એન. આર. આઈ. સમાચાર
News of Friday, 6th August 2021

ગુજરાતી યુગલનું અમેરિકામાં જીવતા જગતિયું

મૂળ પેટલાદના શર્મિલાબેન અને હર્ષદભાઇ શાહે દરિયાપાર પરંપરા ઉજાગર કરી સંતાનો માટે સંપત્તિ મૂકી જવાનો અર્થ નથી : સંતાન સપૂત હશે તો કમાઇ લેશે, કપૂત હશે તો ખોટા માર્ગે વપરાશે : આગામી તા. ૨૮-૨૯ બે દિવસ શિકાગોમાં કાર્યક્રમો

હર્ષદભાઇ તથા શર્મિલાબેન શાહ અને તેમનો પરિવાર તસવીરમાં દર્શાય છે.

રાજકોટ તા. ૬ : ભારતીય પરંપરા વિશિષ્ટ પ્રકારની છે. મૃત્યુ પછી પણ આત્માની શાંતિ માટે વિવિધ અને વિશિષ્ટ કાર્યક્રમો થતાં હોય છે. આમાં ઘણીબધી પરંપરા વૈદિક છે. તેની પાછળ સચોટ આધ્યાત્મિક વિજ્ઞાન સંકળાયેલું છે.

મૃત્યુ પછીની દુનિયાનું સમગ્ર વર્ણન ગરુડ પુરાણમાં ઉપલબ્ધ છે. તેમાં વિધિ વિધાનો પણ બતાવ્યા છે. આ મહાન પરંપરાનું વિશિષ્ટ અનુષ્ઠાન એટલે જ જીવતું જગતિયું છે.

આ પરંપરા આજે લુપ્ત થતી જોવા મળે છે. માણસ પોતાની જ હયાતીમાં સશરીરે વિધિ વિધાન કરી ઉત્સાહ સાથે કાર્યક્રમ કરી શકે અને મૃત્યુ પારની તૈયારી કરી શકે એ જીવતું જગતિયુ છે. આમ કરવાનો મોટો લાભ એ છે કે ભવિષ્યમાં તેના વંશને કોઈ જાતનું ટેન્શન ન રહે.

ભારતમાં અને ગુજરાતમાં પણ આ વૈદિક પરંપરા લુપ્ત થઈ રહી છે એ પરંપરા એક ગુજરાતી વડીલે દરિયા પાર અમેરિકામાં જાગૃત કરવાનો સંકલ્પ કરેલો છે.

મૂળ ગુજરાતના આણંની બાજુના પેટલાદના નિવાસી હર્ષદભાઈ ( ઉંમર ૮૦ વર્ષ ) અને એમના ધર્મ પત્ની શર્મિલાબેન શાહ (ઉંમર ૭૮ વર્ષ) છેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાના શિકાગોમાં રહે છે. એમના સંતાનો પણ ત્યાં જ વસેલા છે.

શિકાગોમાં રહેતી એમની સુપુત્રી નિશાબેન યોગેશભાઈ જાની સાથે સમણ શ્રુતપ્રજ્ઞજીએ ટેલીફોનીક સંવાદ કરીને એ જાણ્યું કે આ કરવાની પ્રેરણા કયાંથી મળી તો નિશા બેને ત્રણ કારણો આપતા કહ્યું કે, 'એક તો થોડા સમય પહેલા જીજ્ઞેશભાઈ જૈને એમના માબાપ માટે અહી શિકાગોમાં આવું જ કરેલું, એમાંથી મને આવું કરવાની પ્રેરણા મળી.'

બીજું કારણ કે એમને સમણ શ્રુતપ્રજ્ઞજીના કોઈક પ્રવચનમાં સાંભળેલું કે પૈસા અહી જ મૂકીને મરવાનો શું અર્થ? તમારે ત્યાં કોઈ સપૂત પાકશે તો એ પોતે જ કમાઈ લેશે અને કપૂત પાકશે તો એ માટે મૂકી જશો તો એ ખોટા માર્ગે તમારા પૈસા બરબાદ કરશે, અને એના પાપના ભાગીદાર આપણે થઈશું. એવું ના થાય એના માટે પોતાના હાથે જ પોતે કમાયેલા પૈસા સદમાર્ગમાં વાપરવા યોગ્ય નિર્ણય છે. એમના સંતાનો બધા જ વ્યવસ્થિત રીતે સેટ થયેલ છે તો કોના માટે અને શા માટે મૂકીને જાઉં?

ત્રીજું કારણ કે કોઈને જોઈને મને પ્રેરણા મળી છે તો, મારા આ કાર્યક્રમને જોઈને અન્યને પ્રેરણા મળે તો આ ઉજ્જવળ ભારતીય પરંપરા જળવાઈ રહેશે. એ એટલા માટે કે અહી રહેતા સિનિયર ( નિવૃત્ત) લોકોને સરકાર કેટ કેટલું આપે છે, છતાં મોટી વયના લોકોને લોભ એમને કંઈ છોડવા દેતો નથી, મરતી ક્ષણ સુધી એ પોતે પણ વાપરી શકતા નથી. પરિણામે આ જન્મમાં પોતે પણ વાપરી શકતા નથી અને આવતા ભવ માટે પુણ્યથી વંચિત રહી ગતિ બગાડે છે. આ બધા કારણોને લઈને મા બાપને એક દીકરી પ્રેરણા આપે છે, એ તૈયાર થયા અને એમને પણ લાગ્યું કે વાત સાચી છે, અને આમ જ દરેક વડીલોએ, એમના સંતાનોના સહયોગથી કરવું જોઈએ.

આ કાર્યક્રમ આગામી ૨૮ અને ૨૯ ઓગષ્ટમાં શિકાગો અમેરિકામાં રાખવામાં આવેલ છે. જેમાં ૨૮ તારીખે ૬ થી ૮ ભોજન સમારંભ, ૮ થી ૧૧ સુધી ભકિત સંગીત તથા ૨૯ તારીખના બપોરે જૈન પૂજન, બોસ્ટનથી આવેલ એમના સુપુત્ર દ્વારા શકલાસ્ત્રવ અભિષેક કાર્યક્રમ, પદમાવતી પૂજન અતુલભાઈ શાહ દ્વારા, અને સાંજે ભોજન સમારંભ પછી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. વધારે માહિતી માટે માટે નિશા જાનીનો શિકાગોનો નંબર +૧(૮૪૭) ૭૯૧-૪૪૩૫ છે.

(3:36 pm IST)