મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

બિહારમાં મતદાન દિને મત માગતા રાહુલ ગાંધી સામે ફિરયાદ

કોંગ્રેસના નેતાએ ચૂંટણી પ્રચારના નિયમોનો ભંગ કર્યો : મહાગઠબંધનના ઉમેદવાર માટે મત માગતા ભાજપે કોંગ્રેસના ટોચના નેતા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હી,તા.૨૮    : ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીની એક અપીલ પર ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા કહ્યું કે આજે બુધવારના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે આજે સવારે જ રાહુલ ગાંધીએ મતદાતાઓને અપીલ કરી હતી કે તેઓ મહાગઠબંધનના ઉમેદવારો માટે મતદાન કરે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે રાહુલ ગાંધીએ આ અપીલ દ્વારા ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કર્યો છે. રાહુલ ગાંધીની જે અપીલ સામે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે તેમાં રાહુલ ગાંધીએ મતદાતાઓને અપીલ કરતા કહ્યું હતું કે, આ વખતે ન્યાય, રોજગારી, ખેડૂત-મજૂર માટે તમારો મત ફક્ત મહાગઠબંધન માટે જ હોવો જોઈએ.

બિહારના પહેલા તબક્કાના મતદાનની તમમને બધાને શુભેચ્છાઓ. રાહુલ ગાંધીએ બુધવારે સવારે ૮.૩૦ વાગ્યે આ અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ મતદાતાઓને કરેલી અપીલમાં તેઓ મતદાનની અપીલ તો કરી જ રહ્યા છે પરંતુ તેની સાથે સાથે જે પ્રકારની ભાષાનો તેમણે ઉપયોગ કર્યો હતો તેવી ભાષાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે આજે ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પ્રચાર કરવાની સમય મર્યાદા સોમવારે સાંજે પૂર્ણ થઈ ચૂકી છે એવામાં નિયમો અંતર્ગત મંગળવાર અને બુધવારના રોજ પ્રચાર કરવો તે ગેરકાયદેસર અને નિયમોનો ભંગ છે. ભારતીય જનતા પાર્ટીએ આ જ બાબતને મુદ્દો બનાવીને ચૂંટણી પંચમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંઘાવી છે. જ્યાં સુધી મતદાનના દિવસે મતદાતાઓને મતદાનની અપીલ કરવાની વાત હોય તો તેને ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કર્યો ન કહેવાય પરંતુ મતદાતાઓને કોઈ એક પક્ષ માટે મતદાન કરવા માટે કહેવું તેને ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ ગણવામાં આવે છે.

(12:00 am IST)