મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

દરિયા કિનારે બેસી રહેવા માટે ૫૪૦૦ કરોડની કંપની છોડી

જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ પીએલસીના સીઈઓનું પગલું : જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ પીએલસીમાં સીઈઓ તરીકે કાર્યરત ફોર્મિકાએ અંગત કારણોનો હવાલો આપીને નોકરી છોડી

નવી દિલ્હી, તા.૩૦ : સારો અભ્યાસ કર્યા બાદ એક સારી અને સ્થિર નોકરી મેળવવી તે સૌ કોઈનું લક્ષ્ય હોય છે. તેમાં પણ જો હજારો કરોડો રૃપિયાની વેલ્યુ ધરાવતી કંપનીમાં કોઈ ઉંચો હોદ્દો મળી જાય તો લોકોને સ્વર્ગ મળી ગયા જેવી લાગણી થતી હોય છે.

જોકે અમુક લોકો એવા પણ છે જે નોકરી કે મોટી કંપનીઓની ઉંચી પોસ્ટ છોડવા માટે એક પળનો પણ વિલંબ નથી કરતા હોતા. જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ પીએલસી ના સીઈઓ એર્ન્ડ્યુ ફોર્મિકા પણ આવા ધૂની લોકોની યાદીમાં સ્થાન ધરાવે છે.

એર્ન્ડ્યુ ફોર્મિકાએ 'કશું ન કરવા માટે' અને 'દરિયા કિનારે બેસીને રિલેક્સ થવા માટે' નોકરી છોડી દીધી છે. આશરે ૬૮ બિલિયન ડોલર એટલે કે, આશરે ૫,૪૦૦ કરોડ રૃપિયાની જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ પીએલસીમાં સીઈઓ તરીકે કાર્યરત ફોર્મિકાએ અંગત કારણોનો હવાલો આપીને નોકરી છોડવાનો નિર્ણય લીધો છે.

જાણવા મળ્યા મુજબ તેઓ હવે કશું જ નથી કરવા માગતા. તેઓ પોતાના મૂળ દેશ ઓસ્ટ્રેલિયા પરત ફરવા માગે છે. પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે રહેવા અને તેમના સાથે સમય વિતાવવા માટે તેઓ પોતાના દેશ પરત ફરવા ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે, 'હું બસ દરિયા કિનારે બેસવા માગુ છું અને કશું જ નથી કરવા ઈચ્છતો.'

ફોર્મિકા ૨૦૧૯ના વર્ષમાં જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ કંપની સાથે જોડાયા હતા અને આગામી ઓક્ટોબર મહિનાથી તેઓ પોતાનું પદ છોડી દેશે. તેઓ સીઈઓ પદની સાથે સાથે ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટર તરીકેનું પદ પણ છોડવા જઈ રહ્યા છે. કંપનીના મુખ્ય રોકાણ અધિકારી (સીઆઈઓ) મેથ્યુ બેસ્લી હવે તેમના સ્થાને સીઈઓનું પદ સંભાળશે.

જ્યુપિટર ફંડ મેનેજમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે, ફોર્મિકાએ બોર્ડને અગાઉથી આ અંગે જાણ કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેઓ લાંબા સમય સુધી આ જવાબદારી નહીં સંભાળી શકે. તેઓ પોતાના દેશ ઓસ્ટ્રેલિયા પરત જવા ઈચ્છે છે અને પરિવાર સાથે સમય વિતાવવાની તેમની યોજના છે.

ફોર્મિકા આશરે ૩ દશકાથી બ્રિટનમાં કાર્યરત હતા. જ્યુપિટર પહેલા તેઓ જાનૂસ હેંડરસન ગ્રુપ પીએલસીની સાથે કામ કરતા હતા. ૨૦૧૭ના વર્ષમાં યુએસ ફંડ હાઉસ જાનૂસ તથા બ્રિટનની કંપની હેંડરસનનો વિલય થયો તેમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

(8:24 pm IST)