Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

15મી ઓગસ્ટે અમેરિકામાં પ્રતિષ્ઠિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભારતના તિરંગા સાથે ઝળહળી ઉઠશે

ન્યુયોર્ક શહેરના બીજા બે જાણીતા બિલ્ડિંગો પણ તિરંગાની રોશનીમાં ન્હાશે:અમેરિકામાં વસતા ૪૫ લાખ ભારતીયો સ્વતંત્રતાના ૭૫મા વર્ષની શાનભેર ઉજવણી

વોશિંગ્ટનઃ અમેરિકાનું પ્રખ્યાત વર્લ્ડ ટ્રેડ સેન્ટર ૧૫મી ઓગસ્ટના રોજ ભારતના તિરંગા સાથે ઝળહળશે. આ ઉપરાંત ન્યૂયોર્ક શહેરના બીજા બે જાણીતા બિલ્ડિંગો પણ તિરંગાની રોશનીમાં ન્હાશે. ભારતની સ્વતંત્રતાના ૭૫મા વર્ષની ઉજવણી અમેરિકામાં વસતા ૪૫ લાખ ભારતીયો મોટાપાયા પર કરવાના છે. ભારતીયો આ સ્વતંત્રતા દિનની ઉજવણીનો આરંભ વહેલા શરુ કરી દેવાના છે.

સાઉથ એશિયન એન્ગેજમેન્ટ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તે તે ડર્સ્ટ ઓર્ગેનાઇઝેશન સાથે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ૪૦૮ ફૂટ લાંબા અને ૭૫૮ ટનના સંકુલને તિરંગાની રોશનીમાં ઝળહળતુ કરવા માટે કામ કરી રહ્યા છે. આ ઉજવણીના ભાગરુપે ડર્સ્ટ ઇન્સ્ટોલેશન્સમાં એક બ્રાયન્ટ પાર્ક ખાતે અને એક મિડ-ટાઉન મેનહટન ખાતે એક બિલ્ડિંગ તિરંગાના પ્રકાશમાં ન્હાતું દર્શાવશે.

વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પોડિયમ પરથી ભારતીય તિરંગો દેખાશે.

ભારતના ૧.૪ અબજ લોકો માટે અને અમેરિકામાં વસતા ૪૫ લાખ ભારતીયો માટે આ ઐતિહાસિક ક્ષણ છે. આ પ્રસંગની ઉજવણી કરવા માટે અમે ટાઇમ્સ સ્કવેર ખાતે મોટાપાયા પર એકત્રિત થવાના છીએ, એમ એફઆઇએના પ્રમુખ અંકુર વૈદ્યએ જણાવ્યું હતું. ૨૫ ફૂટ ઊંચા પોલ પર ૬૦ ચોરસ ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવનાર છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

ન્યૂજર્સીના આઇટી ઉદ્યોગસાહસિક આલોક કુમારે જણાવ્યું હતું કે ભારત આઝાદીના ૭૫ વર્ષમાં પ્રવેશવા દરમિયાન પરિપક્વ લોકશાહી તરીકે અને વૈશ્વિક શાંતિના સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે. આજે અમેરિકાના ઉપપ્રમુખ પદે ભારતીય મૂળની વ્યક્તિ છે.

વોશિંગ્ટન ડીસીના પરાવિસ્તાર વર્જિનિયામાં હજારો ભારતીય અમેરિકાનો ફિલ્મસ્ટાર અનુપમ ખેરની સાથે અને સુખબીરસિંઘના લાઇવ પર્ફોર્મન્સની સાથે ભારતના સ્વતંત્રતા દિનની ઉજવણી કરવાના છે. મેરીલેન્ડ અને વર્જિનિયાના ટોચના રાજકારણીઓ પણ હાજરી આપશે. બોસ્ટનમાં પાનેરા બ્રેડના સીઇઓ નિરેન ચૌધરી ઇન્ડિયા એસોસિયેશન ઓફ ગ્રેટર બોસ્ટન દ્વારા આયોજિત ઇન્ડિયા ડે ફેસ્ટિવલના ચીફ ગેસ્ટ હશે. આમ સમગ્ર અમેરિકામાંભારતના સ્વતંત્રતા દિનની ઉજવણીના હજારો આયોજનો થવાનો છે અને તેમા કોંગ્રેસમેન અને સ્ટેટ ગવર્નરો હાજરી આપવાના છે.

(12:21 am IST)