મુખ્ય સમાચાર
News of Saturday, 29th January 2022

લેણદારે લોનની વસુલાત કરવા માટે અધમ રસ્તો અપનાવ્યો : લોન લેનાર પુરુષનું અપહરણ કરી શારીરિક હુમલો કરી તેના નગ્ન ફોટા અપલોડ કર્યા : કર્ણાટક હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી

કર્ણાટક : લોનની વસુલાત કરવા માટે અધમ રસ્તો અપનાવતો કિસ્સો બહાર આવ્યો છે. જે મુજબ લેણદારે લોન લેનાર પુરુષનું અપહરણ કરી તેના નગ્ન ફોટા લઇ અપલોડ કર્યા હતા.જેની જાણ પીડિત પુરુષની પત્નીને થતા તેણે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આરોપીએ પીડિતને ગોંધી રાખી  તેના પર શારીરિક હુમલો કર્યો હતો અને નગ્ન ફોટોગ્રાફ્સ લીધા હતા જે તેણે લોનની ચુકવણીની વસૂલવા માટે અપલોડ કર્યા હતા.

જેના અનુસંધાને કર્ણાટક હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી જેણે કથિત રીતે અપહરણ કર્યું હતું, પીડિતને બંધક બનાવી શારીરિક હુમલો કર્યો હતો .તથા નગ્ન ફોટા લીધા હતા.
જસ્ટિસ એચપી સંદેશે નોંધ્યું હતું કે પીડિતનું અપહરણ કરવામાં આવ્યું હતું અને નાણાકીય વ્યવહારના સંબંધમાં તેની નગ્ન તસવીરો અપલોડ કરવામાં આવી હતી. તદુપરાંત, ઘટના પછી આરોપી તરત જ અમેરિકા જવા દેશ છોડી ગયો હોવાથી જામીન આપવા યોગ્ય કેસ ન હતો.

હું માનું છું કે તેને જામીન આપવા માટે CrPC ની કલમ 438 હેઠળ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો યોગ્ય નથી તેવું સિંગલ-જજે જામીન અરજીને નકારી કાઢતી વખતે જણાવ્યું હતું.

આરોપી પર ભારતીય દંડ સંહિતાની કલમ 364-A, (ખંડણી માટે અપહરણ) 368 (ખોટી રીતે છુપાવવું અથવા કેદમાં રાખવું) હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ માટે આરોપ મૂકવામાં આવ્યો હતો અને કલમ 66E (માહિતી ટેકનોલોજી અધિનિયમની ગોપનીયતાના ઉલ્લંઘન માટેની સજા) ની કલમ લગાવવામાં આવી હતી.

પીડિતની પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે એક દિવસ જ્યારે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી, તેણીની સિસ્ટર ઈન લો એ કહ્યું કે તેણીના પતિ પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો અને તેના નગ્ન ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા, જે ઓનલાઈન પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેણે પીડિતની પત્નીને ફોટા બતાવ્યા હતા જેના આધારે ફરિયાદ નોંધાવી હતી.

આરોપીએ પીડિત પાસેથી ₹2 લાખની લોનની રકમ વસૂલવા માટે કથિત રીતે આ કૃત્ય કર્યું હતું.

આરોપી વતી હાજર રહેલા એડવોકેટ એસ બાલક્રિષ્નને દલીલ કરી હતી કે IPCની કલમ 364-A હેઠળ શિક્ષાપાત્ર અપરાધને આકર્ષિત કરી શકાતો નથી કારણ કે આ કૃત્ય કથિત ગુનાના ઘટકોને સંતોષતું નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અરજદાર સામે કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને અરજદાર કોઈપણ જામીનની શરતનું પાલન કરવા અને વધુ તપાસ માટે તપાસ અધિકારીને સહકાર આપવા તૈયાર છે.

ફરિયાદીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મોહમ્મદ મુજસિમે પીડિતના લીધેલા નગ્ન ફોટોગ્રાફ્સની નકલ સાથેનો મેમો ફાઇલ કર્યો હતો, જે હુમલાનો વીડિયો લેવામાં આવ્યો હતો અને પીડિતની હેરાનગતિના પ્રયાસ અંગેના અખબારના લેખો રજૂ કર્યા હતા.

હાઈકોર્ટના સરકારી વકીલ આર.ડી.રેણુકારાધ્યાએ રાજ્ય તરફથી હાજર થતા જણાવ્યું હતું કે તસવીરો સ્પષ્ટપણે જણાવે છે કે પીડિત પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસ સમક્ષ પીડિતનું નિવેદન ખૂબ જ સ્પષ્ટ છે અને મામલો તપાસ હેઠળ છે.

આથી, તેમણે એવી દલીલ કરી હતી કે ગુનાની ગંભીરતા અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં લેતા, અરજદારને જામીન આપવા યોગ્ય કેસ નથી.

 

કોર્ટે રાજ્ય અને ફરિયાદી સાથે સંમત થઇ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:13 pm IST)