મુખ્ય સમાચાર
News of Saturday, 30th April 2022

કોરોના ઉપર નિયંત્રણ માટે ચીનમાં નાગરિકો પર ક્રૂરતા

કોરોના વાયરસને લીધે ચીનની સ્થિતિ વણસીઃકર્મચારી લોકોના ઘરોની બહાર લીલા રંગની લોખંડની જાળીઓ લગાવી રહ્યા છે, જેથી તે બહાર ના નીકળી શકે

શાંઘાઈ, તા.૩૦ : કોરોના વાયરસને કારણે ચીનની સ્થિતિ સતત વણસી રહી છે. ચીનની સરકાર કોરોના વાયરસને નિયંત્રિત નથી કરી શકતી, જેના કારણે હવે સરકાર તરફથી નાગરિકો પર ક્રૂરતા શરુ કરવામાં આવી છે. શાંઘાઈમાં હજી પણ લોકડાઉન ચાલુ છે. રસ્તા પર જો કોઈ જોવા મળે તો મોટાભાગે તે સરકારી કર્મચારી જ હોય છે, જે સફેદ પીપીઈ કિટ પહેરીને ફરી રહ્યા હોય છે. ઝીરો કોવિડ સ્ટ્રેટેજીને કારણે ચીને નાગરિકો પર ક્રૂરતાની તમામ હદો પાર કરવાની શરુઆત કરી દીધી છે. ચીન પોતાના નાગરિકો સાથે જે પ્રકારનું વર્તન કરી રહ્યું છે તે જોઈને કહી શકાય કે તે દેશવાસીઓને પ્રાણી સમજે છે. સરકારી કર્મચારી લોકોના ઘરોની બહાર લીલા રંગની લોખંડની જાળીઓ લગાવી રહ્યા છે, જેથી તે બહાર ના નીકળી શકે અને ઘરોમાં કેદ રહે. મોટી મોટી ઈમારતોમાં પોતાના ઘરોની બહાર પિંજરાની જેમ જાળી લાગતી જોઈને નાગરિકોમાં પણ ડરનો માહોલ છવાયેલો છે. શાંઘાઈના પુડોંગ જિલ્લાને સૌથી વધારે જોખમ વાળો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. લોકો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે શું શાંઘાઈમાં કોઈ નેતાના ઘરની બહાર પણ આ પ્રકારની જાળી લગાવાવમાં આવી છે? શાંઘાઈમાં લોકો પર કઈ રીતે અત્યાચાર થઈ રહ્યો છે તેનો એક વીડિયો તાજેતરમાં જ સામે આવ્યો છે, જેમાં પીપીઈ કિટ પહેરેલા કર્મચારીઓ રેસ્ટોરન્ટના ગેટને સીલ કરી રહ્યા છે, જેથી અંદરના લોકો બહાર ના આવી શકે. રેસ્ટોરન્ટમાં વૃદ્ધોને કેદ કરવામાં આવ્યા છે. કર્મચારીઓએ ભોજનની માંગ કરી રહેલા લોકોને માર પણ માર્યો હતો. આ સાથે જ સર્વેલન્સ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોનના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે. રોબોટ ડોગની મદદથી લોકોને ઘરમા રહેવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં જ એક એવો પણ વીડિયો સામે આવ્યો હતો જેમાં નાના બાળકો પીપીઈ કિટ પહેરીને શાળાએ પહોંચ્યા હતા. ચીનની સરકાર આને ઝીરો કોવિડ પોલિસી કહી રહી છે. આટલું સખત લોકડાઉન હોવા છતાં કોરોના નિયંત્રણમાં નથી લાવી શકાતું. ચીનના કોરોના સંક્રમિત લોકોમાં અત્યારે લક્ષણો નથી જણાઈ રહ્યા. શાંઘાઈમાં અત્યાર સુધી ચાર લાખ કેસ સામે આવ્યા છે અને ૧૩૮ મૃત્યુ નોંધાયા છે. પરંતુ ચીનના અન્ય ૧૦૦ શહેરોમાં પણ કડક લોકડાઉનનો અમલ શરુ કરવામાં આવ્યો છે.

(8:31 pm IST)