એન. આર. આઈ. સમાચાર
News of Monday, 22nd January 2018

શિકાગોમાં ફેડરેશન ઓફ ઇન્‍ડીયન એશોશિએશન શિકાગો દ્વારા ભારતના ૬૯માં પ્રજાસતાક દિનની રંગેચંગે થનારી ઉજવણી : ઇટારલના સ્‍વામિનારાયણ મંદિરમાં જાન્‍યુઆરી માસની ૨૮મી તારીખને રવિવારે સવારે ૯ વાગ્‍યાથી બપોરે ૪ વાગ્‍યા સુધી આ પર્વની ઉજવણી કરવામાં આવશે : આ પર્વની ઉજવણી દરમ્‍યાન ભારતીય સમાજના રહીશોના હિતાર્થે વિના મુલ્‍ય મેડીકેલ કેમ્‍પ તેમજ મેડીકેર, મેડીકેડ, સોશીયલ સીકયુરીટી સર્વીસ તેમજ કોલેજ એજયુકેશન તેમજ બ્‍લડ ડોનેશનની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે : ભારતીય સમાજના લોકોને આ પર્વની ઉજવણી તથા વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લેવા આગ્રહ ભરી વિનંતી

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ(શિકાગો) : ચાલુ વર્ષે ફેડરેશન ઓફ ઇન્‍ડીયન એસોસીએશન શિકાગો દ્વારા ભારતના ૬૯મા પ્રજાસતાક દિનની રંગેચંગે ઉજવણી થનાર છે અને તે પ્રસંગે વિવિધ પ્રકારના ભારતીય સમાજના રહીશોને સ્‍પર્શતા અગત્‍યના પ્રોગ્રામો હાથ ધરાનાર છે અને તે ખરેખર આવકારને પાત્ર છે. આ અંગેની તમામ પ્રકારની પ્રવૃતિઓ ઇટારલના ટાઉનમાં આવેલ શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં જાન્‍યુઆરી માસની ૨૮મી તારીખને રવિવારે વહેલી સવારે નવ વાગ્‍યાથી બપોરના ચાર વાગ્‍યાના સમય દરમ્‍યાન યોજવામાં આવશે અને ભારતીય સમાજના તમામ રહીશો માટે યોજવામાં આવેલ પ્રવૃતિઓમાં તેઓ મોટા સમુદાયમાં હાજર રહી લાભ લેશે એવું આ સંસ્‍થાના સંચાલકો તથા સ્‍વયં સેવકો માની રહ્યા છે.

ભારતના પ્રજાસતાક દિનની ઉજવણી પ્રસંગે આ વેળા ફેડરેશન ઓફ ઇન્‍ડીયન એસોસીએશનના સંચાલકોએ એક અનોખી ભાત પાડેલ છે અને તેની માહિતી મેળવીને ભારતીય સમુદાયના તમામ લોકો એક પ્રકારનો અનેરો આનંદ પ્રાપ્‍ત કરી રહ્યા છે. આ અંગેની માહિતી આપતા આ સંસ્‍થાના સ્‍થાપક સુનીલ શાહ તથા હાલના પ્રમુખ નીલ ખોટ તેમજ ભૂતપૂર્વ પ્રમુખ મુકેશ શાહે અમારી એક મુલાકાતમાં જણાવ્‍યું હતું કે અમારી સંસ્‍થાએ હવેથી સમાજ ઉપયોગી કાર્યો કરવાનો નિર્ધાર કરેલ છે અને તેની શુભ શરૂઆત અમો ભારતના પ્રજાસતાક દિનથી શરૂ કરનાર છીએ. આ દિનની ઉજવણી અમો જાન્‍યુઆરી માસની ૨૮મી તારીખને રવિવારેના દિને કરનાર છીએ અને તેની શરૂઆત સવારે નવ વાગ્‍યાથી થશે.

અમારી સંસ્‍થા દ્વારા આ દિવસે જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે તે અંગે ભારતીય સમાજના લોકો વિના મુલ્‍યે તેનો લાભ પ્રાપ્‍ત થશે. જે પ્રવૃતિઓ હાથ ધરાનાર છે તેમાં મેડીકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં શિકાગોના નામાંકિત ડોકટરો ભારતીય સમાજના રહીશોને પોતાની શારિરીક તંદુરસ્‍તી અંગે માર્ગદર્શન આપશે અને તે અંગેની જરૂરી તપાસ પણ હાથ ધરશે. અમેરીકામાં મેડીકેર અને મેડીકેડ અંગેના ના ક્ષેત્રોમાં અવારનવાર અનેક પ્રકારના ફેરફારો થયેલા જોવા મળે છે અને તે અંગે પણ તમામ લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ભારતીય  સમાજના લોકોને મેડીકેર તથા મેડીકેડનો લાભ કયારે પ્રાપ્‍ત થઇ શકે તે અંગેની વિસ્‍તૃત માહિતી પણ આ વેળા આપવામા આવશે.

પ્રજાસતાક દિનની ઉજવણી પ્રસંગે બ્‍લડ ડોનેશનનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે અને સ્‍વૈચ્‍છીક રીતે જે લોકો પોતાનુ લોહી આપવા ઇચ્‍છતા હોય તેઓને આવકારવામાં આવશે. સામાજીક ક્ષેત્રે લોહીનું ડોનેશન કરવું એ ઉતમ કાર્ય છે તેથી ભારતીય સમાજના તમામ લોકોને આ કાર્યમાં જરૂરી સાથ અને સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ વેળા કેટલાક લોકોને પાસપોર્ટ સર્વીસ અંગે ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તથા  OCI , વીઝા  તેમજ અન્‍ય પ્રકારની સેવાઓ અંગે જરૂરી માહિતીઓના અભાવે પારાવાર મુશ્‍કેલીઓ અનુભવવી પડે છે માટે શિકાગોમાં આવેલા ભારતીય કોન્‍સ્‍યુલેટના અધીકારીઓ પણ આ પ્રસંગે જરૂરી સલાહ સુચનો આપવા માટે હાજર રહેશે તો તમામ લોકોને આ સેવાનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે.

ગયા વર્ષે કોંગ્રેસના સભ્‍યોએ એક નવીન પ્રકારનું ટેક્ષ બીલ પસાર કરેલ છે અને તેમાં અનેક પ્રકારના અવનવા ફેરફારો થયેલો છે જે અંગેની અગત્‍યની જરૂરી માહિતીઓ ટેક્ષના નિષ્‍ણાતો આપશે તેમજ ભારતીય સમાજના નવયુવાનો તેમજ યુવતિઓને પોતાના કોલેજના અભ્‍યાસ અગાઉ કેવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્‍ત કરવું જોઇએ તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે કે જેથી કોલેજના અભ્‍યાસ દરમ્‍યાન તેઓ સહેલાઇથી અભ્‍યાસ કરી શકે અને તે અંગેની ડીગ્રી  પ્રાપ્‍ત કરી સીકયોરીટી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવનાર છે. એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

આ સંસ્‍થાના પ્રમુખ નીલ ખોટે ભારતીય સમાજના તમામ લોકોને પ્રજાસતાક દિનની ઉજવણીમાં ભાગ લેવા આગ્રહ ભરી વિનંતી કરેલ છે. અને તમામ લોકોને હળવો નાસ્‍તો તેમજ ચા આપવામાં આવશે.

(11:11 pm IST)