મુખ્ય સમાચાર
News of Thursday, 18th January 2018

દેશના તમામ મોટા સ્ટેશનો પર એસ્કેલેટર્સ, લિફટ મૂકાશે

૩૪૦૦ કરોડની યોજનાની બજેટમાં જાહેરાત થવાની શકયતા

નવી દિલ્હી તા. ૧૮ :ભારતીય રેલવે તંત્ર દેશભરમાં ટ્રેનપ્રવાસીઓને વધારે સારી સુવિધાઓ આપવા માટે કૃતનિશ્ચય છે. આ ઉદ્દેશ્ય સાથે એણે બજેટમાં ખાસ પ્રકારની જોગવાઈ કરી છે.

રેલવે વહીવટીતંત્રે દેશભરમાં તમામ મોટા શહેરી તેમજ ઉપનગરીય સ્ટેશનો પર આશરે ૩૦૦૦ એસ્કેલેટર્સ (યાંત્રિક સીડી) અને ૧૦૦૦ લિફટ્સ મૂકવાનું નક્કી કર્યું છે. આ માટે એ રૂ. ૩,૪૦૦ કરોડનો ખર્ચ કરનાર છે.

એસ્કેલેટર્સ અને લિફટ્સ મૂકાવાથી મોટી ઉંમરના તેમજ શારીરિક રીતે અક્ષમ પ્રવાસીઓને અવરજવર કરવાનું સરળ થશે.

મુંબઈમાં કાંદિવલી, માટુંગા, બાન્દ્રા, ચર્ચગેટ, દાદર, એલ્ફિન્સ્ટન રોડ (પ્રભાદેવી), મહાલક્ષ્મી અને જોગેશ્વરી સહિત તમામ સ્ટેશનો પર ૩૭૨ એસ્કેલેટર્સ મૂકવામાં આવશે. તે ઉપરાંત દેશમાં રેલ નેટવર્ક પરના સ્ટેશનો પર ૨,૫૮૯ એસ્કેલેટર્સ પણ મૂકવામાં આવશે.

રેલવેને હાલ પ્રત્યેક એસ્કેલેટર મૂકવા પાછળ આશરે રૂ. ૧ કરોડનો ખર્ચ થાય છે જયારે લિફટ માટે રૂ. ૪૦ લાખનો ખર્ચ થાય છે.

શહેરી અને ઉપનગરીય સ્ટેશનોને એસ્કેલેટર સુવિધા માટે પાત્ર બનાવવા માટે રેલવે તંત્રે તેના ધારાધોરણમાં અમુક ફેરફાર કર્યા છે. જેમ કે આ સ્ટેશનો માટે એક આધાર તરીકે કમાણીનો આંક ગણવાને બદલે પ્રવાસીઓની અવરજવરને ગણવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રેલવે બજેટને મુખ્ય કેન્દ્રીય બજેટની સાથે વિલિન કરી દેવામાં આવ્યું છે. આ વખતનું કેન્દ્રીય બજેટ નાણાં પ્રધાન અરૂણ જેટલી આવતી ૧ ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવાના છે.

(10:10 am IST)