Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

‘‘ઝાંઝીબારની સ્‍ટોન ટાઉન હેરીટેજ માર્કેટ'' : ૧૩ કિ.મી. માં ફેલાયેલો વિશ્વનો સૌથી મોટો મોલ : હાથી દાંતના ઘરેણાં, સિસમના ફર્નીચર, કાંદા બટાટા, ફ્રીજ, ટીવી, પુરાણ કાળના સિકકા સહિત માંગો તે ચીજ વસ્‍તુ ઉપલબ્‍ધ

ઝાંઝીબાર : અડી કડી ને નવઘણ કૂવો, જે ન જુએ તે જીવતો મુઓ, આ કહેવત ઝાંઝીબાર આવતા મહેમાનો માટે આપણે કહી શકિયે હેરિટેજ અથવા સ્ટોન ટાઉન માર્કેટ ન જોઈ તો કાંઈ ન જોયું. ૧૩ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી આ બજાર વિશ્વનો સૌથી મોટો મોલ કહી શકાય. માત્ર 4થી પાંચ ફૂટ પહોળી અને સાવ સાંકડી વાંકી ચૂંકી ગલીઓવળી આ હેરિટેજ માર્કેટમાં ટુ વહીલર અને હેન્ડ કાર્ટ સિવાયના વાહનોને પ્રવેશવાની મનાઈ છે.  સવારે 7.30 વાગ્યે શરૂ થતી મુખ્ય બજાર 4 વાગ્યે બંધ થઈ જાય પછી ફરી સાંજે પાંચ વાગ્યે મુંબઈની ચોર બજાર જેવી રાત્રી બજાર શરૂ થાય. સવારની બજાર વિદેશી પ્રવાસીઓથી ભરપુર હોય જ્યારે રાત્રી બજારમાં મોટે ભાગે સ્થાનિક હોટેલવાળા અને દુરસુદુરના ગામડાના ગરીબ લોકો આવશ્યક ચીજો સસ્તા ભાવે ખરીદવા આવતા હોય છે.

તમને હાથી દાંતના ઘરેણા, સિસમના ફર્નિચર અને કાંદા બટાટા, ફ્રીજ ટીવીથી લગાવી આખી દુનિયાના પુરાણ કાળના સિક્કા, કેનવાસ પર હેન્ડ પેઈન્ટીંગ, તાળા ચાવી તમે માંગો એ ચીજ વસ્તુ અહી મળી જાય.  મને તો રસ પડી ગયો અહીંની ફ્રુટ, વેજીટેબલ અને અનાજ બજારમાં. કોઈ પણ ચીજ વસ્તુ ઓર્ગેનિક જ મળે. લાલમ લાલ ઓર્ગેનિક ટમેટા 1000 સિલિંગ, માણસના માથા જવડી કોબી 1000 સિલિંગ (વજન નહિ કરવાનો) તમે બાલ દાઢી કરવો 1500 સિલિંગ, રૂપિયા થયા 45. લવિંગ, કાળામરી, તજ, જાયફળ, એલચી, આદુ, હળદર બધુજ ઓર્ગેનિક અને ગુણવત્તાથી સમૃદ્ધ અહીની પ્રજા જેવું નિર્દોષ.

સિસમની ઓલ્ડ મેન સ્ટિક (બુઢ્ઢાઓની લાકડી) 22,000 સિલિંગ (રૂ.650). કેનવાસ પરનું મોટી સાઈઝનું કેનવાસ પરનું હેન્ડ પેઇન્ટિંગ 70,000 સિલિંગ અમે કીધા 30,000 સિલિંગ. આર્ટિસ્ટ કહે વાજબી બોલો, અમને થયું વધુ કહી દીધી, ટૂરિસ્ટોને અહીંના દુકાનદારો ભગવાન ગણે.  પેઇન્ટિંગ બનાવતા આર્ટિસ્ટ જ ભાવતાલ કરે દુકાનદાર નહિ. અમે ભાવ કર્યા તો ઈસ્વાહીલ ભાષામાં કહે, બસ તમે મારું પેઇન્ટિંગ તમારા દેશમાં લઇ જાવ, તમે મારા દેશની પ્રતિભા ઇન્ડિયામાં લાઇ જઇ તમારા કુટુંબને ખુશ કરો, એજ મારા પેઇન્ટિંગનું મૂલ્ય.

અમને થયું આ દેશમાં રહી પડીએ, વિદેશીને પ્રેમ કરતી આ મુસ્લિમ પ્રજા હવે સમજવા લાગી છે કે  માનવી જ આ વસુંધરાને જીવવા જેવી બનાવી શકે. હેરિટેજ કે સ્ટોન ટાઉન બજારમાં ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓનો દબદબો, ચાલાક ખરા ને, તમામ ભારતીય ગુજરાતીઓ સ્થાનિક પ્રજા કરતા વધુ સુખી અને સમૃદ્ધ. આ બજારની બાંધણી અને મકાનો ભારતીય રાજાશાહીના વાસ્તુકલા શૈલીનાં નમુના જેવી છે.

બે ત્રણ સૈકા કરતા વધુ પહેલાં સ્થાનિક પ્રજાએ ઝાંઝીબારનો દરિયો પુરીને (રેકલેમેશન) અહીં આરબોએ ઘોડાની બજાર સ્થાપિત કરી હતી. એ સાથે જ અરબી ઘોડાના શોખીન ભારતીય રાજાઓ અહી આવવા લાગ્યા. આવશ્યકતા જોઇને ઝાંઝીબારના આરબોએ મુંબઈના ગ્રાન્ટ રોડ ખાતે પણ ઘોડા બજાર સ્થાપી જેને આજે આપણે આરબ ગલીથી ઓળખીએ છીએ.

મારા યજમાન નસીમ ઝુઝર મીઠાઈવાલાની ચોથી પેઢીએ નજમુદ્દીન યુસુફઅલી ખંભાતથી ઝાંઝીબાર મજૂરી કરવા સ્થળાંરીત થયા, ઘોડાના તબેલામાં રહેવાનું શરૂ કર્યું. સમય જતા ઘોડાના તબેલા બંધ કરાવી સરકારે વ્યવસ્થિત બજાર સ્થાપિત કરી. આજે તેમની પેઢી સૌથી જૂની અને ત્રણ દુકાનો સાથેના હેરિટેજ મકાનવાળા સંયુક્ત કુટુંબવાળા ઘરમાં રહે છે. અન્ય એક આરબ મુસ્લિમ ફેરિયો, જેની પાસે બે સૈકા પહેલા અહીં કેવી સ્થિતિ હતી તેના ફોટા દાખવી કહે છે કે મારા વડવાઓ અહીં વેપાર શરૂ કર્યો હતો, પણ સમયાંતરે અમારી પેઢી ઘસાઈ ગઇ. આજે હું બુટ ચપ્પલ વેંચતા વેંચતા, મારી દુકાને વિદેશીઓને આકર્ષવા, આ ફોટાનો ઉપયોગ વેપાર વિકાસમાં કરું છું.

૧૯૦૪મા ભારતીય પારસી બોમનજી માણેક્જીએ ઝાંઝીબારના રાજા સુલતાન અલી બીન હમીદનાં કહેવાથી આ બજારનું નવઘડતર કર્યું હતું. આમ તો આ બજાર ૩૫૦ વર્ષ કરતા પણ જૂની છે. ૧૭૦૯ મકાનોવાળી આ બજારનાં હોટલો સિવાયના મહત્તમ મકાનો જર્જરિત થઇ ગયા છે. યુનેસ્કોએ ૨૦૦૦માં સ્ટોન ટાઉન માર્કેટને હેરીટેજ પ્રમાણિત કરતા હવે અહી નવા બાંધકામ કે સમારકામના કડક નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. (રૂ. ૧= ૩૫ ટાન્ઝાનિયન શિલિંગ).

આ આર્ટીકલના લેખક www.commoditydna.com ના એડિટર શ્રી ઇબ્રાહીમ પટેલ છે.

(10:00 pm IST)