મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

ગત વર્ષે ૮૦૦-૮૫૦ માં વેચાતી બદામના ભાવ ૬૦૦-૬૫૦ થયા

સામી દિવાળીએ ડ્રાયફ્રૂટના ભાવમાં પ્રતિ કિગ્રા રૂ.૨૦૦થી ૮૦૦ સુધીનો ઘટાડો

રૂ.૧૮૦૦-ર૦૦૦માં પ્રતિ કિગ્રા વેચાતા પિસ્તા ઘટીને રૂ. ૧૦૦૦-૧૨૦૦ થયાઃ કાજુના ભાવમાં પ્રતિ કિગ્રા રૂ. ૩૦૦ સુધીનો ઘટાડો નોંધાયો

મુંબઇ, તા.૩૧: સામી દિવાળીએ ડ્રાયફૂટ માર્કેટ પર મંદીનો માર પડ્યો છે. બજારમાં ડ્રાયફૂટની ખરીદી મંદ હોવાથી ભાવમાં રૂ.૨૦૦થી ૮૦૦ સુધીનો ઘટાડો નોંધાયો છે. કોરોનાને કારણે લોકો પાસે પૈસાની તંગી હોવાથી તેઓ સુકોમેવો ઓછા ખાઇ રહ્યા છે. ઉપરાંત, અલૂણાં, નવરાત્રિ, ગણેશોત્સવ સહિતના ધાર્મિક કર્યક્રમોની ઉજવણી બંધ રહેતા તેની વિપરીત અસર ડ્રાયફ્રુટ માર્કેટ પર પડી છે.

દિવાળી હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. દિવાળીમાં લોકો મીઠાઇ અને ડ્રાયફૂટની ખરીદી કરે છે. પરંતુ આ વર્ષે ડ્રાયફૂટ માર્કેટ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ખરીદી ઘટી જતા કાજુ. બદામ. કિસમિસ, અંજીર, પિસ્તા વગેરે ડ્રાયફ્રૂટના ભાવોમાં ઘટાડો થયો છે. ગત વર્ષની તુલનામાં દરેક ડ્રાયફ્રૂટના ભાવમાં રૂ.૨૦૦થી ૮૦૦ સુધીનો ઘટાડો નોંધાયો છે. છેલ્લાં ૧૫ વર્ષથી કરિયાણા અને ડ્રાયફૂટના વેપાર સાથે સંકળાયેલા મલમસિંગ પુરોહિતે જણાવ્યું હતું કે ગત વર્ષે રેગ્યુલર અમેરિકન બદામના ભાવ ૮૦૦થી ૮૫૦ જેટલા હતા, પરંતુ આ વર્ષે બદામના ભાવમાં રૂ. ૧૦૦થી ૨૦૦નો ઘટાડો થતા રૂ. ૬૦૦થી ૭૦૦ના ભાવે વેચાઇ રહી છે. ગત વર્ષે સારી કવોલિટીના કાજુનું રૂ. ૯૦૦માં વેચાણ થયું હતું. પરંતુ હાલમાં રૂ. ૬૦૦થી ૬૫૦માં વેચાણ થઇ રહ્યું છે. તેવી જ રીતે કિસમિસના ભાવમાં રૂ. ૧૫૦, અંજીરના ભાવમાં રૂ.૩૦૦-૪૦૦. પિસ્તાના ભાવમાં રૂ. ૬૦૦-૮૦૦ સુધીનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. મલમસિંગે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાને કારણે ડ્રાયફૂટના વપરાશમાં ઘટાડો થયો છે. લોકડાઉનને કારણે લગ્નપ્રસંગ, સગાઇ પ્રસંગ. ગોદભરાઈ, મામેરા સહિતના સામાજિક પ્રસંગો રદ થયા છે. કથા, સપ્તાહ, પારાયણ વગેરે ધાર્મિક પ્રસંગોની ઉનાળામાં ઉજવણી થઈ નથી. અલૂણાં, ગણેશોત્સવ, નવરાત્રિ વગેરે તહેવારની સિઝન પણ નિષ્ફળ ગઇ છે. તેથી. હોલસેલ વેપારીઓના ગોડાઉનમાં માલ લાંબો સમય સુધી પડયો રહ્યો હતો. કોરોનાને કારણે માંગમાં ઘટાડો થતા વેપારીઓ નવો સ્ટોક મંગાવતા ડરે છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ડ્રાયફૂટ વેપારીઓએ નહીવત સ્ટોક કર્યો છે. તેથી, ડ્રાયફૂટ માર્કેટમાં ભાવ ઘટી ગયા છે. વેપારીઓના અનુમાન અનુસાર દિવાળી બાદ લગ્નસિઝનમાં ડ્રાયફૂટનો ભાવ વધવાની સંભાવના છે.

(12:44 pm IST)