠેર-ઠેર ટ્રાફીકજામઃ જનજીવન ખોરવાયુઃ મુંબઇમાં ર૭ ઇંચ વરસાદ પડી ગયોઃ ચાલુ મહિનાના અંત સુધીમાં ૩ર ઇંચ વરસાદ નોંધાઇ જશે

મુંબઇ તા.રર : મુંબઇમાં ગઇકાલથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે અનેક વિસ્તારોમાં ટ્રાફીકજામની સ્થિતિ ઉભી થઇ છે. જો કે લોકલ ટ્રેન લોકો માટે રાહતરૂપ બની છે. વેસ્ટર્ન, હાર્બર અને સેન્ટ્રલ લાઇનની લોકલ ટ્રેનો નિર્ધારીત સમય મુજબ દોડી રહી છે. એકાદ-બે ટ્રેન મામુલી લેઇટ છે.

મુંબઇના લગભગ મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ટ્રાફીકજામની સ્થિતિ ઉભી થઇ છે. મલાડ અને બોરીવલી વચ્ચે વેસ્ટર્ન એકસપ્રેસ હાઇવે ઉપર મહાટ્રાફીકજામ થઇ ગયો હતો. પાણી ભરાવાના કારણે અંધેરી, માટુંગા, સાયન સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફીકમાં ફસાઇને લોકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

છેલ્લા ર૪ કલાકમાં મુંબઇમાં ૩ ઇંચથી લઇને ૪ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. અલીબાગથી લઇને દહાણુ સુધીના વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ પડયો છે. અત્યાર સુધીમાં મુંબઇમાં ૬૮૦ મી.મી. વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે જુલાઇના અંત સુધીમાં ૭૯૯.૭ મી.મી. વરસાદ નોંધાઇ જશે.(૩-૩)

 

(10:42 am IST)