એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 14th August 2021

મહાત્મા ગાંધીને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા પ્રતિનિધિ સભામાં પ્રસ્તાવ : મહાત્મા ગાંધીનો અહિંસક સત્યાગ્રહ સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારો હોવાની રજુઆત

વોશિંગટન : મહાત્મા ગાંધીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળે તે માટે અમેરિકામાં પ્રયાસો તેજ થયા છે. અમેરિકાના એક સાંસદે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાત્મા ગાંધીને પ્રતિષ્ઠિત કોંગ્રેશનલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાનો ઠરાવ ફરી રજૂ કર્યો.છે . આ કોંગ્રેશનલ ગોલ્ડ મેડલ અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

ન્યૂયોર્કના કોંગ્રેસના સભ્ય કેરોલીન બી મેલોનીએ પ્રતિનિધિ સભામાં આ સંદર્ભમાં એક ઠરાવ રજૂ કરતા કહ્યું કે, મહાત્મા ગાંધીનો અહિંસક અને ઐતિહાસિક સત્યાગ્રહ સમગ્ર વિશ્વને પ્રેરણા આપનારો છે.  તેનું ઉદાહરણ આપણને અન્યની સેવામાં પોતાને સમર્પિત કરવા પ્રોત્સાહિત કરે છે. આ અગાઉ કોંગ્રેશનલ ગોલ્ડ મેડલ જ્યોર્જ વોશિંગ્ટન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, મધર ટેરેસા અને રોઝા પાર્ક્સને અપાયો છે.

મેલોનીએ કહ્યું, "પછી તે વંશીય સમાનતા માટે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની ઝુંબેશ હોય અથવા નેલ્સન મંડેલાની રંગભેદ સામેની લડાઈ, વિશ્વભરના અભિયાનોએ મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા મેળવી છે. જાહેર સેવક તરીકે, હું દરરોજ તેમની હિંમત અને તેમના આદર્શોથી પ્રેરિત છું. ચાલો આપણે ગાંધીજીની સૂચનાનું પાલન કરીએ કે જે પરિવર્તન તમે દુનિયામાં જોવા માંગો છો, તે પહેલા તમારામાં તે પરિવર્તન લાવો. તેમ જણાવ્યું હોવાનું એચ.ટી.એચ. દ્વારા જાણવા મળે છે.

 

(12:59 pm IST)