Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડનારને કોર્ટે જામીન આપ્યા : આરોપીના કબ્જામાંથી હથોડો મળી આવ્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની કોર્ટે આજરોજ શુક્રવારે મહારાજા રણજીત સિંહની પ્રતિમામાં તોડફોડ કરવાના આરોપીને જામીન આપ્યા છે. મૂર્તિ તોડવાના આરોપીની ઓળખ રિઝવાન તરીકે થઈ છે. સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તપાસ દરમિયાન પોલીસને તેના કબજામાંથી હથોડો મળી આવ્યો હતો . 'સામ્મા ટીવી'ના અહેવાલ અનુસાર, આરોપીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં મૂર્તિ તોડવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા ડિસેમ્બર 2020 માં રણજીત સિંહની પ્રતિમામાં તોડફોડ કરવામાં આવી હતી. 27 જૂન, 2019 ના રોજ પણ આ મહાન શાસકની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. ભારતે મહારાજા રણજીત સિંહની પ્રતિમા તોડવાનો સખત વિરોધ કર્યો હતો. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના વડા મનજિંદર સિંહ સિરસાએ પણ આ બાબતની નિંદા કરી હતી.

તેમણે આરોપ લગાવ્યો હતો કે આનાથી શીખોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ ઘટના બાદ કહેવામાં આવ્યું કે જે વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો તે પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (TLP) સાથે સંકળાયેલ છે. હવે વડાપ્રધાન ઇમરાન ખાનના મંત્રીએ પણ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ ઘટના બાદ પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને એક કટ્ટરવાદી દ્વારા પ્રતિમાને તોડી પાડતો વીડિયો રીટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે આ બાબત શરમજનક છે . તથા વિશ્વમાં પાકિસ્તાનની છબી ખરાબ કરનારી છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(5:08 pm IST)