મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

કોઈ પણ ભેદભાવ કે દબાણ વગર તપાસ કરી : સીબીઆઈ

સુશાંત કેસ : CBIએ રિયાના દાવાની ધૂળ કાઢી : સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તી દ્વારા સ્ટારની બહેનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી

મુંબઈ,તા.૨૯ : સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તીએ તેની બહેનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટમાં નિવેદન નોંધાવ્યું. સીબીઆઈએ બુધવારે મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો પર જે આરોપો લગાવ્યા છે તે મોટાભાગના કાલ્પનિક છે. આથી અનુમાનોના આધારે એફઆઈઆર નોંધાઈ શકે નહીં. રિયા ચક્રવર્તીએ એવો આરોપ લગાવ્યો હતો કે જૂન ૨૦૨૦માં ફેક પ્રિસ્ક્રિપ્શનના આધારે સુશાંતે પ્રતિબંધિત દવાઓ ખરીદી હતી. સુશાંત સિંહ રાજપૂતની બહેનોએ પોતાના વિરુદ્ધ થયેલી એફઆઈઆર રદ કરાવવા માટે મુંબઈ હાઈકોર્ટમાં અરજી  દાખલ કરી. સીબીઆઈએ સંદર્ભે કહ્યું કે એફઆઈઆર નોંધતા પહેલા મુંબઈ પોલીસે તપાસ કરવી જોઈતી હતી. રિયા ચક્રવર્તીએ પોતાના આરોપોમાં કહ્યું કે જૂન ૨૦૨૦માં નકલી પ્રિસ્ક્રિપ્શનના આધારે સુશાંતે પ્રતિબંધિત દવાઓ ખરીદી હતી. સીબીઆઈનું કહેવું છે કે રિયાએ સુશાંતની બહેનોના વિરુદ્ધ જે આરોપો અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે તે મોટાભાગે કાલ્પનિક અને અંદાજિત છે.

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી અને તેમના પરિવારના લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સીબીઆઈ તેની તપાસમાં લાગી છે. સીબીઆઈએ વધુમાં કહ્યું કે બે એફઆઈઆર એક એક્શનમાં રજિસ્ટર્ડ થઈ શકે નહીં. સુશાંત સિંહ રાજપૂત સંલગ્ન તમામ કેસમાં સીબીઆઈ પહેલેથી તપાસ કરી રહી છે. આથી મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તીની ફરિયાદ સીબીઆઈને મોકલવી જોઈતી હતી. એક કેસમાં એક વધુ એફઆઈઆર નોંધવી જોઈતી નહતી. જેના કારણે તે તથ્યો પર એફઆઈઆર નોંધવી  નિયમ વિરુદ્ધ છે. સીબીઆઈએ એમ પણ કહ્યું કે જો રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂત અને તેમની બહેન પ્રિયંકા વચ્ચે થયેલી ચેટ અંગે જાણકારી હતી તો તેણે સપ્ટેમ્બર સુધી ચૂપ રહેવું જોઈતું નહતું. સીબીઆઈએ  કહ્યું કે તે કોઈ પણ ભેદભાવ કે દબાણ વગર તપાસ કરી રહી છે. મુંબઈ હાઈકોર્ટ મામલે આગામી સુનાવણી નવેમ્બરે કરશે.

(7:46 pm IST)