મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

લોકડાઉન દરમ્યાન પહેલા-બીજા ધોરણના ૩૩% વિદ્યાર્થીઓને તેમની મમ્મીએ ભણાવ્યા

ધો. ૯ થી ૧રના ૧પ% છાત્રોને જ મમ્મીથી અભ્યાસમાં મદદ મળી

નવી દિલ્હી તા. ૩૧ :.. લોકડાઉન દરમ્યાન પહેલા અને બીજા ધોરણના ૩૩ ટકા વિદ્યાર્થીઓને તેમની મમ્મીઓએ અભ્યાસ કરાવ્યો છે. જયારે નવમાંથી ૧ર માં ધોરણના ૧પ ટકા વિદ્યાર્થીઓને જ મમ્મી દ્વારા અભ્યાસમાં મદદ મળી છે. ગ્રામ્ય વિસ્તારોના ૭૦ ટકા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ગામ લોકોએ આગળ આવીને મદદ કરી છે. આ ખુલાસો એન્યુઅલ સ્ટેટસ ઓફ એજયુકેશન રિપોર્ટ-ર૦ર૦ (અસર) ના ૧પમાં રિપોર્ટમાં થયો છે.

આ રિપોર્ટ માર્ચથી સપ્ટેમ્બર સુધી ફોન પર ઓનલાઇન સર્વેક્ષણના આધારે તૈયાર કરાયો છે. તેમાં પાંચથી સોળ આયુ વર્ગના પ૯રપ૧ વિદ્યાર્થીઓ,પરરર૭ ઘર અને ૮૯૬૩ સરકારી પ્રાથમીક શાળાઓના શિક્ષકો અને પ્રિન્સીપાલો પણ સામેલ હતાં. સર્વેમાં છ મહીનાથી શાળાઓ બંધ હોવા દરમ્યાન અભ્યાસ, પાઠય સામગ્રી અને ગતિવીધીઓની વ્યવસ્થા અને પહોંચની તપાસ કરાઇ હતી.

રિપોર્ટ અનુસાર, કોવિડ-૧૯ ને લીધે ખાનગીના બદલે સરકારી શાળાઓમાં અભ્યાસનું વલણ વધ્યું છે. સરકારી શાળાઓમાં છોકરાઓની નોંધણીના આંકડા ૬ર ટકાથી વધીને ૬૬.૪ ટકાએ પહોંચી ગયા છે. તો છોકરીઓના નામ પણ ૭૦ ટકાથી વધીને ૭૩ ટકાથઇ ગયા છે. ખરેખર તો આ વધારાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી સરકારીમાં શિફટ થયા છે.

(11:30 am IST)