મુખ્ય સમાચાર
News of Monday, 30th January 2023

મૃત્યુદંડની સજા આપવામાં યુપી, ગુજરાત ટોચ સ્‍થાનેઃ ર૦ વર્ષમાં પહેલીવાર ભારતમાં સૌથી વધુ ફાંસીની સજાનો રેકોર્ડ

2015 પછી મૃત્યુદંડની સજામાં 40 ટકાનો વધારો થયો છેઃ દેશભરની નીચલી અદાલતોએ ગયા વર્ષે એટલે કે 2022માં 165 દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જે વર્ષ 2000 પછી સૌથી વધુ છે.

 નવી દિલ્‍હીઃ  દેશભરની નીચલી અદાલતોએ ગયા વર્ષે એટલે કે 2022માં 165 દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, જે વર્ષ 2000 પછી સૌથી વધુ છે. એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. નેશનલ લો યુનિવર્સિટીના પ્રોજેક્ટ 39A હેઠળ અહીં જાહેર કરાયેલ વાર્ષિક આંકડાકીય અહેવાલ મુજબ, 2015 પછી મૃત્યુદંડની સજા પામેલા દોષિતોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાતીય અપરાધોના કેસોમાં દોષિતોને આવી સજામાંથી 50 ટકા (51.28 ટકા) સજા આપવામાં આવી છે.

ભારતમાં મૃત્યુ દંડ, વાર્ષિક આંકડાકીય અહેવાલ-2022 શીર્ષકનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવાયું છે કે આવા કેદીઓની મોટી સંખ્યા સૂચવે છે કે નીચલી અદાલતો દ્વારા મોટી સંખ્યામાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી રહી છે જ્યારે અપીલ અદાલતો તેમના નિકાલમાં ધીમી છે. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 લોકોને આપવામાં આવેલી આવી સજાને કારણે વર્ષ 2022માં મૃત્યુદંડની સજાની સંખ્યા પર અસર પડી છે.

2016 પછી આ પહેલીવાર છે જ્યારે એક જ કેસમાં આટલા લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે મૃત્યુદંડના અનુક્રમે 11 અને 68 કેસનો નિકાલ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 100 દોષિતોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જ્યારે ગુજરાતમાં 61, ઝારખંડમાં 46, મહારાષ્ટ્રમાં 39 અને મધ્યપ્રદેશમાં 31 દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

(1:09 am IST)