મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

બાંગ્લાદેશે ૧૩૫ ભારતીય માછીમારોને કસ્ટડીમાં લીધા

દેશના કોસ્ટલ એરિયામાં ગેરકાયદેસર ઘૂસવાનો આરોપ : પકડવા માટેના ૮ ટ્રોલર્સને બંગાળની ખાડીમાંથી જપ્ત કર્યા , જપ્ત સામાનની બજાર કિંમત ૩.૮૦ કરોડ રૃપિયા

ઢાકા, તા.૩૦ : બાંગ્લાદેશની નૌસેનાએ પોતાના દેશના કોસ્ટલ એરિયામાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવવાના આરોપસર ૧૩૫ ભારતીય માછીમારોને કસ્ટડીમાં લીધા છે. ઉપરાંત માછલી પકડવા માટેના ૮ ટ્રોલર્સને પણ બંગાળની ખાડીમાંથી જપ્ત કરી લીધા છે. જાણવા મળ્યા મુજબ સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન નૌસેનાના જવાનોએ ભારતીય માછીમારોને કસ્ટડીમાં લીધા હતા.

બાગેરહાટ જિલ્લાના પોલીસ મીડિયા સેલના અધિકારી એસએમ અશરફુલ આલમે આ અંગે વિગતે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, તેમની નૌસેનાના બનૌજા પ્રત્યાયા અને અલી હૈદર જહાજ દરિયામાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા તે સમયે પહેલા ૬૮ ભારતીય માછીમારોને ૪ ટ્રોલર્સ સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ નૌસેનાએ વધુ ૬૭ માછીમારોને અન્ય ૪ ટ્રોલર્સ સાથે કસ્ટડીમાં લઈને તમામ ટ્રોલર્સ જપ્ત કર્યા હતા. માછલી સહિત જપ્ત કરવામાં આવેલા સામાનની બજાર કિંમત ૩.૮૦ કરોડ રૃપિયા છે.

મોંગલા પોલીસ સ્ટેશનના પ્રભારીના કહેવા પ્રમાણે બાંગ્લાદેશના દરિયાઈ ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને માછલી પકડવાના આરોપસર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. તમામ માછીમારોને બાગેરહાટના મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે.

એક નોટિફિકેશન પ્રમાણે દરિયાઈ માછલીઓનો પ્રજનન સમય ચાલી રહ્યો હોવાથી સરકારે ૨૦મી મેથી ૨૩મી જુલાઈ દરમિયાન કુલ ૬૫ દિવસ માટે દરિયામાં માછલી પકડવા પર પ્રતિબંધ લાગુ કરેલો છે. આ પ્રતિબંધના પાલન માટે નૌસેનાના જહાજ અને દરિયાઈ પેટ્રોલિંગ વિમાનો સતત નજર રાખી રહ્યા છે.

(8:22 pm IST)