Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

અમેરીકાન સરકારનું ફેડરલ વહીવટી તંત્ર ગયા શુક્રવારની મધ્‍યરાત્રીથી સરકારી ખર્ચાની અનુમતિના અભાવે કાર્ય કરતુ ઠપ થઇ જવા પામેલ છેઃ સોમવારે આ સમગ્ર પ્રશ્નના ઉકેલ માટે મતદાન કરવામાં આવશે અને સેનેટમાં તેનું શું પરિણામ આવે છે તેના પર તમામ પ્રકારનો આધાર રહેલો છેઃ બંન્‍ને પાર્ટીના મધ્‍યવિચારસરણી ધરાવતા સેનેટરો આ પ્રશ્નનો ઉકેલ લાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છેઃ પરંતુ શંકા કુશંકાના વાદળો એક બીજા સાથે ટકરાઇ રહ્યા છેઃ આ સળગતા પ્રશ્નનો જલ્‍દી પ્રમાણમાં ઉકેલ આવે તેમ પ્રજા ઇચ્‍છી રહી છે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) અમેરીકન સરકારના ખર્ચાના બીલ તેમજ ઇમીગ્રેશન અને અન્‍ય પ્રશ્નો અંગે રીપબ્‍લીકન પાર્ટી તેમજ ડેમોક્રેટીક પાર્ટીના કોંગ્રેસના સભ્‍યો વચ્‍ચે એકમતી પ્રાપ્ત ન થતા ગયા શુક્રવારની મધ્‍યરાત્રીથી અમેરીકન સરકારનું સમગ્ર તંત્ર લગભગ કાર્ય કરતું બંધ થઇ ગયેલ છે અને આ હેવાલ લખાઇ રહ્યો છે તે વેળાએ આ શટડાઉન ત્રીજા દિવસમાં પ્રવેશ કરી રહ્યો છે બન્‍ને પાર્ટીના સેનેટના નેતાઓ આ સમગ્ર પ્રશ્નની ગુંચ ઉકેલવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે પરંતુ આ સમગ્ર પ્રશ્ન અંગે તેઓ એકમતિ સાધી શકયા નથી. ડેમોક્રેટીક પાર્ટીના સેનેટના લઘુમતિ નેતા ચક શ્‍યુમરે આ અંગે જણાવ્‍યુ છે કે બંન્‍ને પાર્ટીના મધ્‍યમ વિચારસરણી ધરાવતા સેનેટના નેતાઓ ઇમીગ્રેશન તથા સરકારી ખર્ચાઓ અંગે સતત પ્રમાણમાં ચર્ચાઓ કરી રહ્યા છે પરંતુ તેમાં તેઓ સફળતા મેળવી શકયા નથી એ અત્‍યંત દુઃખદ બીના છે એવુ શ્‍યુમરે રાત્રે જણાવ્‍યુ હતુ. આ સમગ્ર પ્રશ્ન અંગે સોમવારે મધ્‍યાન્‍હે મતદાન હાથ ધરવામાં આવનાર છે પરંતુ આ સમય દરમ્‍યાન અમો આ સમગ્ર પ્રશ્ને મંત્રણારનો ચાલુ રાખીશુ એવુ તેમણે વધારામાં જણાવ્‍યુ હતુ.

કેન્‍દ્ર સરકારનું તંત્ર ખર્ચાની મંજુરીના અભાવે હાલમાં ઠપ થઇ ગયેલ છે અને શનીવાર તથા રવીવાર રજાનો દિવસ હોવાથી તેની જાજી અસર હાલમાં દેખાઇ નથી પરંતુ સોમવારથી રાબેતા મુજબની કાર્યવાહી શરૂ થતા તેની અસર દેખાવા માંડશે અને તેનો ભોગ સરકારી કર્મચારીઓ બનશે. આ કેન્‍દ્ર સરકારના હજારોની સંખ્‍યામાં કર્મચારીઓ ઘરેજ રહેશે તેમજ કેન્‍દ્રની અગત્‍યની એજન્‍સીઓના કર્મચારીઓને તેની અસર થશે. પાસપોર્ટ અને વીઝાની અરજીઓનો નિકાલ કરી શકાશે નહી અને તેની સાથે સાથે ઇન્‍ટરનલ રેવન્‍યુ સર્વીસને પણ સારા એવા પ્રમાણમાં આ શટડાઉનની અસર થશે અને ટેક્ષ અંગેની તમામ કાર્યવાહી ઓ ધીમી પડવા સંભવે છે.

સેનેટના મધ્‍યમ વિચારસહણી ધરાવતા ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ આ સમગ્ર પ્રશ્નનો જરૂરી ઉકેલ આવે તે માટે જરૂરી પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હાઉસના નેતાઓ તથા વાઇટ હાઉસના સત્તાવાળાઓ તરફથી આ સમગ્ર પ્રશ્ન અંગે કોઇપણ પ્રકારનો હરફન ઉચ્‍ચારાતા તમામ જગ્‍યાએ શંકાના વાદળો ઘેરાયેલા જોવા મળે છે આ અંગેનો અંતિમ નિર્ણય તો રીપબ્‍લીકન પાર્ટીના સેનેટના બહુમતિ નેતા મેકોનલ અને લઘુમતિ પક્ષના નેતા ચક શ્‍યુમર મળીને લેશે એવુ હાલના વાતાવરણ પરથી માલમ પડે છે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આ અગાઉ સેનેટના સભ્‍યોને જે હાલમાં નિયમો છે તેને બદલીને સાદી બહુમતીથી બીલ પસાર કરવા અનુરોધ કર્યો હતો પરંતુ સેનેટના નેતા મીચ મેકોનલે આમ કરવાની સ્‍પષ્‍ટના પાડી હતી. સેનેટમાં જો કોઇ પણ બીલ પસાર કરવુ હોયતો ૬૦ મતો આવશ્‍યક છે રીપબ્‍લીકન પાર્ટીના સેનેટમાં ૫૧ જેટલા સભ્‍યો છે અને તેમણે ડેમોક્રેટીક પાર્ટીના નવ સભ્‍યોનો ટેકો મેળવવો આવશ્‍યક બને છે આવી વિષમભરી પરિસ્‍થિતિનો બંન્‍ને પાર્ટીના સભ્‍યો આ સળગતા પ્રશ્નનો અંત લાવે અને કેન્‍દ્ર સરકાર કાર્ય કરતી થઇ જાય એમ સમગ્ર પ્રજા ઇચ્‍છી રહી છે આ સમગ્ર પ્રશ્ન અંગે સોમવારે કેવા પ્રકારનું વાતાવરણ સર્જાય તે તરફ સૌનુ ધ્‍યાન કેન્‍દ્રિત થયેલુ જોવા મળે છે આ અંગેના તમામ સમાચારો અમારા વાંચક વર્ગ માટે અમો અગેથી પ્રગટ કરતા રહીશુ તેની સૌ નોંધ લે.  

(11:03 pm IST)