મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને મોબાઈલ સસ્તા થવાનાં સંકેત

પહેલી ફેબ્રુઆરીને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમન બજેટ રજૂ કરશે : સરકાર સ્માર્ટ વોચ જેવા સાધનો પર પણ ડ્યુટી ઘટાડવા માટે વિચારી રહી છે, આવક વધારવાનો પ્રયાસ

નવી દિલ્હી, તા. ૨૯ : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમન એક ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે.જેમાં દેશના તમામ વર્ગને ફાયદાની આશા છે. લોકો ઈચ્છી રહ્યા છે કે, સરકાર એવી જાહેરાતો કરે જેનાથી આવક વધે.દરમિયાન એક અંગ્રેજી અખબારે સરકારના સૂત્રોને ટાંકીને અહેવાલ પ્રગટ કર્યો છે કે, દેશમાં ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલના પાર્ટસના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર તેના પર ડયુટી ઘટાડી શકે છે.જેનાથી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોબાઈલ સસ્તા થઈ શકે છે. આ સિવાય કસ્ટમ ડ્યુટીની પ્રક્રિયાને પણ સરળ કરવાની ચર્ચા થઈ રહી છે.જેનાથી સ્થાનિક ઉત્પાદનમાં પણ આસાની થશે.સરકાર સ્માર્ટ વોચ જેવા સાધનો પર પણ ડ્યુટી ઘટાડવા માટે વિચારી રહી છે. સરકારને આશા છે કે, મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ અને તેની નિકાસમાં તેજી આવશે તેમજ ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને સાધનોની નિકાસ પણ વધશે.

સરકારને આશા છે કે, ૨૦૨૫ સુધીમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોની નિકાસ વધીને ૮ અબજ ડોલર થશે .જે હાલમાં ઝીરો છે.તેમજ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડ્કટસની નિકાસ પણ બમણી થઈને ૧૭ અબજ ડોલરે પહોંચશે. સાથે સાથે ઈલેકટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરનુ ટર્નઓવર પણ  ૨૦૨૬ સુધીમાં ૩૦૦ અબજ ડોલર થઈ શકે છે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

(7:45 pm IST)