Gujarati News

Gujarati News

News of Sunday, 8th August 2021

શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે 28 મો વાર્ષિક ગુરુપૂર્ણિમા સત્સંગ યોજાયો : 1 ઓગસ્ટ 2021 ના રોજ ન્યૂજર્સીમાં કરાયેલી ઉજવણી દરમિયાન વિનામૂલ્યે કોવિદ -19 રસી આપવાનું આયોજન કરાયું

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : શ્રી સંતરામ મંદિર નડિયાદના બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.ની શરૂઆત 1993 માં થઇ હતી.અને સૌપ્રથમ સત્સંગનો કાર્યક્રમ ગુરુપૂર્ણિમાની ઉજવણી અંતર્ગત જુલાઈ 3 1993 માં થઇ હતી.

શ્રી સંતરામ મંદિર નડિયાદના નવમા મહંત શ્રી પૂ.રામદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી 28 મા વાર્ષિક ગુરુપૂર્ણિમા મહોત્સવ સત્સંગનું આયોજન ઓગસ્ટની 1 લી તારીખે યુક્રેનથી કલચરલ સેન્ટર સમરસેટ ન્યૂજર્સીમાં સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.શ્રી સંતરામ ભક્ત સમાજ ઓફ યુ.એસ.એ.ના 800 થી પણ વધુ સત્સંગી ભાઈઓ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ ના સ્વમુખે શ્રી વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રમ પદ નું મંગલા ચરણ રૂપે પ્રારંભ થયો હતો.શ્રી સંતરામ મંદિરના ભક્તિ પદો અને સંગ્રહો તેમજ અન્ય ભક્તિ સંગીતના રસની સંગીતમય રસલ્હાણી અમેરિકાના વિખ્યાત ગાયકો રાજ અને સ્મૃતિ પંડ્યા તેમજ એષ્ણા અને અમિત પંડ્યા દ્વારા ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી સત્સંગીઓએ માણી હતી.

 

સ્વ.ઈન્દુભાઈ પટેલ , ઈપ્કો પરિવાર અને તેમના સેવાભાવી ચેરીટેબલ સંસ્થાના મુખ્ય શ્રી દેવાંગભાઈ અને અનિતાબેન પટેલ અને તેમનો સમગ્ર પરિવાર આ પ્રસંગે સૌપ્રથમવાર અમેરિકાના સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રી દેવાંગભાઈ અને અનિતાબેન પટેલને શ્રી સંતરામ મંદિરની પ્રસાદી રૂપે સોનાનો ચંદ્રક સંતરામ સેવક શ્રી શંકરભાઇ પટેલના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.દેવાંગભાઈની બે પુત્રીઓ અને જમાઇઓને શ્રી સંતરામ સેવકો શ્રી હેમંત અને સુનિલ દેસાઈ કેસલ હિલ ફાર્મસી ન્યુયોર્કના વરદ હસ્તે શ્રી સંતરામ સ્મૃતિ ચિન્હ અને પ્રસાદી એનાયત કરવામાં આવી હતી.ઈપ્કો ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા દાયકાઓથી સમાજ સેવામાં આરોગ્ય ક્ષેત્રે અને સમાજના જરૂરિયાતમંદ લોકોના ઉત્થાન માટેનો એક ભગીરથ મહાયજ્ઞ કરી રહ્યા છે.તે ખરેખર પ્રશંસનીય છે.

શ્રી સંતરામ ભક્ત સમાજ ઓફ યુ.એસ.એ.નો હવે પછીનો દિવાળી સત્સંગ કાર્યક્રમ હાલ પૂરતો શનિવાર નવેમ્બર 6 2021 ના દિવસે એસેક્સ કાઉન્ટી કોલેજ ન્યુ આર્ક ન્યુજર્સીમાં યોજવાનું આયોજન કરેલ છે.શ્રી સંતરામ ભક્ત સમાજ કોઈપણ જાતનો ફંડ ,ફાળો ઉઘરાવતો નથી.પરંતુ સમાજના સત્સંગીઓ સ્વૈચ્છિક રીતે સત્સંગના ખર્ચની જવાબદારી ઉપાડી લઈને વર્ષના ત્રણ સત્સંગ કાર્યક્રમો મહા પૂર્ણિમા ,ગુરુ પૂર્ણિમા ,અને દિવાળીને સફળ બનાવવાના પ્રયાસ કરે છે.
શ્રી સંતરામ ભક્ત સમાજ ઓફ યુ.એસ.એ.અંગેની વધુ માહિતી માટે સમાજની વેબસાઈટ www.santram.org  અથવા ફોન ન.732-906 -0792 નો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.

(9:42 pm IST)