મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

મલેશિયાના ધનિકે ચોખા માટે હેલિકોપ્ટર મોકલતા વિવાદ

એક તરફ લોકોને બે ટંક ભોજનનાં પણ ફાંફાં છે : હેલિકોપ્ટરે ચોખા માટે ૧૬૦ કિલોમીટરની યાત્રા કરી, આખા દેશમાં તેની ટીકા થઈ, કોરોનાના નિયમનું ઉલ્લંઘન

કુઆલાલમ્પુર, તા.૩૦ : કોરોનાએ દુનિયાના ઘણા દેશોમાં તબાહી મચાવી છે. ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ પર પડેલી અસરથી ઘણા લોકોને બે ટંક જમવાના પણ ફાંફા પડી ગયા છે.

આવા સંજોગોમાં મલેશિયામાં એક ધનિકે પોતાની પસંદગીના ચોખા લેવા માટે ખાસ હેલિકોપ્ટર મોકલ્યા બાદ લોકો આ બાબતની ભારે ટીકા કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં રહેતા એક વ્યક્તિએ પોતાની પસંદગીના ચોખા મંગાવ્યા હતા. આ ચોખા માટે તેણે નજીકના શહેરમાં હેલિકોપ્ટ મોકલ્યુ હતુ અને ૩૬ પેકેટ મંગાવ્યા હતા. હેલિકોપ્ટરે ચોખા માટે ૧૬૦ કિલોમીટરની યાત્રા કરી હતી.આ ઘટનાની જાણ થયા બાદ આખા દેશમાં તેની ટીકા થઈ રહી છે. ઉપરાંત આ ઘટનાને કોરોના માટેના નિયમોનુ ઉલ્લંઘન ગણાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટરની તસવીરો વાયરલ થઈ રહી છે અને લોકો પૂછી રહ્યા છે કે, જ્યારે લોકોને બે ટાઈમ ખાવાના ફાંફા છે ત્યારે કોઈ આવુ કેવી રીતે કરી શકે છે.

મામલાએ ભારે ચર્ચા જગાવી છે ત્યારે હવે પોલીસે એવો ખુલાસો કર્યો છે કે, હેલિકોપ્ટરને મેન્ટનેનન્સના ભાગરૂપે ઉડાન ભરવાની છુટ આપવામાં આવી હતી. જોકે હજી સુધી ચોખા મંગાવનારા ધનિકની ઓળખ થઈ શકી નથી.

(7:39 pm IST)