Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

અમેરિકાના વસ્તી ગણતરીના આંકડાં જાહેર : પહેલી વખત શ્વેત નાગરિકોની વસતિ ઘટી 19.1 કરોડ થઇ :એશિયનની વસ્તી વધી

અમેરિકામાં ૧૮ વર્ષથી નીચેના બાળકોની વસતિ ૭.૪૨ કરોડમાંથી ૭.૩૧ કરોડ થઈ :જન્મદર ૧.૪ ટકા ઘટયો

વૉશિંગ્ટન :અમેરિકાએ વસતિ ગણતરીના આંકડાં જાહેર કર્યા હતા. એમાં પહેલી વખત શ્વેત નાગરિકોની વસતિ ઘટી છે. શ્વેત નાગરિકોની વસતિ ૨૦૧૦માં ૧૯.૬ કરોડ હતી, એ ઘટીને ૨૦૨૦માં ૧૯.૧ કરોડે થઈ ગઈ છે. એશિયન નાગરિકોની વસતિમાં વધારો થયો છે.

અમેરિકા દર ૧૦ વર્ષે વસતિ ગણતરી કરીને આંકડાં જાહેર કરે છે. ૨૦૧૦માં છેલ્લી વસતિ ગણતરી થઈ હતી. એ પછી ૨૦૨૦માં થયેલી વસતિ ગણતરીના આંકડાં જાહેર થયા છે. એ આંકડાં પ્રમાણે અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત શ્વેત નાગરિકોની વસતિ ઘટી છે અને શ્વેત-અશ્વેત મિશ્ર જાતિની વસતિ વધી છે.

૨૦૧૦માં શ્વેત નાગરિકોની વસતિ અમેરિકામાં ૧૯.૬ કરોડ હતી. ૨૦૨૦માં ૧૯.૧ કરોડ થઈ ગઈ છે. મિશ્ર જાતિના લોકો ૨૦૧૦માં ૯૦ લાખ હતા. એની વસતિ હવે વધીને ૩.૩૮ લાખ થઈ ગઈ છે. શ્વેત નાગરિકોની વસતિ ઘટાડાનું એક કારણ એ પણ ખરું કે શ્વેત-અશ્વેત મિશ્ર જાતિના લોકો શ્વેતમાં ગણાતા ન હોવાથી વસતિ ઘટી છે. અશ્વેત નાગરિકોની વસતિ ૪.૬૯ કરોડમાંથી ૪.૯૯ કરોડ થઈ ગઈ છે.
અમેરિકામાં શ્વેત, અશ્વેત, અમેરિકન ઈન્ડિયન, નેટિવ અમેરિકન, એશિયન, હવાઈયન, પેસિફિક આઈસલેન્ડર એમ અલગ અલગ વિભાગો પાડીને વસતિ ગણતરી થઈ હતી.એમાં જણાયું હતું કે એશિયન નાગરિકોની વસતિ પણ વધી છે. એશિયન નાગરિકો ૨૦૧૦માં ૧.૮૬ કરોડ હતા. એ વધીને એક દશકામાં ૨.૪ કરોડ થયા છે.
વસતિ ગણતરીના આંકડાના વિશ્લેષણમાં જણાયું હતું કે શહેરી વિસ્તારોની વસતિમાં વધારો થયો છે, જ્યારે ગ્રામ્ય વસતિમાં ઘટાડો થયો છે. શહેરમાં સરેરાશ ૧૦ ટકાના દરે વસતિ વધી હતી.
બાળકોની વસતિમાં પણ ઘટાડો થયો છે. જન્મદર ઘટતા અમેરિકામાં ૧૮ વર્ષથી નીચેની વયજૂથના હવે ૭.૪૨ કરોડને બદલે ૭.૩૧ કરોડ લોકો નોંધાયા છે. બાળકોનો જન્મદર અમેરિકામાં ૧.૪ ટકા ઘટયો છે. કુલ વસતિમાં ૧૮ વર્ષથી નીચેના બાળકોની વસતિ ૨૨ ટકા છે.

(12:24 am IST)