મુખ્ય સમાચાર
News of Thursday, 29th September 2022

હાય હાય યે મહંગાઇ : લોકોની બચત કરવાની ટેવ તળિયે

ભારતીયોનો બચત દર ૫ વર્ષની સૌથી નીચી સપાટીએ : લોકડાઉનમાં બચત શિખર ઉપર હતી : મોંઘવારી અને ડીમાન્‍ડે બચતને ઠેસ પહોંચાડી : રીઝર્વ બેંકના આંકડા ચોંકાવે તેવા

નવી દિલ્‍હી તા. ૨૯ : ભારતીયોનો બચત દર છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચા સ્‍તરે આવી ગયો છે. આ આંકડો ૩૧ માર્ચે પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષનો છે. આનું કારણ એ આપવામાં આવ્‍યું છે કે એક તરફ ભારતીયોએ કોવિડ રોગચાળા પછી જબરદસ્‍ત ખરીદી કરી, તો બીજી તરફ મોંઘવારીથી તેમની ખરીદ શક્‍તિને અસર થઈ.

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાના ડેટા અનુસાર, નાણાંકીયᅠવર્ષ ૨૦૨૨માં ઘરગથ્‍થુ નાણાકીય બચત ભારતના GDPના ૧૦.૮ ટકા હતી, જે નાણાંકીયᅠવર્ષ ૨૦૨૧ની સરખામણીમાં ૧૫.૯ ટકા અને તે પહેલાના ત્રણ નાણાકીય વર્ષોમાં ૧૨ ટકાનો ઘટાડો હતો. નોંધપાત્ર રીતે, આ સમયગાળા દરમિયાન જીડીપીમાં તીવ્ર ઘટાડો થયો હતો.

નિષ્‍ણાંતોનું માનવું છે કે જયારે ઓછી આવક ધરાવતા લોકો પર મોંઘવારી તીવ્ર અસર કરશે ત્‍યારે આ પરિવારો ઘટતી આવકને કારણે તેમની ખરીદી પર લગામ લગાવશે. ઘણા લોકોએ રોગચાળાના પ્રારંભિક તબક્કામાં તેમની બચતમાં વધારો કર્યો હતો કારણ કે તેઓ તેમના સ્‍વાસ્‍થ્‍ય, નોકરીઓ પર કોવિડ-૧૯ની અસર વિશે ચિંતિત હતા, પરંતુ રોગચાળો ધીમો પડતાં તેમના પોતાના શોપિંગ પ્રતિબંધોને તોડવાનું શરૂ કર્યું હતું. નિષ્‍ણાતો તેને રિવેન્‍જ શોપિંગ કહે છે. આ સમયે બચત વધારે હતી, પણ આવક વધી રહી ન હતી.ᅠ

કોવિડ-૧૯ના પ્રારંભિક તબક્કામાં એટલે કે ૨૦૨૦-૨૧ના જૂન ક્‍વાર્ટરમાં ઘરગથ્‍થુ બચતનો દર જીડીપીના ૨૧ ટકા પર પહોંચી ગયો હતો, કારણ કે લોકડાઉનને કારણે લોકો પાસે ખરીદીનો વિકલ્‍પ નહોતો. બેંક ઓફ બરોડાના ચીફ ઇકોનોમિસ્‍ટ મદન સબનવીસ કહે છે કે આ પછીની માંગમાં તેજી હજુ પણ ચાલુ છે. લોકોની આવકમાં વધારો થયો નથી અને રોજગારી પણ વધી નથી, પરંતુ ખરીદીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.

મદન સબનવીસના મતે, ફુગાવો અને ઝડપથી વધતી માંગને કારણે બિનહિસાબી વપરાશમાં ફાળો આવ્‍યો, જેણે લોકોની બચત કરવાની ક્ષમતામાં ઘટાડો કર્યો. એટલું જ નહીં, બેન્‍કિંગ સિસ્‍ટમમાં વધારાની તરલતાને કારણે વ્‍યાજદરમાં ઘટાડો થયો. આનાથી થાપણ દરો પર અસર થઈ. જયારે ફેબ્રુઆરી ૨૦૨૦માં બેંકોમાં બાકી થાપણોનો સરેરાશ દર ૬.૪૫ ટકા હતો, તે આ વર્ષે મે મહિનામાં ઘટીને ૫.૦૭ ટકા થયો હતો અને જુલાઈમાં નજીવો વધીને ૫.૨૨ ટકા થયો હતો. ઘરગથ્‍થુ બચતના આંકડામાં નાના અને સૂક્ષ્મ સાહસોનો પણ સમાવેશ થાય છે, જે નાણાકીય પડકારોનો સામનો કરી રહ્યા છે.

ફુગાવાને માપતો કન્‍ઝ્‍યુમર પ્રાઇસ ઇન્‍ડેક્‍સ, એપ્રિલમાં ૭.૮ ટકાની ટોચે પહોંચ્‍યા પછી જુલાઈમાં થોડો નરમ પડ્‍યો હતો, પરંતુ ઓગસ્‍ટમાં ફરીથી અપટ્રેન્‍ડ લીધો હતો. મોતીલાલ ઓસ્‍વાલ ફાઇનાન્‍શિયલ સર્વિસિસના નિષ્‍ણાતોના મતે ઓક્‍ટોબરમાં પણ તે આરબીઆઈના લક્ષ્યાંકથી ઉપર રહેવાની ધારણા છે. ઘરગથ્‍થુ બચતમાં બેંક અને નોન-બેંક થાપણો, જીવન વીમા ભંડોળ, ભવિષ્‍ય નિધિ અને પેન્‍શન ફંડ, રોકડ, રોકાણ અને નાની બચતનો સમાવેશ થાય છે.

નિષ્‍ણાતો કહે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨ ના ક્‍વાર્ટરમાં, જયાં થાપણોનો હિસ્‍સો ૨૭.૨ ટકા હતો, એટલે કે તે છેલ્લા ૫૦ વર્ષનો બીજો નીચો સ્‍તર છે. આશ્ચર્યજનક વાત એ છે કે વીમા, ભવિષ્‍ય નિધિ અને પેન્‍શન ફંડમાં રોકાણ ૪૦ ટકા વધ્‍યું છે. શેર અને ડિબેન્‍ચર જેવા જોખમી રોકાણોમાં રોકાણ પાંચ વર્ષની ટોચે પહોંચ્‍યું છે.

(11:57 am IST)