એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 21st February 2018

શિકાગોની યુ.એસ. ઇન્‍ડિયા ફ્રેન્‍ડશીપ લીગના ઉપક્રમે સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટના નાયબ સહાયક સચિવ થોમસ વજદા તેમજ ભારતીય બાબતોને સ્‍પર્શતા આર્થિક અધિકારી ટ્રેવીસ કોબર્લીની સાથેનો એક અનૌપચારિક શૂભેચ્‍છાભર્યો મિલન સમારંભ ૨૩મી ફેબ્રુઆરીને શુક્રવારે શામ્‍બર્ગ ટાઉનમાં યોજાશેઃ આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણજી પધારશેઃ આ મિલન સમારંભ ફક્‍ત આમંત્રિત મહેમાનો પુરતો જ યોજવામાં આવેલ છે અને તેઓને મહાનુભાવોને સાંભળવાનો એક અનેરો અવસર પ્રાપ્‍ત થશે

(કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો): શિકાગોમાં યુ.એસ. ઇન્‍ડિયા ફ્રેન્‍ડશીપ લીગના ઉપક્રમે વોશિંગ્‍ટન ડીસી સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટમાં નાયબ સહયક સચિવ તરીકે ફરજ બજાવતા થોમસ વજદા તેમજ ભારતીય બાબતોને સ્‍પર્શતા આર્થિક અધિકારી તરીકે કાર્ય કરતા ટ્રેવીસ કોબર્લીની સાથેનો એક અનૌપચારિક શૂભેચ્‍છાભર્યો મિલન સમારંભ શામ્‍બર્ગ ટાઉનમાં આવેલ ગેલોર્ડ ઇન્‍ડિયા રેસ્‍ટોરન્‍ટના ભવ્‍ય હોલમાં ફેબ્રુઆરી માસની ૨૩મી તારીખને શુક્‍વારે યોજવામાં આવનાર છે. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે શિકાગોની કોન્‍સ્‍યુલેટ ઓફિસના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણજી પધારશે.

આ મિલન સમારંભમાં અમેરિકા તેમજ ભારત એમ બંને દેશોને સ્‍પર્શતા પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવશે અને તે વેળા પધારેલા મહાનુભાવો પ્રાસંગિક પ્રવચનો દ્વારા હાજર રહેલા મહેમાનોને વિસ્‍તૃત માહિતીઓ આપશે અને તેથી પધારનાર સર્વે આમંત્રિતો માટે આ પ્રસંગે એક સુઅવસરભર્યો બની રહે તો નવાઇની વાત નથી.

આ પ્રસંગે શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતાબેન ભૂષણજી પણ પ્રાસંગિક પ્રવચન કરશે અને બંને દેશો વચ્‍ચેના જે સંબંધો છે તેની વિસ્‍તૃત માહિતી આપશે.

આ મિલન સમારંભને સફળ બનાવવા માટે યુ.એસ. ઇન્‍ડિયા ફ્રેન્‍ડશીપ લીગના કાર્યકરો ભારે જહેમત ઊઠાવી રહ્યા છે. આ સમારંભ ફક્‍ત આમંત્રિત મહેમાનો પૂરતો જ મર્યાદિત રાખવામાં આવેલ છે, જેની સર્વેએ નોંધ લેવા વિનંતી છે.

(11:04 pm IST)