મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

કુલ્લુમાં પાર્ક કરેલી કારમાં અચાનક વિસ્ફોટ : કાર ફંગોળાઈ : ગભરાટનો માહોલ છવાયો

ફોરેન્સિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી: બ્લાસ્ટ માટે જિલેટીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા

હિમાચલ પ્રદેશના કુલ્લુના જરીમાં  એક વાહનમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કાર ફંગોળાઈ ગઈ હતી. કુલ્લુના એસપીના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે જરી વિસ્તારમાં બની હતી. પાર્ક કરેલી કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ ફોરેન્સિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ બ્લાસ્ટ માટે જિલેટીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે NHPC અને PWDના વિસ્ફોટક સ્ટોર્સની તપાસ કરવામાં આવી રહી છે. સમાચાર મુજબ વિસ્ફોટ થતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના અંગે લોકો એકબીજા પાસેથી માહિતી લઈ રહ્યા હતા. અચાનક થયેલી આ ઘટનાને કારણે વિસ્ફોટ કેવી રીતે થયો તે કોઈ સમજી શક્યું ન હતું. અચાનક થયેલા હુમલાને કારણે લોકોને આતંકવાદી હુમલાની આશંકા હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલાની તપાસ શરૂ કરી હતી.

(11:08 pm IST)