એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 12th September 2020

તમને કોનો ડર વધુ લાગે છે ? : જર્મનીમાં કરાયેલા સર્વેમાં લોકોને કોરોના કરતા પણ ટ્રમ્પનો વધુ ડર લાગતો હોવાનો બહુમતી અભિપ્રાય

બર્લિન : જર્મનીમાં દર વર્ષે કરાતા ડરના સર્વમાં જાણવા મળ્યા મુજબ  પહેલાની સરખામણીમાં લોકોને કોરોનાનો ડર ઘટયો છે પરંતુ આંકડા તપાસતા માલુમ પડે છે કે કોરોના કરતા પણ ડોનાલ્ડ ટ્રમ્પનો દર વધારે લાગે છે ડર પર આધારિત આ સર્વે છેલ્લા 32 વર્ષથી થાય છે.  આ વખતે કોરોના મહામારી હોવાથી લોકો કોરોના થવાનો ડર સૌથી વધુ દર્શાવશે એમ માનવામાં આવતું હતું પરંતુ ટ્રમ્પ કોરોના કરતા પણ આગળ નિકળી ગયા છે. અમેરિકામાં આગામી નવેમ્બર માસમાં પ્રમુખની ચુંટણી આવી રહી છે તેમાં વર્તમાન પ્રેસિડન્ટ  ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચુંટાવા થનગની રહયા છે પરંતુ જો તે ફરી ચુંટાશે તો શું થશે એ વાતનો જ લોકોમાં ડર જોવા મળી રહયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ માટે 14 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 2400 મહિલાઓ અને પુરુષોને સવાલ કરવામાં આવ્યા હતા. જુનની શરુઆતથી માંડીને જુલાઇના અંત સુધી રિસર્ચરોએ લોકોને જુદા જુદા સવાલ પુછયા હતા. જેમાં રાજકારણ,અર્થ વ્યવસ્થા,પર્યાવરણ જેવા વિષયોથી માંડીને અંગત ડરનો પણ સમાવેશ થતો હતો. કોરોના મહામારીએ દુનિયામાં ભરડો લીધો હોવા છતાં 32 ટકા લોકોને ડર જોવા મળતો હતો. 42 ટકા લોકોનું એવું માનવું હતું કે ગ્લોબલાઇઝેશનના કારણે હજુ પણ કોરોના ઉપરાંતની મહામારીઓ જોવા મળી શકે છે. લોકોને પોતાના સ્વાસ્થ્ય કરતા પણ અર્થ વ્યવસ્થા ખરાબ થવાનો ડર લાગતો હતો.
આ વર્ષે જર્મનીનો જીડીપી  6 ટકા જેટલો ઘટે તેવી શકયતા છે. મંદીના કારણે લોકોને નોકરી ગુમાવવાનો ડર અને વધતી જતી કોસ્ટ ઓફ લિવિંગથી પણ ચિંતાતૂર જોવા મળે છે.  જો કે સૌથી વધારે ડર જેને જર્મની સાથે સીધી રીતે કોઇ લેવા દેવા નથી તે ડોનાલ્ડ ટ્રમ્પનો જણાતો હતો. આગામી પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ભાવી નકકી થવાનું છે ત્યારે 53 ટકા જર્મનોને ફરી રાષ્ટ્રપતિ ચુંટાશે તેનો ડર જોવા મળતો હતો. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પની વિદેશનીતિ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુંચવાડો ઉભો કરી રહી છે. જેમાં ચીન સાથે વેપાર યુધ્ધ અને જર્મની જેવા મિત્ર દેશો સાથે તંગદિલીનો સમાવેશ થાય છે. જો કે વર્ષ 2020માં જ નહી ગત 2018માં પણ ડોનાલ્ડ ટ્રમ્પ બાબતે ડર અને ચિંતા વ્યકત કરી હતી,.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:17 pm IST)