મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

ચૂંટણી પંચનો મોટો નિર્ણય:10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી યુપી ચૂંટણીના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ

ઉલ્લંઘનના કિસ્સામાં બે વર્ષની જેલ અથવા તો દંડ:ચૂંટણીની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારનો ઓપિનિયન પોલ કે બીજા કોઈ સર્વેક્ષણ પ્રકાશિત નહીં કરી શકે

નવી દિલ્હી :  યુપી વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે એક મોટો નિર્ણય કરીને 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી તમામ પ્રકારના એક્ઝિટ પોલ પર પાબંધી મૂકી દીધી છે. યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ શનિવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે એક્ઝિટ પોલ કરાવવા, પ્રિન્ટ અથવા ઈલેક્ટ્રોનિક મીડિયામાં તેના પ્રકાશન અથવા તો તેના પ્રચાર પર 10 ફેબ્રુઆરીના સવારના સાતથી સાત માર્ચની સાંજના 6.30 વાગ્યા સુધી પ્રતિબંધ છે. 

ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ કહ્યું કે પંચના આ નિર્ણયનું કોઈ ઉલ્લંઘન કરશે તો તેવા વ્યક્તિને બે વર્ષની જેલ અથવા તો દંડ અથવા તો બન્ને થશે. તેમણે કહ્યું કે ચૂંટણીની સામાન્ય પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈ પણ પ્રકારનો ઓપિનિયન પોલ કે બીજા કોઈ સર્વેક્ષણ પ્રકાશિત નહીં કરી શકે. 

યુપીમાં કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે. પહેલા તબક્કાનુ મતદાન 10 ફેબ્રુઆરીથી શરુ થશે ત્યાર બાદ 14 ફેબ્રુઆરીએ બીજો, 20 ફેબ્રુઆારીએ ત્રીજા, 23 ફેબ્રુઆરીએ ચોથા, 27 ફેબ્રુઆરીએ પાંચમા, 3 માર્ચે છઠ્ઠા તથા 7 માર્ચે 7મા તબક્કાનું મતદાન થશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે

(8:56 pm IST)