મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

રણજી ટ્રોફીની ફોર્મેટમાં ફેરફાર નહીં કરાય : બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી

ગત વર્ષે કોરોનાનાને લીધે રણજી ટ્રોફી યોજાઈ નહતી : રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ બે તબક્કામાં થશે, પ્રથમ તબક્કો એક મહીનાનો હશે જે આપીએલ ૨૦૨૨ પહેલા રમાશે

નવી દિલ્હી, તા.૨૯: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રણજી ટ્રોફી ૨૦૨૨ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં નહોતું આવ્યું અને આ વર્ષે તેને ૧૩ જાન્યુઆરીએ શરૂ કરવાની યોજના હતી પરંતુ દેશમાં ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી તેને અમૂક સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

જોકે, હવે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ખુદ જણાવ્યુ છે કે, રણજી ટ્રોફી ૨૦૨૨ની શરૂઆત ક્યારથી થશે. બોર્ડ પ્રમુખના જણાવ્યા પ્રમાણે બીસીસીઆઈ ૧૩ ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટ શરૂ કરવાનું મન બનાવી રહ્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર નહીં થાય.

ગાંગુલીએ ટૂર્નામેન્ટ શરૂ થવાની તારીખ એક મેગેઝિન સાથે વાતચીત દરમિયાન કન્ફર્મ કરી હતી. તેમણે જણાવ્યું કે, બધી ટીમોને ૫ ગ્રુપોમાં વહેંચી દેવામાં આવશે. દરેક ગ્રુપમાં ૬ ટીમ હશે જ્યારે પ્લેટ ગ્રુપમાં ૮ ટીમો હશે. ગાંગુલીએ જણાવ્યું કે, અમે મિડ ફેબ્રુઆરીથી રણજી ટ્રોફી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે અને તે તારીખ ૧૩ ફેબ્રુઆરી હોઈ શકે છે.

હાલમાં જે રણજી ટ્રોફીનું ફોર્મેટ છે એજ રહેશે. ટૂર્નામેન્ટ બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કો એક મહીનાનો હશે જે આપીએલ ૨૦૨૨ પહેલા રમાશે. બોર્ડે રણજી ટ્રોફીનું આયોજન બે તબક્કામાં કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કામાં લીગ સ્તરની મેચ થશે અને નોકઆઉટ જૂનમાં રમાશે.

તેમણે આગળ કહ્યુ કે, ૨૭ માર્ચથી આપીએલ ૨૦૨૨નું આયોજન થવાનું છે અને એવી સ્થિતિમાં રણજી ટ્રોફીની નોકઆઉટ સ્પર્ધાનું આયોજન જૂન અને જુલાઈમાં કરવામાં આવશે. ફોર્મોટમાં કોઈ ફેરફાર નહીં થાય. કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી અમે ટૂર્નામેન્ટ માટે વેન્યુ શોધી રહ્યા છીએ. બધી વસ્તુઓ પર હાલમાં અમે વિચાર કરી રહ્યા છીએ.

(10:00 pm IST)