Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સભ્‍યોએ પ્રજાસતાક દિન તથા મકરસક્રાંતિ પર્વની કરેલી શાનદાર ઉજવણી : સીનીયર મેમ્‍બરોની બર્થ ડેની કરેલી ઉજવણી : તેમજ મકરસક્રાંતિ પર્વની પણ સાથે સાથે કરેલી ઉજવણી : જુન માસની રજી તારીખે સીનીયર સંસ્‍થાના દશાબ્‍દી મહોત્‍સવની થનારી ઉજવણી

 (સુરેશ શાહ દ્વારા)  બાર્ટલેટ, શિકાગો : ડેસપ્‍લેઇન્‍સ વિસ્‍તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી સીનીયરોના હિતાર્થે યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગો નામની સંસ્‍થા કાર્યવંત છે. અને તેની માસિક સભા જાન્‍યુઆરી માસની ૧૪મી તારીખને રવિવારે ૧૦ વાગે વીલીંગ ટાઉનમાં આવેલ સ્‍વામિનારાયણ મંદિરના વિશાળ હોલમાં યોજવામાં આવી હતી અને તેમાં આ સંસ્‍થાના ૨૫૦ જેટલા ભાઇ બહેનો એ હાજરી આપી હતી.

માસિક મીટીંગની શરૂઆતમાં સંસ્‍થાના વડીલ ચીમનભાઇ સોની તેમજ નવયુવાન કાર્યકર કનુભાઇ પટેલના વરદ હસ્‍તે દિપ પ્રાગટયની વિધી કરવામાં આવી હતી અને તે વખતે શિકાગોના પ્રિસ્‍ટ રોહિતભાઇ જોશીએ વૈદિક મંત્રો દ્વારા તેની વિધિ સંપન્‍ન કરી હતી.

આ સંસ્‍થા ખજાનચી હસમુખભાઇ સોનીએ આ પ્રસંગે પોતાના સ્‍વાગત પ્રવચનમાં સંસ્‍થા દ્વારા સીનીયરોના હિતાર્થે જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે તેની આછેરી રૂપરેખા આપી હતી. તેમણે આ વેળા પોતાના પ્રવચનમાં જે સભ્‍યો નવા વર્ષમાં હજુ સભ્‍ય બન્‍યા નથી તેઓને સભ્‍ય બની જવા આગ્રહભરી હાકલ કરી હતી તેમજ આજ સુધી સૌ સભ્‍યો જે પ્રમાણે તમામ પ્રવૃતિઓમાં સાથ અને સહકાર આપતા આવ્‍યા છે તે મુજબ આ વર્ષે પણ જરૂરી સહકાર આપવા અનુરોધ કર્યો  હતો. તેમણે પોતાના પ્રવચનના અંતમાં જણાવ્‍યું હતું કે આ વર્ષે આપણી સંસ્‍થા પોતાના દશ વર્ષ પૂર્ણ કરતી હોવાથી આગામી જુન માસની રજી તારીખે આપણી સંસ્‍થાનો દશાબ્‍દી મહોત્‍સવની ઉજવણી કરીશું અને તેની ભવ્‍ય રીતે ઉજવણી થાય તે માટે બેન્‍સનવીલે ટાઉનમાં આવેલ માનવસેવા મંદિરમાં જરૂરી આયોજન કરવામાં આવનાર છે અને તેનું સંપૂર્ણ માર્ગદર્શન શિકાગોના જાણીતા બીઝનેસ મેનો મફતભાઇ પટેલ તેમજ છોટાલાલ પટેલ તથા શિકાગોના સમાજ સેવક અને ભારતના વડાપ્રધાન સાથે અંગત સબંધો ધરાવતા ભરતભાઇ બારાઇ આપશે એવી કરવામાં આવેલી જાહેરાતને તમામ સભ્‍યોએ તાળીઓથી વધાવી લીધી  હતી.

આ વેળા જાન્‍યુઆરી માસમાં જે સભ્‍યોની બર્થ ડે આવતી હશે તેની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ભારતના ૬૯માં પ્રજાસતાક દિનની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રદુમન પાઠક તથા રોહિતભાઇ જોશીએ આ દિનનું મહત્‍વ સમજાવ્‍યું હતું તેમજ હેમાબેન રાણાએ મકરસક્રાંતિનું પર્વ શા માટે ઉજવવામાં આવે છે તેની વિસ્‍તૃત માહિતી આપવમાં આવી હતી તેમજ ગુણવંતભાઇ સોની તથા રમાબેન સોની અને રંજનબેન દવેએ દેશભકિતના સુંદર ગીતો રજુ કર્યા હતા. આ વેળા આ સંસ્‍થાના અગ્રણી ભદ્રાબેન શાહે મકરસક્રાંતિના પર્વ નિમિતે પંતંગોની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની માહિતી આપી હતી.

આ વર્ષે મધ્‍યવર્તી ચુંટણીનો માહોલ હોવાથી ઇલીનોઇ રાજયની દસમી ડીસ્‍ટ્રીકટના ભારતીય ઉમેદવાર તરીકે રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર સમત શાહ પણ આ પ્રસંગે હાજર રહયા હતા અને તેમણે હાઉસના પ્રતિનિધિ તરીકે શા માટે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી તે અંગેની વિસ્‍તૃત માહિતી તેમણે આપી હતી અને માર્ચ માસમાં યોજાનાર ચુંટણીમાં પોતાને મત આપવા સૌ સીનીયરોને અનુરોધ કર્યો હતો. આ વેળા રીયાલ્‍ટર રીટાબેન શાહ પણ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું.

યુનાઇટેડ સીનીયર પરિવારના અગ્રણી યુવાન સભ્‍ય કનુભાઇ પટેલે અમારી એક મુલાકાતમાં જણાવ્‍યું હતું કે અમારી સીનીયર સંસ્‍થાને દસ વર્ષ પૂર્ણ થતા હોવાથી આગામી જુન માસની રજી તારીખે તેના દશાબ્‍દી મહોત્‍સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે અને તે પ્રસંગે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. અને આ મહોત્‍સવ ફકત સભ્‍યો તેમજ આમંત્રિતો પુરતો જ મર્યાદિત રહેશે એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

સ્‍વાદિષ્‍ટ ભોજનને ન્‍યાય આપીને અંતમાં સૌ સભ્‍યો વિખુટા પડયા હતા.

(9:46 pm IST)