એન. આર. આઈ. સમાચાર
News of Friday, 3rd June 2022

' આવો આદિલજીને મળીએ રે ' : TV Asia એડિસન ન્યુજર્સી મુકામે આદિલ મનસુરીને ભાવાંજલિ અર્પતો આહલાદક કાર્યક્રમ : ગુજરાતી લિટરરી એકેડેમીના ઉપક્રમે આયોજિત પ્રોગ્રામમાં 9 કવિ મહાશયોએ ભાવાંજલિ આપી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ગુજરાતી ગઝલને લોકપ્રિય અને લોકભોગ્ય બનાવી વૈશ્વિક ઓળખ અપાવનાર લબ્ધ પ્રતિષ્ઠિત શાયર ,લેખક ,ગીતકાર ,મર્હુમ શાયર આદિલ મનસુરીજીના ગઝલ ક્ષેત્રે અપ્રતિમ યોગદાનને ભાવાંજલિ અર્પવા અમેરિકામાં TV Asia ઓડિટોરિયમ એડિસન ન્યુજર્સી ખાતે શનિવાર તારીખ 28 મે ના રોજ ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા ,ભારતીય વિદ્યા ભવન ,તથા TV Asia ના સંયુક્ત ઉપક્રમે એક રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગુજરાતના અને સ્થાનિક 9 લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓએ તેમની લાક્ષણિક શૈલીમાં આદિલ મનસુરીની મધુર યાદો તાજી કરી પોતાની મૌલિક કૃતિઓનું પઠન કરી આયોજકો ,આસ્વાદકો ,અને આહલાદકોને સતત 4 કલાક સુધી મંત્રમુગ્ધ કર્યા હતા.વિશેષતઃ આ કાર્યક્રમમાં આદિલ મનસુરીના પત્નીની ગૌરવપ્રદ ઉપસ્થિતિ અને ભાવાંજલિ ઉલ્લેખનીય રહ્યા.

અનેક આદિત્યયીક એવોર્ડથી વિભૂષિત પ્રતિભા સંપન્ન શાયર ,ગીતકાર ,કવિ શ્રી અનિલ ચાવડાએ તેમની કૃતિનું પઠન કરી ગીત ગઝલની અસીમ ક્ષિતિજોની પ્રતીતિ કરાવી હતી. ' આથમી ચુક્યો છું એવું નથી ' હૃદયસ્પર્શી રહ્યું.

નોર્થ કેરોલિનાથી પધારેલ શ્રી સુધીરભાઈએ પોતે પણ તેમની કૃતિઓનો આસ્વાદ કરાવ્યો હતો.

TV Asia ના ચેરમેન અને CEO તથા ગુજરાતી ભાષાના સંરક્ષણ ,સંવર્ધનમાં સદાય અગ્રેસર પદ્મશ્રી ડોક્ટર શ્રી એચ.આર.શાહે પણ આ ક્ષેત્રે આદિલજીના યોગદાનની ભૂરી ભૂરી પ્રસંશા કરી હતી.

' બ્લ્યુ જીન્સ ' વિષે વિશદ અને વિપુલ ગીતગાથા લખનાર બોસ્ટન સ્થિત શ્રી ચંદ્રકાન્ત ( ચંદુ ) શાહ કવિ ,લેખક ,નાટયતીત અને કલાકાર તરીકે આંતર રાષ્ટ્રીય પ્રતિભા ધરાવે છે.તેમણે આદિલ મનસુરીજીએ ગુજરાતી કક્કો બારાખડીને ઉલ્ટી રીતે કરેલ રસપ્રદ આલેખી આદિલની મેઘાવી પ્રતિભાની પ્રતીતિ કરાવી હતી.આદિલ એક પ્રતિભા સંપન્ન નાટ્યલેખક ,ચિત્રકાર ,calyipathy માં એક્સપર્ટ હતા.અને ગુજરાતી ઉર્દુ ગઝલના વિકાસમાં ગુરુ શિષ્ય હતા. '  ફકીર મહંમદ ગુલામનબી મનસુરીનો જન્મ 18 મે 1936 ના રોજ થયો હતો.તેઓ આદિલ મનસુરી તરીકે જાણીતા થયા .

શ્રી ચંદુ શાહ અને ડો.અશરફ ડબાવાલાએ સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન કર્યું હતું.
ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખ પીઢ આગેવાન શ્રી રામ ગઢવીએ આ કવિ પ્રતિભાઓનો આદિલજીને ભાવાંજલિ આપવાના વિચારનો યશ સુવિખ્યાત શાયર શ્રી શોભિત દેસાઈને આપ્યો હતો.સ્વ.મણીભાઈ જોશી અને શ્રીમતી પ્રમોદીબેન જોશી ફાઉન્ડેશનનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.કાર્યક્રમનું કાવ્યમય શીર્ષક હતું ' આવો આદિલજીને મળીએ રે ' .

 

અમેરિકા સ્થિત ગુજરાતી કવિયત્રી સુશ્રી પન્નાબેન નાયકે ' અમને તમારી અડખે પડખે રાખી કોઈની બુદ્ધિના પાંજરામાં પાળેલું પંખી થઇ ટહુક્યા કરવાનું મને મંજુર નથી ' .

ગુજરાતમાં 35 વર્ષ ડોક્ટરી વ્યવસાય બાદ કેલિફોર્નિયામાં 15 વર્ષથી રહેતા અનેક એવોર્ડ વિજેતા ડો.મહેશ રાવલે પણ તેમની સર્જનાત્મક રચનાઓથી સહુને અભિભૂત કર્યા.

' તડ પડે ત્યાં તૂટશે ,કાચનું પણ એવું જ '
કોઈને પણ પૂછશે સંગાથનુ પણ એવું જ
કળ નથી વળતી ઘડીકમાં લાગણી તૂટ્યા પછી
ભલભલા ભાંગી પડે તેના આઘાતનું પણ એવું જ છે '

માં ની ગરિમા અને મહત્તાને બિરદાવતા તેમણે લખ્યું કે ઉકલે નહીં પણ સમય વીતે છતાં માં એ લખેલો પત્ર ક્યારેય જૂનો થાય નહીં.

ફરી જાય બારાખડી મોટા થઈને પણ પ્રથમ શબ્દ બાળક તો માં જ બોલે છે.
સ્વામી આનંદ કક્ષાની લેખિકા પેન્સિલવેનિયા સ્થિત સુશ્રી સૂચિ વ્યાસે પણ પ્રાસંગિક ઉદબોધન કરી છાશવારે ગઝલો કહેતા લેખકોની કૃતિઓ પર ટીકા કરી.

શિકાગો સ્થિત ગઝલમય દંપત્તિ ડો.અશરફ ડબાવાલા અને શ્રીમતી મધુમતી મહેતાએ ગુજરાતી ગઝલને અમેરિકામાં આદિલ સાથે લોકભોગ્ય અને લોકપ્રિય કરવામાં મહત્તમ યોગદાન આપેલ છે.તેમણે પણ પોતાની કૃતિઓ પ્રસ્તુત કરી હતી.સુશ્રી મધુમતી મહેતાએ કેટલીક ગઝલો તરન્નુમમાં પેશ કરી હતી.તેવું શ્રી  ચંદ્રકાન્ત ત્રિવેદીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(11:22 am IST)