મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

૨૦૩૫ સુધીમાં શહેરોમાં વસતી ૬૭.૫ કરોડ થઈ જશે

વસતીની દ્રષ્ટીએ ભારત વિશ્વમાં બીજા ક્રમે છે : ૨૦૩૫ સુધીમાં વસતીના ૪૩ ટકા લોકો શહેરોમાં હશે

નવી દિલ્હી, તા.૩૦ : વસતીની દ્રષ્ટિએ ભારત દુનિયામાં બીજા ક્રમે છે. ભારતમાં શહેરો તરફ લોકો વળી રહ્યા હોવાથી શહેરો પર વસતીનુ ભારણ વધી રહ્યુ છે.

યુનાઈટેડ નેશન્સના એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે, ૨૦૩૫ સુધીમાં ભારતના શહેરોમાં વસતી વધીને ૬૭.૫ કરોડ થઈ જશે. આ મામલામાં ભારત ચીન પછી બીજા ક્રમે હશે. ચીનમાં એક અબજ લોકો શહેરોમાં રહે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, દુનિયામાં ૨૦૫૦ સુધીમાં શહેરોની વસતીમાં ૨.૨ અબજનો વધારો થશે. હાલમાં કોરોનાના કારણે ગામડા તરફથી શહેરો તરફ લોકોની દોટ થોડી ધીમી પડી છે પણ તેમાં ફરી વધારો થવા માંડશે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦માં ભારતના શહેરોમાં ૪૮.૩૦ કરોડ લોકો રહેતા હતા અને ૨૦૩૫ સુધીમાં ભારતની કુલ વસતીના ૪૩ ટકા લોકો શહેરોમાં રહેતા હશે.

એશિયામાં કુલ ૨.૯૯ અબજ લોકો ૨૦૩૦ સુધીમાં શહેરોમાં રહેતા હશે. જ્યારે ચીનમાં ૧.૦૫ અબજ લોકો શહેરોમાં વસવાટ કરતા હશે.

(8:26 pm IST)