Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ગોવિંદનો સાથ હશે તો કોવિડ જેવી મહામારીનો સામનો કરી શકીશું : અમેરિકામાં એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં શ્રીવલ્લભાખ્યાન યોજાયું : યુવા વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજીના મુખેથી ત્રણ દિવસીય વ્યાખ્યાન સાંભળી વૈષ્ણવો ભાવવિભોર

એટલાન્ટા : અમેરિકાના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ પર્વની ઉજવણી અંતર્ગત શ્રી વલ્લભાખ્યાનનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસીય શ્રી વલ્લભાખ્યાનમાં  યુવા વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયે સમજાવ્યું હતું કે, ભગવદ્ નામ સ્મરણ થકી ગોિવંદ(શ્રીકૃષ્ણ)નો સાથ હશે તો કોવિડ જેવી ગમે તેટલી મહામારી આવશે તો તેનો સામનો આપણે કરી શકીશું.

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ વર્ષે જગદગુરુ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી અનોખી રીતે કરાઇ હતી. જે અંતર્ગત પુષ્ટિ ધર્મની પ્રચાર-પ્રસાર યાત્રા હેઠળ ગોકુલધામ આવેલા યુવા વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયના ત્રણ દિવસીય શ્રી વલ્લભાખ્યાનનું આયોજન કરાયું હતું.

વલ્લભાખ્યાનમાં પૂ.આશ્રયકુમારજીએ સમજાવ્યું હતું કે, શ્રીમદ્ વલ્લભાચાર્યે પુષ્ટિ માર્ગની સ્થાપના કરવા ઉપરાંત શ્રી વલ્લભ બ્રહ્મ સાથે આપણો સંબંધ કરાવે છે. પુષ્ટિ ભક્તિની પરંપરામાં આપણને લીન કરી પ્રભુની નજીક લઇ જાય છે. શ્રી વલ્લભાચાર્યે ઘેરઘેર પ્રભુને બિરાજમાન કરી પુરુષની સાથે સ્ત્રીને પણ પ્રભુ સેવાનો લાભ આપ્યો છે. જાતિ-ભેદ કે ઊંચ-નીચનો ભેદ કર્યા વિના સૌનો સ્વીકાર કર્યો છે. પ્રભુ ભક્તિના માર્ગે કશું છોડીને નહીં કે કશું તોડીને નહીં પણ પ્રભુ તરફ પોતાની જાતને સમર્પિત કરી જઇ શકાય તેવો બોધ આપ્યો છે.

વલ્લભાખ્યાનની પૂર્ણાહુતિ શનિવારે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી હેઠળ શોભાયાત્રા અને નંદ મહોત્સવના મનોરથ સાથે થઇ હતી. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવના મુખ્ય મનોરથી તરીકે સ્વ.વિપિનભાઇ અને મનોરમાબહેન મજમુદાર અને સહ-મનોરથી તરીકે કિન્તુ અને રોશની શાહ તેમજ બેલા અને બિરેન શાહે લ્હાવો લીધો હતો. પાલખીમાં શ્રીવલ્લભાચાર્યજીની પ્રતિમાને બિરાજમાન કરી ગોકુલધામ પરિસરમાં શોભાયાત્રા નીકળી હતી.

ભજન-કિર્તનના ગાન સાથે નીકળેલી શોભાયાત્રામાં ગોકુલધામના  ચેરમેન શ્રી અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી શ્રી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ શ્રી હેતલ શાહ, શ્રી અલકેશ શાહ, શ્રી ગિરીશ શાહ, શ્રી પરિમલ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રી  મનુભાઇ પટેલ, સુશ્રી રંજનબહેન શિરોયા, શ્રી અશ્વિન પટેલ અને શ્રી કિરીટ શાહ સહિત વિવિધ સ્વયંસેવકોએ મહાપ્રસાદની સેવા માટે જહેમત ઊઠાવી હતી.તેવું શ્રી દિવ્યકાંત ભટ્ટ દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)