મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

૨૦૨૬ સુધીમાં ૪૦ અબજ ડોલરનું થઇ જશે ભારતનું ફર્નિચર માર્કેટ

મોટા ઉપરાંત નાના શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ સતત વધતી ફર્નિચરની ડિમાન્‍ડ વચ્‍ચે pepperfryએ ઓનલાઇન અને ઓફલાઇન વેચાણ વધારવા સ્‍ટોર્સની સંખ્‍યા વધારીને ૧૭૪ કરી

નવી દિલ્‍હી,તા. ૩૦ : ભારતમાં ફર્નિચરનું માર્કેટ ૨૦૨૬ સુધીમાં ૪૦ બિલિયન ડોલરનું થશે તેવા અંદાજ વચ્‍ચે ઓનલાઈન તેમજ ઓફલાઈન ફર્નિચર વેચતી ફેમસ બ્રાન્‍ડ Pepperfryએ પોતાનું નેટવર્ક વધુ બહોળું બનાવવા તેમજ ફ્રેન્‍ચાઈઝી મોડેલને વિસ્‍તારવા પર ખાસ ફોકસ કર્યું છે. કંપનીના સીઈઓ અમરિશ મૂર્તિએ IamGujarat.com સાથેની ખાસ વાતચીતમાં જણાવ્‍યું હતું કે, એક સમયે માત્ર ઓનલાઈન વેચાણ કરતી Pepperfryના ૪૫ ટકા જેટલો બિઝનેસ હવે અલગ-અલગ શહેરોમાં કાર્યરત સ્‍ટોર્સ દ્વારા થાય છે.

છેલ્લા કેટલાક સમયથી Pepperfryએ ન માત્ર પોતાની સપ્‍લાય ચેઈન મજબૂત બનાવી છે, પરંતુ વેરહાઉસ કેપેસિટી પણ વધારી છે. કંપનીએ ડિસેમ્‍બર ૨૦૧૪માં મુંબઈમાં પોતાનો પહેલો સ્‍ટોર શરુ કર્યો હતો, આજે તે ભારતના ૯૧ શહેરોમાં ૧૭૪ સ્‍ટોર્સ ધરાવે છે, જેમાંથી ૬૦ તેના પોતાના છે જયારે બાકીના ફ્રેન્‍ચાઈઝી સ્‍ટોર્સ છે. માત્ર ગુજરાતમાં જ Pepperfryના ૧૦ સ્‍ટોર્સ આવેલા છે. નાના શહેરોમાં પહોંચ વધારવા માટે હવે કંપનીએ ૨૦ લાખ રુપિયાના રોકાણ સાાથે શરુ થઈ શકે તેવા ફ્રેન્‍ચાઈઝી સ્‍ટોર્સ વધારવા પર પણ ફોકસ કર્યું છે.

લોકલ ફર્નિચર સ્‍ટોરથી Pepperfry કઈ રીતે અલગ છે તે અંગે અમરિશ મૂર્તિએ જણાવ્‍યું હતું કે, લોકલ સ્‍ટોર્સ પર સામાન્‍ય રીતે ત્‍યાંના જ વિસ્‍તારોમાં બનતું ફર્નિચર ઉપલબ્‍ધ હોય છે. જયારે Pepperfry આખા દેશમાં અલગ-અલગ જગ્‍યાએ બનતા વિવિધ પ્રકારના ફર્નિચરની ગમે ત્‍યાં ડિલિવરી કરાવી આપે છે. એટલું જ નહીં, કસ્‍ટમર જે પણ ફર્નિચર પસંદ કરે તેની તેને વધુમાં વધુ છ દિવસમાં દેશમાં ગમે ત્‍યાં ડિલિવરી મળી જાય છે. કંપનીની વેરહાઉસ કેપેસિટી ૧૦ લાખ સ્‍કવેર ફીટની હોવાનું કહેતા તેમણે એમ પણ કહ્યું હતું કે કસ્‍ટમર્સ ફર્નિચરને જાતે જોઈ તેમજ ફીલ કરી શકે તે માટે સ્‍ટોર્સની સંખ્‍યા પણ વધારાઈ રહી છે.

ફર્નિચર, વોલ આર્ટ, મેટ્રેસિસ એન્‍ડ બેડિંગ સહિતની હોમ ડેકોરની ૬૦ હજારથી વધુ પ્રોડક્‍ટ્‍સ ઓફર કરતી Pepperfryએ ફન્‍ડિંગના છ રાઉન્‍ડમાં ૨૪૦ મિલિયન ડોલર ઉભા કર્યા છે, જે ભારતમાં કોઈપણ ઈ-કોમર્સ ફર્નિચર અને હોમ પ્રોડક્‍ટ્‍સ કંપની દ્વારા એકત્ર કરાયલેી સૌથી વધુ મૂડી છે તેવો દાવો પણ કંપનીના સીઈઓએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, Pepperfry આઈપીઓ લાવવા માટે પણ તૈયારી કરી રહી છે. મોટાભાગે ચાલુ વર્ષમાં જ કંપનીનો આઈપીઓ લોન્‍ચ થાય તેવી શક્‍યતા છે.

(10:06 am IST)