મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

બાલાજી ગ્રુપનો ચિક્કી બીઝનેશ ક્ષેત્રે પ્રવેશ

બાલાજી વેફર્સ વઢવાણની મેકસન સાથે મળીને ચિક્કીનું પ્રોડકશન કરશે

મુંબઇ,તા.૨૯ : રાજકોટની ચિક્કી ભલે દુનિયાભરમાં જાણીતી હોય પણ એ ખાવી હોય તો તમારે રાજકોટ જતા કે પછી રાજકોટથી આવતા કોઈની પાસે મંગાવવી પડે, પણ હવે એવું નહીં બને. રાજકોટની બાલાજી વેફર્સ વઢવાણની મેકસન કંપની સાથે ટાઇઅપ કરીને ચિક્કીના હોલસેલ પ્રોડકશનમાં આવી રહી છે જે દેશભરમાં એ ડિસ્ટ્રિબ્યુટ થશે. ચિક્કીના પ્રોડકશન માટે બાલાજી વેફર્સે એક મશીન બનાવ્યું છે તો જમર્નીની એક કંપની સાથે ટાઇઅપ કરીને એક મશીન ડેવલપ કરાવ્યું છે. આ મશીનમાં ચિક્કી બનશે. ચિક્કીનું માર્કેટિંગ બાલાજીના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં થશે તો સાથોસાથ મેકસન દ્વારા પણ એનું માર્કેટિંગ કરવામાં આવશે. મેકસન કંપની નેસ્લે, કેડબરી અને હર્શિઝ અને પાર્લે જેવી નેશનલ અને મલ્ટિનેશનલ કંપની માટે ઓલરેડી જોબવર્ક કરે છે.

મેકસનના માલિક અને બીજેપીના ધારાસભ્ય ધનજીભાઈ પટેલે કહ્યું હતું, 'ચિક્કીનું માર્કેટ ખૂબ મોટું છે પણ સ્થાનિક બજાર સિવાય કયાંય એ મળતી નહીં હોવાથી એ સીમિત બજારમાં જ ઉપલબ્ધ હતી, પણ હવે એવું નહીં થાય.'

શિયાળા દરમ્યાન દરરોજ રાજકોટમાં ત્રણસોથી ચારસો કિલો ચિક્કી બને છે અને ખવાય છે. બાલાજી આ સીઝનમાં જ ચિક્કી માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી દેશે. બાલાજીના માલિક ચંદુભાઈ પટેલે કહ્યું હતું, 'લોકપ્રિય મીઠાઈઓ દેશભરમાં ઉપલબ્ધ છે ત્યારે રાજકોટની પોપ્યુલર ચિક્કી પણ બધી જગ્યાએ મળે એ અમારી ઇચ્છા ફાઇનલી ફળીભૂત થઈ છે.'

(10:25 am IST)