મુખ્ય સમાચાર
News of Saturday, 30th April 2022

કોલસાની અછત વચ્‍ચે દેશમાં વીજળીની માંગમાં પણ રેકોર્ડ બે લાખ મેગાવોટથી વધુનો વપરાશ

દિલ્‍હી, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર સહિત દેશના ૧૩ રાજ્‍યો વીજળી સંકટનો સામનો કરી રહ્યા છે : ધતી ગરમી સાથે વીજળી સંકટ : અનેક રાજ્‍યોમાં વીજળી કાપની સમસ્‍યા

નવી દિલ્‍હી,તા.૩૦: દિલ્‍હી સહિત દેશના દ્યણા રાજયોના લોકો આ દિવસોમાં પાવર કટની સમસ્‍યાનો સામનો કરી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજયોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર છે, આવી સ્‍થિતિમાં દ્યણી જગ્‍યાએ માત્ર સાતથી આઠ કલાક જ વીજળી મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કોલસાની આયાત પર અસર પડી છે. ગઇ કાલે ૧૪:૫૦ વાગ્‍યે સમગ્ર ભારતમાં વીજળીની માંગ ૨૦,૭૧૧૧ મેગાવોટ પર પહોંચી ગઈ છે. જે અત્‍યાર સુધીનું સર્વોચ્‍ચ સ્‍તર છે.

પાવર પ્‍લાન્‍ટ્‍સ પાસે કોલસાના ભંડારમાં ઘટાડો થવાના અહેવાલો વચ્‍ચે, કેન્‍દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું છે કે દેશના પ્‍લાન્‍ટ્‍સમાં લગભગ ૨૨ મિલિયન ટન કોલસો છે, જે ૧૦ દિવસ માટે પૂરતો છે અને તેને સતત ભરવામાં આવશે.

 આવી સ્‍થિતિમાં ઝારખંડ, હરિયાણા, બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર એવા રાજયોમાં સામેલ છે જયાં સતત પાવર ફેલ થઈ રહ્યો છે. દિલ્‍હીએ આવશ્‍યક સેવાઓમાં પાવર કટની શક્‍યતા અંગે કેન્‍દ્રને પત્ર પણ લખ્‍યો છે. રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશો પણ પરિસ્‍થિતિને પહોંચી વળવા પગલાં લઈ રહ્યા છે.

દિલ્‍હીઃ દિલ્‍હી સરકારે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીને વીજળી સપ્‍લાય કરતા પાવર પ્‍લાન્‍ટ્‍સમાં કોલસાની સંભવિત અછત અંગે ચિંતા વ્‍યક્‍ત કરી હતી. કેજરીવાલ સરકારે કેન્‍દ્ર સરકારને પત્ર લખીને કોલસાનો પૂરતો પુરવઠો સુનિヘતિ કરવા વિનંતી કરી છે. દિલ્‍હીના ઉર્જા મંત્રી સત્‍યેન્‍દ્ર જૈને પણ ગુરુવારે દિલ્‍હી સચિવાલયમાં આ અંગે ઈમરજન્‍સી બેઠક યોજી હતી.

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના દાદરી-II અને ઝજ્જર (અરવલ્લી), બંને પાવર પ્‍લાન્‍ટની સ્‍થાપના મુખ્‍યત્‍વે દિલ્‍હીમાં વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કરવામાં આવી હતી. જો કે, આ પાવર પ્‍લાન્‍ટમાં પણ કોલસાનો ખૂબ ઓછો સ્‍ટોક છે. સત્‍યેન્‍દ્ર જૈને ખાતરી આપી હતી કે દિલ્‍હી સરકાર પરિસ્‍થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોને વીજળીની અછતનો સામનો ન કરવો પડે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે.

હરિયાણાઃ પાવર પ્‍લાન્‍ટ્‍સમાં કોલસાનો ભંડાર ખતમ થવાના અહેવાલો વચ્‍ચે હરિયાણામાં પણ વીજ સંકટ જોવા મળી રહ્યું છે. જરૂરિયાત પૂરી કરવા માટે હરિયાણા છત્તીસગઢ અને મધ્‍યપ્રદેશ જેવા રાજયો અને અન્‍યસ્ત્રોતો પાસેથી વધારાની શક્‍તિ મેળવશે. રાજયના ઉર્જા મંત્રી સીએચ રણજીત સિંહે આ જાણકારી આપી.

મંત્રીએ કહ્યું કે અમે એક અઠવાડિયામાં પરિસ્‍થિતિનો સામનો કરીશું અને અદાણી પાસેથી ૧૨૦૦-૧૪૦૦ મેગાવોટ વધારાની વીજળી લેવામાં આવશે. વીજ વપરાશ વધ્‍યો છે. આ સિવાય વધારાની ૩૫૦ મેગાવોટ છત્તીસગઢમાંથી અને ૧૫૦ મેગાવોટ મધ્‍યપ્રદેશમાંથી લેવામાં આવશે.

ઉત્તર પ્રદેશઃ યુપીની વાત કરીએ તો, વીજ સંકટ વચ્‍ચે, રાજયના થર્મલ પાવર સ્‍ટેશનો પાસે જરૂરિયાતના પ્રમાણમાં માત્ર એક ચતુર્થાંશ કોલસો બચ્‍યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આકરી ગરમીને કારણે વીજળીની માંગ વધી છે. એપ્રિલ મહિનામાં વીજળીની માંગ ૩૮ વર્ષની સર્વોચ્‍ચ સપાટીએ પહોંચી ગઈ છે. તે જ સમયે, રાજય સરકારની માલિકીની યુપી સ્‍ટેટ ઇલેક્‍ટ્રિસિટી જનરેશન કોર્પોરેશન પાસે કોલસાનો માત્ર ૨૬ ટકા જ સ્‍ટોક બાકી છે.

બિહારઃ અન્‍ય રાજયોની જેમ બિહારમાં પણ આ કાળઝાળ ઉનાળામાં વીજળીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. રાજયના ઉર્જા મંત્રી બિજેન્‍દ્ર પ્રસાદ યાદવે ગુરુવારે કહ્યું કે એક-બે દિવસમાં લગભગ ૧૦૦૦ મેગાવોટની વીજળીની અછત દૂર થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે વીજ પુરવઠામાં ઘટાડાને લઈને કેન્‍દ્ર સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.

ઝારખંડઃ રાજયને વીજળી સપ્‍લાય કરતા પાવર પ્‍લાન્‍ટમાં વીજ ઉત્‍પાદનમાં ઘટાડો થવાને કારણે ઝારખંડ પણ વીજ કાપનો સામનો કરી રહ્યું છે. રાંચીના એક દુકાનદારે જણાવ્‍યું કે, ૩-૪ કલાકથી પાવર ફેલ થઈ રહ્યો છે અને તેના કારણે ધંધાને અસર થઈ રહી છે. અન્‍ય દ્યણા દુકાનદારોએ પણ વીજ પુરવઠો બંધ હોવાની ફરિયાદ કરી છે.

પંજાબઃ વીજ ઉત્‍પાદન દ્યટવાના કારણે પંજાબના લોકો પણ વીજ કાપનો સામનો કરી રહ્યા છે. રાજય સરકારે પરિસ્‍થિતિને સંભાળવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. રાજયના મુખ્‍ય પ્રધાન ભગવંત માન આ સપ્તાહની શરૂઆતમાં કેન્‍દ્રીય પ્રધાન આરકે સિંહને મળ્‍યા હતા જેથી આગામી ડાંગરની મોસમ દરમિયાન પંજાબમાં અવિરત અને નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરી શકાય.

ઉત્તરાખંડઃ ઉત્તરાખંડમાં પણ વીજળીની અછત વધી છે. રાજયને ૧૫ મિલિયન યુનિટની સામે માંડ પાંચ મિલિયન યુનિટ વીજળી મળી રહી છે. આવી સ્‍થિતિમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજકાપ ચાલુ છે. વીજળી સંકટને લઈને કોંગ્રેસ રસ્‍તા પર આવી ગઈ છે અને પૂર્વ મુખ્‍યમંત્રી હરીશ રાવતે પણ આકરી ગરમી વચ્‍ચે ધરણા કર્યા હતા. આ મુદ્દે રાજકારણ ગરમાતા સરકાર હરકતમાં આવી હતી.મુખ્‍યમંત્રીએ અધિકારીઓને જલ્‍દી મળીને સમસ્‍યાનો ઉકેલ લાવવા નિર્દેશ આપ્‍યા છે.

મહારાષ્ટ્રઃ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાવર કટોકટી અંગે અધિકારીઓ સાથે મોટી બેઠક યોજી હતી. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રને ૨૫ હજાર મેગાવોટ વીજળીની જરૂર છે. (૨૨.૪)

(10:33 am IST)