Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વિરમગામના કાંથરેટીનો ભદ્રેશ પટેલ અમેરિકામાં વોન્ટેડ : ૧ લાખ ડોલર ઇનામ

૨૦૧૫માં મેરિલેન્ડમાં મહિલાની હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી'તી

રાજકોટ તા. ૧ : દેશમાં સુખનો રોટલો છોડીને વિદેશમાં ડોલર કમાવવાના અનેક લોકોના સપના હોય છે. જો કે કયારેક આવા ભારતીયો વિદેશની ધરતી પર એવા કામો કરે છે જેના કારણે તેઓ ફસાઈ જાય છે. અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને (FBI) ગુજરાતી મૂળના ભદ્રેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. આટલું જ નહીં, ભદ્રેશ પટેલની માહિતી આપનારને ૧,૦૦,૦૦૦ ડોલરનું (અંદાજિત ૭૩.૯૫ લાખ રૂપિયા) ઈનામ આપવાની જાહેરાત કરી છે.

અમેરિકન તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ભદ્રેશ પટેલનો જન્મ ગુજરાતના વિરમગામ તાલુકાના કાંથરેડી ગામમાં થયો છે. આ શખ્સ FBIએ જાહેર કરેલી મોસ્ટ વોન્ટેડની યાદીમાંથી એક છે. આ યાદી એજન્સીએ ૨૦૧૭માં બનાવી હતી. જો કે હાલમાં એજન્સીએ તેનું નામ અને ઈનામ અંગે ટ્વીટ કરીને લોકોનું ધ્યાન ફરીથી આકર્ષિત કર્યું છે.

ભદ્રેશ પર આરોપ છે કે, તેણે ૨૦૧૫ાં મેરિલેન્ડમાં ડંકિન ડોનેટ્સ કોફી શોપની અંદર પોતાની પત્ની પલકની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી. પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. વર્ષ ૨૦૧૭માં તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં રાખવામાં આવ્યો હતો. જો કે તે તપાસ એજન્સીની પકડથી દૂર છે.

તાજેતરમાં તેના પર એક લાખ ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. FBIનું કહેવું છે કે, આ શખ્સ વિશે જો કોઈ વ્યકિત કંઈક જાણે છે, તે કયાં રહે છે? તેની જાણકારી હોય તો તે વ્યકિત એજન્સી કે નજીકના અમેરિકન હાઈકમિશનનો સંપર્ક કરી શકે છે.

ભદ્રેશ જયારે આ ગુનો આચર્યો ત્યારે તેની ઉંમર ૨૪ વર્ષની હતી અને તેની પત્ની ૨૧ વર્ષની હતા. તેણે કોફી શોપમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા ચાકુ વડે પત્ની પર ઉપરાછાપરી ઘા ઝીંકયા હતા. તે સમયે ત્યાં ગ્રાહકો પણ હાજર હતા. ભદ્રેશે અંતિમ વખત ન્યૂજર્સીની એક હોટલથી નેવાર્કમાં એક ટ્રેન માટે ટેકસી કરી હતી.

આ ઘટનાના એક મહિના પહેલા જ ભદ્રેશ અને પલકના વિઝા પૂરા થઈ ગયા હતા. તપાસ એજન્સીના અધિકારીનું માનવું છે કે, પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ પતિએ તેનો વિરોધ કર્યો હતો. બન્ને મેરિલેન્ડની એક કોફી શોપમાં કામ કરતાં હતા, પરંતુ ઘટના બાદ ભદ્રેશ ફરાર થઈ જતા તપાસ એજન્સીએ તેને ભાગેડુ જાહેર કર્યો હતો.

(3:24 pm IST)