Gujarati News

Gujarati News

News of Monday, 15th January 2018

શિકાગોમાં ૨૦૦ જેટલી ભિન્‍ન ભિન્‍ન સંસ્‍થાઓ સાથે ખોટા અને બનાવટી દસ્‍તાવેજો સાથે ૧૭૯ મિલીયન ડોલરની સિફતભરી રીતે છેતરપિંડી કરવાના આરોપસર ફલોરીડાના રહીશ ૩૩ વર્ષના નવયુવાન નિકેશ પટેલ અમેરિકા છોડી ઇક્‍વાડોર ભાગી જવાની પેરવીમાં હોવાનું સત્તાવાળાઓના ધ્‍યાનમાં આવતા ગયા વિકએન્‍ડમાં તેની ધરપકડ કરવામાં આવીઃ આરોપી પટેલનો આ પહેલો ગુનો ન હતો, પરંતુ અગાઉ નશો કરેલી હાલતમાં ફલોરીડાના પનામા સિટીમાં સસ્‍પેન્‍ડેડ લાયસન્‍સ દ્વારા કાર ચલાવતા સત્તાવાળાઓના હાથે પણ ઝડપાઇ જવા પામ્‍યો હતોઃ આરોપી નિકેશ પટેલે છેતરપિંડીના ગુનાઓનો કરેલો એકરાર

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : અમેરિકાના શિકાગો શહેરમાં રીયલ એસ્‍ટેટ ક્ષેત્રે ૧૭૯ મિલીયન ડોલર જેટલી રકમની ભયંકર છેતરપિંડી કરવાના આરોપસર ફલોરીડાના ૩૩ વર્ષના નવયુવાન નિકેશ પટેલ નામદાર ન્‍યાયાધીશે તેને તક્‍સીરવાન ઠેરવ્‍યો હતો અને તેને સજાની સુનાવણી થનાર હતી તે દરમ્‍યાન આ આરોપી નિકેશ પટેલ વિકએન્‍ડમાં ફલોરીડાથી ઇક્‍વાડોર જનાર ખાનગી જેટમાં બેસવાની તૈયારી કરતો હોવાનું સત્તાવાળાઓના ધ્‍યાનમાં આવતા તેમણે તેની ધરપકડ કરતા ફલોરીડા રાજ્‍યમાં આવેલા ભારતીય સમાજના રહીશોમાં અત્‍યંત પ્રમાણમાં ખળભળાટની લાગણીઓ પ્રસરી જવા પામેલ છે અને ચોરે ને ચૌટે પટેલના આ પરાક્રમની ચર્ચાઓ ચાલી રહેલ છે.

આ અંગેની વિગતોમાં જાણવા મળેલ છે તે મુજબ આરોપી નિકેશ પટેલને શિકાગોની યુએસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ ચાર્લ્‍સ કોકોરઅ મંગળવારે સજાની જાહેરાત કરનાર હતાં. પરંતુ વિકએન્‍ડમાં ચાર્ટર ફલાઇટ દ્વારા તે પોતાના સાથી સાથે ઇક્‍વાડોર ભાગી જનાર હતો. કારણ કે તેણે ત્‍યાં આગવી રાજકીય આશ્રય મેળવ્‍યો હતો. પરંતુ સત્તાવાળાઓને હાથે ઝડપાઇ જતા તેને ઓરલેન્‍ડોની જેલમાં લઇ જવામાં આવ્‍યો હતો.

આરોપી નિકેશ પટેલે બનાવટી દસ્‍તાવેજો તૈયાર કરી મીલવોકી તેમજ શિકાગોના પરા વિસ્‍તારમાં આવેલ અનેક સરકારી સંસ્‍થાઓ સાથે બનાવટી દસ્‍તાવેજો દ્વારા મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હતી અને તે દ્વારા મેળવેલ નાણામાંથી પોતે મોટલો ખરીદ કરતો હતો અને સાથે સાથે પોતાની વૈભવી લાઇફસ્‍ટાઇલમાં પૈસા ઉડાડતો હોવાનું બહાર આવેલ છે. તેના પર જે પાંચ પ્રકારના આરોપો મુકવામાં આવ્‍યા તેમાં ૨૦૧૬ની સાલમાં તેણે પોતાના કબુલાતનામામાં તમામ આરોપોનો સ્‍વીકાર કર્યો હતો.

આરોપી પટેલને પોતાનો પાસપોર્ટ સત્તાવાળાઓ સમક્ષ રજુ કરવાનો હતો અને તે કર્યા બાદ પોતાના એક મિત્રની મદદથી તેણે નવો બીજો પાસપોર્ટ ભારતથી મેળવ્‍યો હોવાનું બહાર આવેલ છે. પટેલ ફલોરીડામાં આવેલ ફર્સ્‍ટ ફાર્મર્સ ફાયનાસીયલ ફર્મમાં સીઇઓ હતો અને તેણે અનેક સંસ્‍થાઓ સાથે ૧૭૯ મિલીયન ડોલર જેટલી રકમની છેતરપિંડી કરી હતી.

એક અંદાજ અનુસાર શિકાગો અને તેની આજુબાજુના વિસ્‍તારોમાં આવેલી ૨૦૦ જેટલી મ્‍યુનિસિપાલીટીઓ તેમજ સ્‍કૂલ ડિસ્‍ટ્રીક્‍ટ સાથે અનેક પ્રકારની રીત રસમો દ્વારા છેતરપિંડી કરી હતી.

નિકેશ પટેલનો છેતરપિંડી અંગેનો પહેલ વહેલો ગુનો ન હતો, પરંતુ ફલોરીડા રાજ્‍યના પનામા શહેરમાં એપ્રિલ માસમાં તેણે નશો કરેલી હાલતમાં સસ્‍પેન્‍ડેડ લાયસન્‍સ દ્વારા કાર ચલાવતા સત્તાવાળાઓના હાથે તે ઝડપાઇ ગયો હતો અને તે સત્તાવાળાઓના સુપરવિઝન હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

(9:16 pm IST)