મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

કનૈયાલાલના પરિવારને ૫૦ લાખની સહાયતાની જાહેરાત

ઉદયપુરના કનૈયાલાલની હત્યાનો ઠેર-ઠેર વિરોધ : રાજસ્થાનના મુખ્યપ્રધાને દોષિતો સામે કાર્યવાહીની ખાતરી આપી, હુમલાને આતંકવાદી હુમલાની નજરથી જોવાશે

જયપુર, તા.૩૦ : રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારના રોજ એક દરજીની હત્યા કરવામાં આવી ત્યાર બાદ દેશભરમાં ભારે રોષનો માહોલ વ્યાપ્યો છે. ઉપરાંત લોકો ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે જેથી પ્રશાસને સાવચેતીના પગલારૃપે સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન બનાવી દીધી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતક કન્હૈયાલાલના આશ્રિત પરિવારને ૫૦ લાખ રૃપિયાની આર્થિક સહાય પ્રદાન કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેઓ આજે કન્હૈયાલાલના પરિવારને મળવા પણ જવાના છે.

અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, 'હું પ્રદેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે, જે રીતે પોક્સો એક્ટના અનેક પ્રકરણોમાં ત્વરિત કાર્યવાહી કરીને ગુનેગારોને સજા અપાવવામાં આવી છે તે જ રીતે ઉદયપુર સહિતની અન્ય ઘટનાઓમાં પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે.'

કોંગ્રેસી નેતા સચિન પાયલટે ઉદયપુરમાં થયેલી હત્યા મામલે પોતે તેને આતંકવાદી હુમલો માનશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સરકારે પણ કહ્યું છે કે, આ ઘટનાને એક રીતે આતંકવાદી હુમલાની નજરથી જોવી પડશે. આરોપીઓ પકડાઈ ગયા છે તથા ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તેમને એવી સજા આપવામાં આવશે જે દેશ અને દુનિયામાં એક ઉદાહરણ બનશે.

વધુમાં કહ્યું કે, પીડિત પરિવારને પણ તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે. આ ઘટમાં જે લોકો જવાબદાર ઠેરવાશે તે ભલે ગમે તેટલી મોટી હસ્તિ હોય કે મોટો અધિકારી હોય, તેના સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.

(8:28 pm IST)