Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કિડનીને સ્‍વસ્‍થ રાખવી સહેલીઃ ડો. પ્રદીપ કણસાગરા

તેલ-મીઠું-ખાંડ ઓછા કરો, વ્‍યાયામ-શ્રમ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરો... : કિડનીની સારવારમાં ગુજરાતના : તબીબો વિશ્‍વભરમાં અવ્‍વલ : બી. ટી. સવાણી હોસ્‍પિટલમાં કીડની આકારનું ટ્‍વીન બિલ્‍ડિંગ નિર્માણ થશે : અમેરિકામાં તબીબો ૮૦ ટકા કામ પ્રિવેન્‍શન પર કરે છે, ર૦ ટકા સારવારમાં ધ્‍યાન આપે છેઃ ભારતમાં ર૦ ટકા પણ પ્રિવેન્‍શન કાર્ય થતું નથી, સારવાર ૮૦ ટકાથી વધારેઃ સેવાભાવી તબીબ ડો. કણસાગરાની ટીમે આરોગ્‍ય-કારકિર્દી જાગૃતિ માટે જોય એકેડમી પ્રારંભ કરી : ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો. પ્રદીપ કણસાગરા નજરે પડે છે.(તસ્‍વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: કિડનીના રોગો વધી રહ્યા છે. અત્‍યાધુનિક સારવાર પધ્‍ધતિ ઉપલબ્‍ધ છે, પરંતુ શ્રેષ્‍ઠ સ્‍થિતિ એ ગણાય કે રોગ જ ન થાય.

આ શબ્‍દો સેવાભાવી ડો. પ્રદીપ કણસાગરાના છે. આરોગ્‍ય ક્ષેત્રે પ્રેરક વ્‍યકિતત્‍વ ધરાવતા ડો. કણસાગરા ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ જણાવ્‍યું હતું કે, કિડનીને સ્‍વસ્‍થ રાખવી સહેલું કાર્ય છે. જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાથી કિડની તંદુરસ્‍ત રહી શકે છે. આ માટે બે મુખ્‍ય કાર્યો છે, પ્રથમ ખોરાક પ્રત્‍યે જાગૃત રહો અને દ્વિતીય વ્‍યાયામ-શ્રમને થોડું મહત્‍વ આપો. આપણા આદર્શ ગ્રંથ ગીતાજીમાં પણ કયારે-કેટલું અને કેવું ભોજન ગ્રહણ કરવું તેનો ઉલ્લેખ છે. ગુજરાતીઓ ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં ખોરાકમાંથી તેલ-મીઠું અને ખાંડ ઓછા કરવા જરૂરી છે. ખોરાક પણ પૌષ્‍ટિક અને પાચ્‍ય હોવો જોઇએ. ઉપરાંત યોગ્‍ય માત્રામાં પાણી-પ્રવાહી લેવા જરૂરી છે. આ સાથે વ્‍યાયામ-શ્રમને પણ રોજબરોજના જીવનમાં સ્‍થાન આપો. લીફટનો ઉપયોગ ઓછો કરો, સાઇકિલંગ કે ચાલવાનું રાખો...

ડો. કણસાગરાએ આગળ કહ્યું હતું કે, ડાયાબિટીસ, હાઇપર ટેન્‍શન અને ઓબેસિટી આ ત્રણ કિડની સહિતના ગંભીર રોગોના કારણો છે. જીવન શૈલીમાં થોડા ફેરફારો કરવાથી આવી ગંભીર આરોગ્‍ય સમસ્‍યાને આવતી અટકાવી શકાય છે અને તેને દૂર પણ કરી શકાય છે.

ડો. પ્રદીપભાઇએ કહ્યું હતું કે, અમેરિકામાં ૮૦ ટકા કાર્ય પ્રિવેન્‍શન એટલે કે રોગ થતો અટકાવવાનું કાર્ય કરે છે અને ર૦ ટકા સારવારનું કાર્ય કરે છે. આ ક્રમ ભારતમાં વીપરિત છે. અહીં તબીબો ૮૦ ટકાથી વધારે કાર્ય સારવારનું કરે છે અને પ્રિવેન્‍શનનું કાર્ય ર૦ ટકા પણ થતું નથી.

જોકે ડો. કણસાગરાએ કહ્યું હતું કે, કિડનીની સારવારમાં આરોગ્‍ય વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી છે, તેમાં પણ ગુજરાતના યુરોલોજિસ્‍ટે વિશ્‍વ આખાને પ્રભાવિત કર્યું છે. યુરોલોજી ક્ષેત્રે ગુજરાત નંબર વન ગણાય છે અહીંના તબીબોએ ખૂબ પતલુ-નાજુક-નેરો દુરબીન બનાવ્‍યું છે, જેના દ્વારા કિડનીનું ઓપરેશન થઇ જાય છે. આ પ્રક્રિયામાં જમા પણ લોહી નીકળતું નથી. વિશ્‍વભરનાં તબીબો અને છાત્રો અહીં અભ્‍યાસ કરવા આવે છે.

જો કે કિડનીની સમસ્‍યા વધી રહી છે એ ગંભીર સ્‍થિતિ છે. રાજકોટમાં બી. ટી. સવાણી હોસ્‍પિટલ પ્રારંભ થઇ ત્‍યારે ૪ ડાયાલીસીસ મશીન હતા, આજે આ હોસ્‍પિટલમાં ૪૮ મશીન્‍સ સતત ધમધમે છે, રાજકોટમાં અન્‍યત્ર ડાયાલીસીસ થાય છે એ અલગ. આ ગ્રાફ દેખાડે છે કે, કિડનીની સમસ્‍યા ગંભીરરૂપે વધી રહી છે. લોકોએ આ દિશામાં જાગૃત થવું અનિવાર્ય છે.

જાગૃતિનું વિશ્‍વસ્‍તરે મહાઅભિયાન છેડવા જોય એકેડમીની સ્‍થાપના થઇ છે આ અંગેની પ્રેરક વાત કરતા ડો. પ્રદીપ કણસાગરાએ જણાવ્‍યું હતું કે, મારા ૭૦માં જન્‍મ દિનને ધામધુમથી ઉજવવા સ્‍વજનો અને નજીકના મિત્રોએ આયોજન કર્યું હતું. મેં ઉજવણીની મનાઇ કરીને તેનો ખર્ચ અટકાવીને લોકો આરોગ્‍ય પ્રત્‍યે જાગૃત બને તે દિશામાં વર્ક કરવા જણાવ્‍યું હતું. પરિણામે જોય અુેકેડમીની સ્‍થાપના થઇ...આ એકેડમીના માધ્‍યમથી આરોગ્‍ય જાગૃતિ અને નવી પેઢીને કારકિર્દીલક્ષી માર્ગદર્શનનું કાર્ય થાય છે. વિવિધ ક્ષેત્રના નિષ્‍ણાતો આ એકેડમીના માધ્‍યમથી ઓનલાઇન પ્રવચનો આપે છે, જેમાં લોકો નિઃશુલ્‍ક જોડાઇ શકે છે. ડો. કમલ પરીખ, ડો. જિતેન્‍દ્ર અઢિયા, ડો. કિરણ પટેલ જેવા અનેક નિષ્‍ણાતો વિવિધ વિષયો પર માહિતી-જ્ઞાન પીરસે છે. આ એકેડમીમાં રસ ધરાવનારામાં નિઃશુલ્‍ક જોડાઇ શકે છે.

બી. ટી. સવાણી કિડની હોસ્‍પિટલ અંગે ડો. કણસાગરાએ જણાવ્‍યું હતું કે, આ હોસ્‍પિટલના શ્રી જયંતિભાઇ ફળદુની કલ્‍પના પ્રમાણે કિડની આકારનું ટ્‍વીન બિલ્‍ડિંગ નિર્માણ થઇ રહ્યું છે. આ બિલ્‍ડિંગમાં રિસર્ચ અને પ્રિવેન્‍શન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ ધમધમશે.

ડો. કણસાગરા હાલ રાજકોટ-સૌરાષ્‍ટ્રના પ્રવાસે છે, તેમનો સંપર્ક મો. ૯૮રપપ ૮ર૮૩૮ પર થઇ શકે છે.

સેવા માટે પ્રેકટીસ બંધ કરી

રાજકોટ તા. ૧૯ : બીજી ફેબ્રુઆરી ર૦૦૩ ના રોજ રાજકોટમાં સૌરાષ્‍ટ્રની પ્રથમ સેવાકીય બી.ટી.સવાણી કિડની હોસ્‍પિટલનું બિલ્‍ડીંગ નિર્માણ પામ્‍યું. સ્‍વામી સચ્‍ચિદાનંદ મહારાજે લોકાર્પણ કર્યુ  તેમણે કહ્યું કે અમારા જેવા ભગવાધારીઓના દર્શન ખૂબ કર્યા ડો. પ્રદીપ કણસાગરના દર્શન કરો. ભૂમિ પૂજન વખતે ડોકટર ગુરૂ અજીત ફડકેએ ડો. કણસાગરાને ટકોર કરી કે જો પોતાની પ્રેકિટસ ચાલુ રાખશો તો આ હોસ્‍પિટલને કેવી રીતે ન્‍યાય આપી શકશો?

એજ દિવસે સમગ્ર સૌરાષ્‍ટ્રના દર્દીઓને લાભ આપતા અને ધીખતી પ્રેકિટસ ધરાવતા યુરોલોજીસ્‍ટ પ્રદીપ કણસાગરાએ જાહેરમાં પ્રતિજ્ઞા કરી (અને સ્‍વામીજીને તો લેખિતમાં આપ્‍યું) કે હું આજથી  જ મારી ખાનગી પ્રૈકિટસ બંધ કરવાનો નિર્ણય કરૂં છું ગુજરાતમાં અનેક ડોકટરોએ સમાજસેવા કરી છે, પરંતુ કોઇ ડોકટરે ધીખતી પ્રેકિટસ છોડી તેવો આ પહેલાો બનાવ હતો.

 

સંકલ્‍પ સિધ્‍ધ કર્યો

રાજકોટ તા. ૧૯ : ડોકટર પ્રદીપ કણસાગરાને પ્રાથમિક તેમજ એમબીબીએસના અભ્‍યાસ દરમિયાન બે-બે વખત પથરીની બીમારી થઇ એ વખતે જ તેમણે કિડનીના ડોકટર બનવાનો સંકલ્‍પ કર્યો જયારે દરદી પોતેજ ડોકટર બને છે ત્‍યારે તેના પરિણામો વિક્રમો સર્જનારા હોય છે. એમબીબીએસ થતા જ સંકલ્‍પ સરકાર કરવા તેઓ અમદાવાદની સીવીલ હોસ્‍પીટલના યુરોલોજી વિભાગમાં દાખલ થયા એ પછી મુંબઇના વિખ્‍યાત ડો. અજીત ફડકેના માર્ગદર્શન હેઠળ મુંબઇ સ્‍થિત જસલોક હોસ્‍પિટલ અને બોમ્‍બે હોસ્‍પિટલમાં યુરોલોજીનો અનુભવ મેળવ્‍યો તેઓ સૌરાષ્‍ટ્રના પ્રથમ તાલીમ યુરોલોજીસ્‍ટ બન્‍યા. અમદાવાદ અને નડિયાદમાં સારી ઓફર હતી. છતાં તેમણે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના દર્દીઓને નજર સામે રાખીને ઓગસ્‍ટ, ૧૯૭૯ માં યુરોલોજી સેન્‍ટર શરૂ કર્યુ. તે સૌરાષ્‍ટ્રની પ્રથમ ખાનગી યુરોલોજી હોસ્‍પિટલ હતી. તબીબ પ્રદીપ કણસાગરાએ સૌરાષ્‍ટ્રને યુરોલોજીની  ઓળખ કરાવી હતી.

(9:01 pm IST)