મુખ્ય સમાચાર
News of Saturday, 30th April 2022

આસામના શ્રીરામપુરમાં ટ્રકમાંથી 20 કરોડનું હેરોઈન અને અફીણનો જથ્થો જપ્ત :એક આરોપીને ઝડપાયો

તલાશી દરમિયાન ટ્રકની ઓઈલ ટેન્કમાં સંતાડેલું પ્રતિબંધિત હેરોઈન અને અફીણ મળી આવ્યું: રાજસ્થાનના બાડમેરના રહેવાસી મોહનલાલની ધરપકડ : ટ્રક મણિપુરથી રાજસ્થાન મોકલાઈ હતી

કોકરાઝાર :પોલીસે કોકરાઝાર જિલ્લાના ગોસાઈગાંવ વિભાગ હેઠળ આસામ-પશ્ચિમ બંગાળ સરહદના શ્રીરામપુર ખાતે એક ટ્રકમાંથી આશરે રૂ. 20 કરોડનું હેરોઈન અને અફીણ જપ્ત કર્યું હતું.

 ગોસાઈગાંવ સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અમર જ્યોતિ બૈલોંગના નેતૃત્વમાં પોલીસે શુક્રવારે બપોરે શિમલતાપુ પોલીસ સ્ટેશન હેઠળના શ્રીરામપુરમાં એક ટ્રકની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન ટ્રકની ઓઈલ ટેન્કમાં સંતાડેલું પ્રતિબંધિત હેરોઈન અને અફીણ મળી આવ્યું હતું.

 પોલીસે ઈમ્ફાલથી રાજસ્થાન જઈ રહેલી ટ્રકમાં હેરોઈન અને અફીણની રિકવરી માટે ટ્રક (RJ-14GD-9213) જપ્ત કરવા સાથે રાજસ્થાનના બાડમેરના રહેવાસી મોહન લાલની ધરપકડ કરી છે.

 અત્રે નોંધનીય છે કે આ ટ્રક મણિપુરના ઇમ્ફાલથી રાજસ્થાન મોકલવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકમાંથી જપ્ત કરાયેલા અફીણ અને હેરોઈનની બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયા હશે. આ સંદર્ભે એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસ ધરપકડ કરાયેલ દાણચોરની પૂછપરછ કરી રહી છે.

(10:37 pm IST)